ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૭.૨૦૨૨

ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવી પૂનમીયા સંઘનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવાયો

અંબાજી મંદિર તરફથી અપાતા પરમીટ સંઘોને ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી અંબાજી મંદિરની પાવતી બુકો ભાદરવી પૂનમીયા સંઘને આપી દરેક સંઘ પાસેથી નિયત રકમ નક્કી કરી દાન લેવાય તો અંબાજી મંદિરને મોટી આવક થાય


વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. દરમિયાન બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મહામેળાના આયોજન માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બે મહિના અગાઉથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી છે. જેમાં આ વખતે ટ્રસ્ટના ચેરમેન કમ ક્લેક્ટર દ્વારા ભાદરવી પૂનમીયા સંઘનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા ચેરમેનશ્રીની આ પહેલને આવકારી જણાવાયું છે કે, ભાદરવી પૂનમીયા સંઘમાં જોડાયેલા સંઘોની એવી માંગણી છે કે, એમને ઘરે બેઠા પરમીટ મળે. ભૂતકાળનો અનુભવ એવો છે કે, સંઘ પરમીટના નામે પૈસા ઉઘરાવે છે. જેના કારણે સંઘ પાસે મોટું ભંડોળ એકત્ર થયું છે. જો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરની પાવતી બુકો ભાદરવી પૂનમીયા સંઘને આપવામાં આવે અને પરમીટ દીઠ દરેક સંઘ પાસેથી સ્વૈચ્છિક દાન પેટે પૈસા ઉઘરાવવામાં આવે તો અંબાજી મંદિરમાં મોટું ભંડોળ એકત્ર થાય તેમ છે અને સંઘોને ઘરે બેઠા આસાનીથી પરમીટ પણ મળી રહે તેમ છે. વર્ષોથી એવું ચાલતું આવ્યું છે કે, અંબાજી મંદિર દ્વારા સંઘોને અપાતા પરમીટ ભાદરવી પૂનમીયા સંઘ વેચે છે અને દાનની આવક સંઘ કરે છે. જો સંઘ અંબાજી મંદિરના નામે જ પરમીટ આપતું હોય અને ભાદરવી પૂનમના મેળાને લગતી તમામ કામગીરી અને વ્યવસ્થા અંબાજી મંદિર જ કરતું હોય તો દાનની આવક પણ અંબાજી મંદિરને જ થવી જોઇએ તેવું આ જાગૃત નાગરિકોનું માનવું છે. જો અંબાજી મંદિરની જ પાવતી બુક હોય અને જે સંઘને જે દાન લખાવવું હોય તે લખાવે અથવા તો ૨૦૦૦ કે ૨૫૦૦ રૂપિયાની નિયત રકમ નક્કી કરીને ભાદરવી પૂનમીયા સંઘને અંબાજી મંદિરની પાવતી બુકો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપી દેવામાં આવે તો ભાદરવી પૂનમીયા સંઘમાં જોડાયેલા આશરે ૧૫૦૦ જેટલા સંઘો તરફથી રૂ. ૨૦ થી ૨૫ લાખની માતબર રકમનું દાન એકત્ર થાય તેમ છે. તે જોતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને ચેરમેન દ્વારા આ અંગેનો નિર્ણય સત્વરે લેવામાં આવે અને આ રીતે દાન ઉઘરાવવા માટે ભાદરવી પૂનમીયા સંઘને સૂચના આપવામાં આવે તેવું અંબાજીના જાગૃત નાગરિકો ઇચ્છે છે.
____________________________________________

બનાસ ડેરીએ ૧૯.૧૨ ટકા સાથે રૂ.૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો

સહકારી ક્ષેત્રમાં બચતના બીજનું વાવેતર કરી બનાસકાંઠા દેશને દિશા આપવાનું કામ કરશેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા

બાદરપુરા ખાતે બનાસ ડેરીની ૫૪મી વાર્ષિક સાધારણ સભા અને લોકાર્પણ સમારોહ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની મહેનતથી સૂકા પ્રદેશમાં શ્વેતક્રાંતિ આવી છે : ચેરમેન શંકરભાઈ ચૌધરી

                             
(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર તાલુકાના બાદરપુરા ઓઇલમિલ ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની ૫૪ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ ૧૯.૧૨ ટકા સાથે રૂ. ૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સાધારણ સભાને સંબોધતા જણાવ્યું કે, બનાસવાસીઓએ ખુબ મહેનત કરીને બનાસ ડેરીને એશિયામાં નંબર વન સ્થાન પર પહોંચાડી છે તે બદલ સૌને અભિનંદન પાઠવી બનાસકાંઠાની આ સહકારી ચળવળને બિરદાવું છું. તેમણે કહ્યું કે, પૂજ્ય ગલબાકાકાએ વાવેલું બનાસ ડેરીરૂપી વૃક્ષ આજે વટવૃક્ષ બન્યું છે. દૂધથી શરૂ થયેલી બનાસ ડેરીની વિકાસયાત્રા આજે મધનું કામ મક્કતાથી કરે છે. મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખાની સરાહના કરતાં જણાવ્યું કે, બનાસ ડેરીની આવકમાંથી ૮૨ ટકા રકમ પશુપાલકોને ચુકવવામાં આવે છે. પ્રાઇવેટ કંપની અને સહકારી સંસ્થા વચ્ચે આ જ તફાવત છે. લોકો ધારે તો પોતાની રીતે વિકાસ કરી શકે તેનું નામ જ સહકારીતા છે.
                                
મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ બનાસવાસીઓને બચત કરવાની અપીલ કરતાં જણાવ્યું કે, પશુપાલનના વ્યવસાયમાંથી દૂધની મબલખ આવક થઇ રહી છે ત્યારે બચત પણ કરવી ખુબ જરૂરી છે. બચતના વિચારમાંથી જ સહકારી માળખાનો વિકાસ થયો છે તેમ કહી તેમણે જણાવ્યું કે, સહકારી ક્ષેત્રમાં બચતના બીજનું વાવેતર કરી બનાસકાંઠા દેશને દિશા આપવાનું કામ કરશે. મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અકસ્માતના સમયે અને સગર્ભા બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અબોલ પશુઓ માટે પણ એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરાવીને સેવાનું કાર્ય કર્યું છે. દેશમાં ૪,૦૦૦ કરતાં વધારે એનિમલ એમ્બ્યુલન્સ ભારત સરકારે પશુઓ માટે આપી છે. તેમણે કહ્યું કે, ટેકનોલોજીના કારણે પશુઓને સમયસર બીજદાન કરાવી શકાય છે જેનાથી ઉચ્ચ ઓદાલના પશુઓ દ્વારા પુરતુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. મંત્રીશ્રીએ કહ્યું કે, દુનિયામાં ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે પરંતુ વ્યક્તિગત પશુ આધારીત દૂધ ઉત્પાદનમાં પાછળ છે ત્યારે બનાસકાંઠા જિલ્લો સારી ઓલાદના પશુઓ દ્વારા દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બને તે જરૂરી છે.

મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ કહ્યું કે, જમીન ધીમે ધીમે બિનઉપજાઉ બની રહી છે ત્યારે સદગુરૂશ્રી જગ્ગી વાસુદેવે શરૂ કરેલ સેવ સોઇલ (માટી બચાવો) અભિયાનને બનાસકાંઠા જિલ્લાએ ઉપાડી લીધું છે. દેશી ગાયનું છાણ જમીનને ફળદ્રુપ બનાવવા માટેનો એકમાત્ર આખરી ઇલાજ હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને આપણા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડુતો સાથે બેસીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડુતોને આહવાન કરી રહ્યા છે. આવનારા થોડા સમયમાં દુનિયાના અર્થતંત્રના કેન્દ્રબિંદુમાં ગાય હશે. દૂધની જેમ ગોબરમાંથી પણ સારી આવક મેળવી શકાય તે દિશામાં આગળ વધવા તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, બનાસ ડેરીના ચેરમેનશ્રી અને નિયામક મંડળ દ્વારા પશુપાલકો માટે ૧૯.૧૨ ટકા સાથે રૂ. ૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારની સિધ્ધિઓ વર્ણવતા જણાવ્યું કે, આ સરકારે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને આ વિસ્તારની સુખ, સમૃધ્ધિ વધારી છે. ડેરી, પશુપાલન, ખેતી સહિત તમામ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર સંકલ્પબ્ધ છે.

આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ પ્રેઝન્ટેશન સાથે બનાસ ડેરીના વિકાસની વાત કરતાં જણાવ્યું કે, બનાસકાંઠાની જીવાદોરી સમાન પશુપાલકોની સંસ્થા બનાસ મેડીકલ કોલેજે કોરોના કાળમાં હજારો લોકોના જીવ બચાવવાનું પૂણ્યશાળી કામ કર્યુ છે. તેમણે કહ્યું કે, ૨૭.૫૦ લાખ જેટલાં પશુઓ સાથે બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્ય અને દેશમાં સૌથી વધુ પશુધન ધરાવતો જિલ્લો છે. ૯૯ ટકા પશુઓનું ટેગીંગ કરવામાં આવ્યું છે. પશુઓની ઓલાદ સુધારવા માટે સીમેન સેન્ટર અપગ્રેડ કરવા અને પશુઓના ન્યુટ્રીશીયન માટે બનાસ દાણનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. ગત વર્ષે બનાસ ડેરી દ્વારા રૂ. ૧૧૦૦ કરોડનો ભાવફેર આપવામાં આવ્યો હતો જેની સામે આ વર્ષે ૧૯.૧૨ ટકા સાથે રૂ. ૧૬૫૦.૭૧ કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે જેનાથી લાખો પશુપાલકોને ફાયદો થશે. ચેરમેનશ્રીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની મહેનતથી સૂકા પ્રદેશમાં શ્વેતક્રાંતિ આવી છે ત્યારે બનાસની આ શ્વેતક્રાંતિને આગળ વધારવા માટે ટીપે ટીપાં પાણીને બચાવી જળ સંગ્રહ કરવો પડશે. તેમણે બનાસકાંઠા જિલ્લાને હરીયાળો બનાવવા વૃક્ષારોપણ કરવા પર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ, મધ પ્રોસેસીંગ પ્લાન્ટ, અમૂલ પ્રોફાઇલ બટરમિલ્ક અને બનાસ કોમ્યુનિટી રેડીયો મોબાઇલ એપનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકોનું ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેવી જ રીતે વધુ દૂધ સંપાદન કરનાર દૂધ મંડળીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતુ.

બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી નથાભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ અને શ્રી હરજીવનભાઇ પટેલ, બનાસ બેંકના ચેરમેનશ્રી સવસીભાઇ ચૌધરી, બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઇ રબારી, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી વસંતભાઇ ભટોળ, શ્રી ગોવાભાઇ દેસાઇ સહિત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, સહકારી આગેવાનો અને વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયની ટીમ ૩ દિવસ બનાસકાંઠાની મુલાકાતે

પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ 

કેન્દ્રની ટીમે પ્રથમ દિવસે અંબાજી નજીક જલ શક્તિ અભિયાન હેઠળ થયેલા કામોની મુલાકાત લઈ ચેકડેમ અને વન તલાવડીનું નિરીક્ષણ કર્યું



(માહિતી બ્યુરો, પાલનપુર) 
           કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયની ટીમ ૩ દિવસની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત આવી છે. જલ શક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસર ટુ બનાસકાંઠા અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ડાયરેક્ટરશ્રી આલોક માલવીયા અને એક્ઝીક્યુટીવ એન્જીનિયરશ્રી શશાંક ભૂષણની ટીમે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવી હતી.

બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જલ સંરક્ષણની વિવિધ યોજનાઓની માહિતી આપતાં વન વિભાગ, સિંચાઇ, મનરેગા યોજના, સુજલામ- સુફલામ યોજના, અમૃત સરોવર તથા લોકભાગીદારીથી થઇ રહેલા વોટર રિચાર્જ કાર્યોની વિગતો આપી હતી. તેમણે ગ્રે- વોટર ટ્રીટમેન્ટ યુનિટ, ખેત તલાવડી, કુવા રિચાર્જીંગની કામગીરી, કેનાલ, તળાવ અને નદી ડિસીલ્ટીંગની વિગતોથી માહિતગાર કર્યા હતા.

