ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૩.૦૭.૨૦૨૨
બનાસકાંઠાની મુલાકાતે આવેલી કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયની ટીમે પાલનપુર તાલુકાના મલાણા, વેડંચા અને વડગામના ટીંબાચુડી ગામની મુલાકાત લીધી
મલાણા અને ટીંબાચુડી ગામના કુવા રિચાર્જ સ્ટ્રક્ચર અને વેડંચા ગ્રે- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોઇ તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરતી કેન્દ્રની ટીમ
(માહિતી બ્યુરો, પાલનપુર)
કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયની ટીમ ગઇકાલથી ૩ દિવસ માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે. જલ શક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસર ટુ બનાસકાંઠા અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ડાયરેક્ટરશ્રી આલોક માલવીયા અને એક્ઝીક્યુટીવ એન્જીનિયરશ્રી શશાંક ભૂષણની ટીમે તેમની મુલાકાતના બીજા દિવસે પાલનપુર તાલુકાના મલાણા અને વેડંચા તથા વડગામ તાલુકાના ટીંબાચુડી ગામની મુલાકાત લીધી હતી.
મલાણા ગામની મુલાકાત પ્રસંગે ડાયરેક્ટરશ્રી આલોક માલવીયાએ ગ્રામજનો સાથે સંવાદ કરી ભૂગર્ભ જળ રિચાર્જ માટે કરવામાં આવેલ કામગીરીની જાત માહિતી મેળવી હતી. ગ્રામજનોએ કેન્દ્રની ટીમને જણાવ્યું કે, ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવવા તથા પાણીના સંગ્રહ માટે મલાણા ગામ દ્વારા એક તળાવ ઉંડુ કરવામાં આવ્યું છે અને ૫૦ જેટલાં કુવાઓ રિચાર્જ કરવા માટેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને ૩૦ કુવાઓ રિચાર્જ માટેનું સ્ટ્રક્ચર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. તેવી જ રીતે ટીંબાચુડી ગામમાં પણ ગ્રામજનો દ્વારા આખા ગામનું પાણી જમીનમાં ઉતરે તે માટે રૂ. ૭.૫૦ લાખના ખર્ચથી સામૂહિક વોટર સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ ઉપરાંત ગામના જુના અને અવાવરૂ ૩૨ જેટલાં કુવાઓ રિચાર્જ કરવા માટેના સ્ટ્રક્ચર બનાવાયા છે તેની મુલાકાત લઇ કેન્દ્રની ટીમે જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરી હતી.
પાલનપુર તાલુકાના વેડંચા ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરીને ૩૦ ટકા ઘરોમાંથી આવતા ગ્રે-વોટર (બાથરૂમ અને રસોડામાંથી આવતા ગંદા પાણી) ને ટ્રીટમેન્ટલ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રિ-ચાર્જ કરવા માટેનો પ્લાન્ટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી રૂા. ૫.૫૫ લાખના ખર્ચે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ મોડલ સરળ ટેકનોલોજી ઉપર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે. આ મોડલમાં કોઈ જટીલ એન્જીાનીયરીંગ કે ટેકનિકાલીટી વગર સામાન્ય સિવિલ વર્ક અને મુનચારકોલ, ફટકડી અને ચુના જેવા રો-મટીરીયલનો ઉપયોગ કરીને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને ખેતી અને રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન્ટની કામગીરી જોઇને કેન્દ્રની ટીમે પ્રશંસા કરી હતી.
