પાલનપુરમાં અષાઢી બીજ નિમિતે ભવ્ય રથયાત્રા નીકળશે.


પાલનપુરમાં તા. ૦૧.૦૭.૨૦૨૨ના રોજ અષાઢી બીજ નિમિતે ભવ્ય રથયાત્રા નીકળશે. પ્રાપ્ત માહિતી મુજબ, શ્રી શ્રી 1008 મહંત શ્રી રાઘવદાસજી મહારાજ અધ્યક્ષ શ્રીરામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજીત ભગવાન જગન્નાથજીની ૫૧મી રથયાત્રા શુક્રવારે મોટા રામજી મંદિર પથ્થર સડક પાલનપુરથી નીકળશે.

પાલનપુરમાં પ્રથમ વખત મોસાળાનું આયોજન...


આ રથયાત્રા પ્રસંગે પાલનપુરમાં પ્રથમવાર મોસાળુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોસાળ પક્ષના મુખ્ય યજમાન રમણીકલાલ મોહનલાલ જોષી તથા તેમના પુત્ર અતુલભાઈ જોષી અને તેમના ધર્મપત્ની શિલ્પાબેન અતુલભાઈ જોષીના નિવાસસ્થાને તા. ૨૮.૦૬.૨૦૨૨ના રોજ મોસાળુ કરવામાં આવ્યું હતું. જ્યાં તા. ૩૦.૦૬.૨૦૨૨ સુધી દર્શનાર્થીઓએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો.

રૂ. ૪,૧૧,૦૦૦/-નું મોસાળુ કરવામાં આવ્યું.

આ મોસાળામાં ચોકસી પરિવાર તરફથી ભગવાનના દાગીના, ચાંદીના વાસણો, ભગવાનનો શણગાર અને રોકડ રકમ મળીને રૂ. ૩,૧૧,૦૦૦/- ત્યાં હાજર ભકતો તરફથી ઢાલ રૂપે રૂ. ૮૩૦૦૦/- તેમજ ૩ દિવસની આરતીમાં એકત્ર થયેલ રૂ. ૧૭,૦૦૦/- મળીને રૂ. ૪,૧૧,૦૦૦/-નું મોસાળુ કરવામાં આવ્યું હતું. આ સિવાય નગરજનોએ ભગવાનને ભેટ સ્વરુપે વસ્તુઓ પણ આપી હતી. આ પ્રસંગે આવતા વર્ષે ભગવાન જગન્નાથજીની ૫૨મી રથયાત્રાના મોસાળાના યજમાન તરીકે મહેશભાઇ એમ. ઠક્કર અને જયંતિભાઇ એમ. ઠક્કર (ફાફડાવાળા) પરિવાર લાભ લેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સવારે મહાઆરતી બાદ રથયાત્રા નીકળશે.

તા. ૦૧.૦૭.૨૦૨૨ના રોજ સવારે ૮.૩૦ કલાકે ભગવાન જગન્નાથજીની મહાઆરતી થયા બાદ સવારે ૯ વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરયાત્રા માટે પ્રસ્થાન કરશે. જેમાં વિવિધ પ્રકારની ઝાંખી રજૂ કરવામાં આવશે. રથયાત્રામાં હાથી, ઘોડા, રથ અને ઊંટલારી, ટ્રેકટર, જીપ, બુલેટ સહિતના વાહનો જોડાશે. રથયાત્રા દરમિયાન ભક્તોને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ આપવામાં આવશે. રથયાત્રામાં અખાડા, તલવારબાજી ટીમ અને તલવાર-લાઠી દાવવાળી ટીમ જોડાશે. ઉપરાંત ઇશ્કોન મંદિરની ઝાંખી અને પાલનપુર શહેરની ભજનમંડળીઓ હાજર રહેશે. આ પ્રસંગે નવા લક્ષ્મીપુરામાં બપોરે ૧ વાગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા ભોજન પ્રસાદ તથા વિશ્રામની તથા ભક્તો દ્વારા ઠંડુ પાણી શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુરના મુખ્ય માર્ગો પર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં કોમી એખલાસ વચ્ચે રથયાત્રા નીકળે અને લોકોમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પૂર્વ પોલીસ મથકે શહેર શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