જલ શક્તિ મંત્રાલયના ડાયરેક્ટરશ્રી આલોક માલવીયાએ પ્રેઝન્ટેશન નિહાળી જિલ્લાની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય ક્ષેત્રે ખુબ સારું કામ થયું છે. ભૂગર્ભ જળ સંરક્ષણના નિયમોને અનુરૂપ સરસ કામ થયું છે ત્યારે આવનારા ભવિષ્ય માટે આ કામને સારી રીતે આગળ વધારવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.                                                                                                      
કેન્દ્રની ટીમે પ્રથમ દિવસે અંબાજી નજીક જલ શક્તિ અભિયાન હેઠળ થયેલા કામોની મુલાકાત લઈ ચેકડેમ અને વન તલાવડીનું નિરીક્ષણ કર્યું હતુ. તેમણે અંબાજી ગબ્બર પાછળ આવેલ ચેકડેમ, સરહદી છાપરી વિસ્તારના 1, 2, 3 ચેકડેમ સહિત દાંતા પશ્ચિમ રેન્જમાં આવેલ પીંપળીવન તલાવડીની પણ મુલાકાત લીધી હતી. તેમજ વન વિસ્તારમાં આવેલ કુવાનું નિરીક્ષણ કરી વનબંધુઓ સાથે પાણી અંગે વાર્તાલાપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે હેતુ માટે ચેકડેમ અને વન તલાવડીનું નિર્માણ કરવામાં આવ્યું છે એ હેતુ પરિપૂર્ણ થશે અને અંબાજી વિસ્તારના પાંચ કિ.મી. વિસ્તારોમાં જમીનમાં પાણીના તળ ઊંચા આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જલ શક્તિ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨.૨૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના ૫૦ ટકા લેખે જિલ્લામાં કુલ- ૧૦૮ ચેકડેમ પૈકી ૪૬ ચેકડેમોનું કામ પૂર્ણ થયુ છે અને ૩૯ ચેકડેમનું રીપેરીંગ તથા ડિસિલ્ટીંગ, ૧૫ ચેકડેમનું ડિસિલ્ટીંગ અને ૫૪ ચેકડેમ રીપેરીંગનું કામ પ્રગતિ પર છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્થળ મુલાકાત વેળાએ સીપુ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી હર્ષલ જોશી, જંગલ ખાતાના અધિકારીશ્રી પરેશ ચૌધરી, મદદનીશ વન સંરક્ષકશ્રી કનકબા રાઠોડ, અંબાજી વન અધિકારીશ્રી નયનભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પાલનપુરમાં માનવતાના મસીહા જૈનાચાર્ય પૂજયશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજની ૯મી પૂણ્યતિથિ યોજાઈ


પાલનપુર નગરે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે સૌપ્રથમવાર તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ. આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજની ૯મી પૂણ્યતિથિ યોજાઈ હતી. 

આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા. પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા. ની પાવનકારી નિશ્રામાં ગુરુદેવ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજની તસ્વીર પર ફૂલની માળા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટય અને માંગલિક-પ્રવચન દ્વારા ગુરુ ગુણાનુવાદ કરવામાં આવેલ. ગુરૂદેવના ફોટા પર ફૂલનો હાર ચડાવવાનો લાભ શ્રીમતિ નેહાબેન ભાવેશભાઈ પુજારા, પાલનપુર અને મુનિરાજોનું ગુરુપૂજન અને ચાતુર્માસ દરમ્યાન ભીમસેન ચરિત્રગ્રંથનું વાંચન થશે તો તે ગ્રંથ વહોરવાનો લાભ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ, પાલનપુરના હરેશભાઇ ચૌધરીએ લીધો હતો. ગુરૂદેવના ફોટા પર ગુરૂપૂજન કરવાનો લાભ શ્રીમતિ કવિતાબેન કુલીનભાઇ દેઢિયા, મુંબઇ પરિવારે લીધો હતો. 

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પ્રમુખશ્રી જીલ્લા પંચાયત, પાટણ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, સદભાવના ગ્રુપ ટ્રસ્ટ, પાલનપુરના ચેરમેન હરેશભાઇ ચૌધરી, શ્રીમતિ કવિતાબેન દેઢિયા, પૂર્વ ચીફ એન્જિનિયર એલ.એ ગઢવી, દેવેન્દ્રભાઈ રાવલ, તપાગચ્છા જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી દિલીપભાઈ શાહ તથા મુંબઇ, કચ્છ, અમદાવાદ, પાટણ, થરા વિગેરેથી ગુરુભક્તો અને પાલનપુર જૈન સંઘના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર ખાતે ગુરૂદેવની ૯મી પુણ્યતિથિ નિમિત્તે ચાર મહિના માટે પાણીની પરબ બનાવવામાં આવશે. જેનો સંપૂર્ણ લાભ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ, પાલનપુરના હરેશભાઇ ચૌધરી પરિવારે લીધો હતો. આ પ્રસંગે સંગીતકાર સુશીલ શાહે સંગીતની રમઝટ જમાવેલ અને પંડિતવર્ય શુભમ કટારીયાએ સભા સંચાલન કરેલ. માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની ૯મી પુણ્યતિથિ નિમિત્તે માનવતાના વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા.
____________________________________________