કેન્દ્રની ટીમની સ્થળ મુલાકાત વેળાએ સીપુ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી હર્ષલ જોશી, વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી કૈલાશબેન મેવાડા, વાસ્મોના અધિકારીશ્રી આશીષ પટેલ, ટીંબાચુડી ગામના અગ્રણીશ્રી કેશરભાઇ ચૌધરી, શ્રી પરથીભાઇ ચૌધરી, શ્રી શામળભાઇ ચૌધરી સહિત મલાણા અને વેડંચા ગામના અગ્રણીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
એસ.ટી. નિગમ પાલનપુર દ્વારા વિવિધ જગ્યાઓ માટે એપ્રેન્ટીસ પાસેથી અરજીઓ મંગાવાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર મીકે.મોટર વ્હીકલ, ડીઝલ મિકેનીક, આટો ઈલે.,વેલ્ડર, મોટર વ્હીકલ (બોડી બીલ્ડર), પ્રો.એન્ડ.સી.એડસ્ટીવ આસી. (પાસા) આઈ.ટી.આઈ. પાસ તથા જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઈ તેવા ઉમેદવારોએ www.apprenticeshipndia.org વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઈ.ટી.આઈ. તથા સ્કુલની તથા જાતી અંગેનું પ્રમાણપત્ર જરૂરી ડોકયુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ, જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા.૧૩/૦૭/૨૦૨૨ થી તા.૧૫/૦૭/૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વહિવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહીં. તેમ વિભાગીય નિયામકશ્રી, એસ.ટી.પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
બનાસકાંઠા જિલ્લામાં DLSS અને વોલીબોલ એકેડમીમાં ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન
(માહિતી બ્યુરો, પાલનપુર)
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત ડી.એલ.એસ.એસ. અને વોલીબોલ એકેડમીમાં ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા.૧૪/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રમત સંકુલ, ધનિયાણા ચોકડી, પાલનપુર ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ઉંચાઈ
ક્રમ ઉંમર બહેનો ભાઇઓ
1 12 163+ 168+
2 13 166+ 173+
3 14 171+ 179+
4 15 173+ 184+
5 16 175+ 187+
6 17 177+ 190+
7 18 178+ 192+
____________________________________________
વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા કોલેજમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવશે
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની વિદ્યાશાખાઓના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓની કરાશે પસંદગી
આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિદ્યાશાખાઓના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં સાંકળવાના પ્રયાસોના ભાગરૂપે ચૂંટણી પંચની સુચના મુજબ પ્રતિવર્ષ કેમ્પસ એમ્બેસેડર નિમવામાં આવે છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાભાગે રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકોને કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમવામાં આવે છે. પરંતુ જે શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકો ઉપલબ્ધ ન હોય તેવી સંસ્થાઓમાં શૈક્ષણિક રીતે પ્રતિભા સંપન્ન, બિનરાજકીય તથા ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા વિદ્યાર્થીઓને નિયુક્ત કરવામાં આવે છે. વિદ્યાર્થીની ગુણવત્તાયુક્ત પાશ્ચાદભુ, અભિવ્યક્તિની નિપુણતા અને કામ કરવાની તૈયારી મુજબ શૈક્ષણિક સંસ્થાના વડા અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીના પરામર્શમાં શૈક્ષણિક સંસ્થા દીઠ એક કે બે કેમ્પસ એમ્બેસેડરની પસંદગી કરવામાં આવે છે, જે પૈકી એક મહિલા હોય તે પ્રકારે આયોજન કરવામાં આવે છે.
કોઈપણ છાત્ર સંઘ સાથે ન જોડાયેલા હોય, તેમના કુટુંબના કોઈપણ સભ્ય કોઈ રાજકીય પક્ષના સક્રિય સભ્ય, ધારાસભ્ય, સાંસદ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્ય ન હોય તેવા વિદ્યાર્થીની કેમ્પસ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવે છે. જેમની નિયુક્તિ પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પોલીસ વડા મારફત તેમના ચારિત્ર્ય અંગેની ખરાઈ પણ કરવામાં આવે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નોંધણી કરાવવા લાયકાતની વિવિધ ચાર તારીખો નિર્ધારીત કરવામાં આવી છે. જે પૈકી આગામી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં અને ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને તે માટે નિયુક્તિ પામનાર કેમ્પસ એમ્બેસેડર્સે મહત્તમ પ્રયાસો કરવાના રહેશે. ઉપરાંત શિક્ષકો કે ફેકલ્ટી મેમ્બર્સ મતદાર તરીકે નોંધાયા છે કે કેમ તેની ખરાઈ તથા મતદાર તરીકે ન નોંધાયેલા શિક્ષકોના નામ મતદારયાદીમાં નોંધાય તે માટે કાર્યવાહી કરવાની રહેશે. કેમ્પસ એમ્બેસેડર્સે તેમના દ્વારા થતી કામગીરીનું દરેક વિદ્યાશાખા દીઠ અલગ અહેવાલ રજૂ કરશે.
કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત તેમની સાથે સંકળાયેલા યુવાનો, નોકરી કરતાં યુવાનો, નાના-મોટા ધંધા-રોજગાર સાથે જોડાયેલા યુવાનોને પણ મતદાર તરીકે નોંધણી કરાવવા અને મતાધિકારના ઉપયોગ માટે પ્રેરિત કરવામાં આવશે. મતદાર યાદીમાં નામ કઈ રીતે નોંધાવવું?, મતદારયાદીમાં નામ કે અન્ય વિગતો સુધરાવવા શું કરવું?, કયા મતદાન મથક પર મત આપવા જવાનું છે? તે સ્થળના સરનામા સહિતની જાણકારી મેળવવા માટે NVSP અને Voter Helpline ના ઉપયોગ અંગે કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા વિસ્તૃત સમજ પણ આપવામાં આવશે. સાથે સાથે કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ https://eci.gov.in/ અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ ઉપરાંત વોટર હેલ્પલાઈન ૧૯૫૦ અંગે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
આજના હાઈટેક યુગમાં યુવાનો ઈન્ટરનેટ ધરાવતા સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરે છે ત્યારે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સ ઍપ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અર્થપૂર્ણ ઉપયોગ થકી ચૂંટણીલક્ષી શિક્ષણ, મતદારયાદીમાં નામ નોંધણી, લોકશાહીમાં મતદાનના મહત્વ અને નૈતિક મતદાનની ફરજ અંગે જાગૃતી કેળવવા કેમ્પસ એમ્બેસેડર્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત પોતાના રહેણાંક વિસ્તારમાં સોસાયટીઓ અને મહોલ્લાઓમાં પણ આ અંગે પ્રચાર-પ્રસાર કરી શકે છે.
શાળાઓ અને કોલેજોમાં ઈત્તર અભ્યાસક્રમ પ્રવૃત્તિઓના ભાગરૂપે ચૂંટણી સબંધી જાણકારી મુખ્ય પ્રવાહમાં લાવી ચૂંટણીઓમાં નવા મતદારોની સહભાગીતા વધારવાના ઉદ્દેશ સાથે SVEEP હેઠળ મતદાર સાક્ષરતા ક્લબ કાર્યરત છે. જે અંતર્ગત કેમ્પસ એમ્બેસેડર્સે શૈક્ષણિક સંસ્થાઓમાં સંભવતઃ ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવતા યુથ વોટર ફેસ્ટીવલ તથા વાર્ષિક કલ્ચરલ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમોમાં મતદાર જાગૃતિ અને મતદાર કેળવણી અંગેના કાર્યક્રમોના સમાવેશ, ૧૮ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના નામ મતદારયાદીમાં નોંધાય અને તેમના કુટુંબના સભ્યોના નામ મતદારયાદીમાં હોય તે સુનિશ્ચિત કરવાના રહે છે. ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર્સે મતદાર તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓ અચૂક અને નૈતિક ધોરણે મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવાના રહે છે. સાથે જ કેમ્પસ એમ્બેસેડર્સ પોતાના વિસ્તારના બુથ લેવલ ઑફિસરથી માહિતગાર હોય તે પણ જરૂરી છે.
પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ મતદારયાદીમાં નામ નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા તથા ચૂંટણી પ્રક્રિયા અંગે શિક્ષણ સહિતની કામગીરી માટે સંલગ્ન જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી કેમ્પસ એમ્બેસેડર્સને તાલીમ આપવામાં આવશે. સાથે જ કેમ્પસ એમ્બેસેડર્સને જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી ઓળખપત્ર અને બેજ ઉપરાંત શૈક્ષણિક વર્ષના અંતે કામગીરી અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન કરેલી કામગીરીનો અહેવાલ કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા શૈક્ષણિક સંસ્થાના વડા મારફત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ યોજાનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર જિલ્લામાં નિયુક્તિ પામેલા કેમ્પસ એમ્બેસેડર્સ પૈકી મૂલ્યાંકનના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા શ્રેષ્ઠ ત્રણ કેમ્પસ એમ્બેસેડર્સનું જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં બહુમાન તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર્સ પૈકી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર્સને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩થી રાજ્યના યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા અન્ય ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ એમ્બેસેડર્સની નિયુક્તિ કરવામાં આવે છે. ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોની મતદારયાદીમાં નોંધણી થાય તથા અદ્યતન મતદારયાદી તૈયાર થાય તે માટે કેમ્પસ એમ્બેસેડર્સ ચૂંટણી તંત્રનું એક મહત્વનું અને અનિવાર્ય અંગ બની ગયા છે.
ટિપ્પણીઓ