ઓડ સમાજ યુવા સંગઠન દ્વારા પાલનપુર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું : ૬૬ બોટલ રક્ત એકત્ર કરાયું


પાલનપુરમાં ડોક્ટર હાઉસ વિસ્તારમાં પ્રજાપતિ છાત્રાલય ખાતે ઓડ સમાજ યુવા સંગઠન, બનાસકાંઠા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૬ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. ઓડ સમાજ કે અન્ય કોઈ સમાજની વ્યક્તિને રક્તની જરૂર પડે તે સમયે તેને મદદરૂપ થઈ શકાય તેવા ઉમદા ઉદ્દેશથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમાજના યુવાનોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું કર્યું હતું. આ પ્રસંગે ઓડ સમાજ યુવા સંગઠન મજબૂત કરવા અને સમાજમાં શિક્ષણ, સેવા, વિકાસના કાર્યો ને વેગ મળે તેની પર મંથન કરવામાં આવ્યું હતું.
____________________________________________

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા તથા સ્વ. અમૃતલાલ વીરચંદદાસ મોદી (ચોકસી) ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

33 મહિલાઓના રક્તદાન સાથે ૧૧૭ બોટલ રક્ત એકત્ર કરાયું


રક્ત જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ થવા માટે ગતરોજ હીરાબા-લીલાબા સમાજ ભવન, ઢુંઢિયાવાડી, પાલનપુર ખાતે બનાસ બ્લડ બેંક પાલનપુરના સહયોગ થકી સ્વ. અમૃતલાલ વીરચંદદાસ મોદી (ચોકસી) ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુર તથા ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ વંદે માતરમ સમૂહ ગીત ગાઇને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.

આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં વહેલી સવારથી જ શહેરના યુવાઓ, મહિલાઓ સહિત શહેરના નાગરિકોએ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બ્લડ ડોનેશન કાર્યક્રમમાં શહેરના યુવાઓ, મહિલાઓ અને નાગરિકો દ્વારા કુલ ૧૧૭ યુનિટ રક્ત ડોનેટ કર્યું હતું.જેમાં ૩૩ મહિલાઓનું પણ વિશેષ યોગ્ય દાન રહ્યું હતું. રક્તદાન કરીને નાગરિકોએ પોતાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. કાર્યક્રમમાં બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિઓને બે આકર્ષક ગીફ્ટો આપીને પ્રોત્સાહિત પણ કરાયા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં ભારત વિકાસ પરિષદના ઉત્તર પ્રાંતના પદાધિકારીઓ તેમજ સ્વ અમૃતલાલ વીરચંદદાસ મોદી (ચોકસી) ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહીને આ કાર્યને બિરદાવ્યો હતો અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખાના ઉપપ્રમુખ અને બનાસ બ્લડ બેંકના સંચાલકશ્રી નયનભાઈ શાહ,મંત્રીશ્રી વિશ્વેશ જોષી, પ્રોજેક્ટ કન્વીનરશ્રી મુકેશભાઈ મોદી (ચોક્સી), મહિલા સંયોજિકા શ્રીમતી નીમાબેન પંચાલ તથા મહિલા સભ્યો, સ્વઃ અમૃતલાલ વીરચંદદાસ મોદી (ચોકસી) ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુરના ટ્રસ્ટીશ્રી મુકેશભાઈ મોદી (ચોક્સી),ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ મોદી (ચોકસી) પ્રોજેકટ ચેરમેનશ્રી જયેશભાઈ.પી.મોદી તથા અન્ય ચોકસી સભ્યશ્રીઓ તેમજ ભારત વિકાસ પરિષદ શાખાના સભ્યોની જહેમત થકી સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