ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૪.૦૭.૨૦૨૨
બનાસકાંઠા જિલ્લામાં કુલ 287 વિદ્યા સહાયક શિક્ષકોને નિમણૂંક ઓર્ડર અપાયા
(માહિતી બ્યુરો,પાલનપુર )
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગરની મળેલી સૂચના અન્વયે આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાના પાવન અને પવિત્ર દિવસે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી 2022 માં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયક શિક્ષકોને સ્થળ પસંદગી કેમ્પનું આયોજન પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. જ્યાં બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી માંગીલાલભાઈ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરતદાન ગઢવી તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ ઘટક સંઘના પ્રમુખ અને મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષકોની પારદર્શક પદ્ધતિથી સ્થળની પસંદગી કરી જિલ્લામાં કુલ 287 વિદ્યાસહાયક શિક્ષકોને શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીના અધ્યક્ષપણા હેઠળ નિમણૂંક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિકમાં 135 તેમજ ધોરણ છ થી આઠમાં ભાષાના 45 શિક્ષકો ગણિત અને વિજ્ઞાનના 75 વિદ્યાસહાયક શિક્ષકો અને સામાજિક વિજ્ઞાનના 32 એમ મળી કુલ 287 શિક્ષકોને વિદ્યા સહાયકના નિમણૂંક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેનશ્રીએ પણ શિક્ષકોને ખૂબ ખંતથી કામ કરવા માટે આહવાન કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નવી નિમણૂંક પામેલા વિદ્યા સહાયક મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.
____________________________________________
વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આજે પાલનપુર ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે જિલ્લા કક્ષાનો મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનું ઉદ્દઘાટન કરાશે
રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને યોગ્ય બજાર મળે એ માટે તા. ૨૦ જુલાઈ સુધી યોજાનાર આ મેળામાં ૫૦ થી વધુ સ્ટોલ ઉભા કરાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
‘‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’’ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે હેતુથી તા. ૧૪ જુલાઇ- ૨૦૨૨ થી તા. ૨૦ જુલાઇ- ૨૦૨૨ દરમ્યાન ૭ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે જિલ્લાકક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનનું તા. ૧૪ જુલાઇ-૨૦૨૨ના રોજ સાંજે-૫.૦૦ કલાકે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. આ મેળામાં વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે ૫૦ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ મેળા અને પ્રદર્શનની મુલાકાત લઇ ચીજ વસ્તુઓની ખરીદી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ગ્રામિણ ગરીબ મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તેમ બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખે અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
બનાસકાંઠાના બાગાયતદાર ખેડુતો વિવિધ ઘટકો માટે આઇ-ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી શકશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓમાં ફળપાક વાવેતર-(ઘનિષ્ટ ખેતી, અતી ઘનિષ્ટ ખેતી, પૈપયા, ટિપ્યુકલ્ચર ખારેક, સ્ટ્રોબેરી), ફુલપાક વાવેતર- (છુટા, કંદ અને દાંડી ફુલો), ઔષ્યધિય/સુગંધિત પાકોના વાવેતરના વિવિધ ઘટકો, બાગાયતી યાંત્રીકરણના ઘટકો (ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, પ્લાસ્ટીક મલ્ચ લેઇન મશીન, પાવર નેપસેક સ્પ્રેયર), કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ગ્રામ વિસ્તારના મહિલાઓને બાગાયતી પાકોના વિવિધ બનાવટો થકી પરીક્ષણ કરવા અંગે તાલીમ લેવા માટે મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) ઘટક તથા વિવિધ બાગાયત ખેતીલક્ષી ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૧૨/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં અવેલ છે.
બાગાયત સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવાની થાય છે. આઇ-ખેડુત પોર્ટલ પર ઇ-ગ્રામ (ગ્રામ પંચાયત) અથવા કોઇપણ ઇન્ટરનેટ કનેક્શન હોય તે સ્થાનેથી ઓનલાઇન અરજી કરી શકાય છે. ઓનલાઇન કરેલ અરજીની ફરજીયાત પ્રિન્ટ આઉટ કાઢી સહી/અંગુઠો કરી, આધાર પુરાવાઓ જેવા કે ૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનો પ્રમાણપત્ર સામેલ રાખી અરજીમાં દર્શાવેલ સંબધિત જિલ્લાની કચેરીમાં દિન-૭ માં જમા કરાવાની રહેશે. આ સિવાયના પુરાવા ઘટક મુજબ બાગાયત કચેરી દ્વારા જણાવવામાં આવે તે મુજબ આપવાના રહશે. જેની સર્વે ખેડુતોએ ખાસ નોંધ લેવી. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ અને ૩૬, જિલ્લા સેવા સદન-૨ જોરાવ૨ પેલેસની સામે, પાલનપુર, જિલ્લો:બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ફેકસ નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ઈમેલ- dhhortibk@gmail.com, dydir-bag-ban@gujarat.gov.in ઉપર સંપર્ક કરવાનો રહેશે.
____________________________________________
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પુરક પરીક્ષા અંગે પાલનપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (S.S.C) અને ધો.૧૨ (H.S.C) સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પૂરક પરીક્ષાઓ તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા. ૨૧/૦૭/૨૦૨૨ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં નિર્ભયતાથી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
એસ.એસ.સી. પૂરક પરીક્ષાના ૦૧ કેન્દ્રમાં પ,પ૮૦ પરીક્ષાર્થીઓ અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના ૦૧ કેન્દ્રમાં ૨૦૧૬ જ્યારે એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહના ૦૧ કેન્દ્રમાં ૫૪૮ પરીક્ષાર્થીઓ પૂરક પરીક્ષા આપનાર છે. આ જાહેર પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે જિલ્લામાં એસ.એસ.સી. પૂરક પરીક્ષાના-૦૧ ઝોન, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહના ૦૧ ઝોનની રચના કરવામાં આવી છે. જિલ્લામાં પરીક્ષાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને પરીક્ષાનો ભય દૂર થાય તે માટે તજજ્ઞો દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે.
S.S.C અને H.S.C સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વહિવટી તંત્ર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ પરીક્ષા અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, બનાસકાંઠા ખાતેનો કંટ્રોલરૂમ સવારના ૭:૦૦ થી રાત્રિના ૨૦:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. કંટ્રોલરૂમનું સરનામું આ પ્રમાણે છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જોરાવર પેલેસ, કિચન બ્લોક, પાલનપુર જિ. બનાસકાંઠા ફોન નં. ૦૨૭૪૨-૨૫૭૦૫૫ છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપે અને તેમને મુંઝવતા પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં શ્રી શરદભાઈ ત્રિવેદી-સરકારી માધ્યમિક શાળા, જેતડા (મો. ૭૫૭૨૯૨૧૯૦૦) અને શ્રીમતી ભાવનાબેન જોષી- સરકારી માધ્યમિક શાળા, જોરાપુરા (મો. ૯૪૨૬૦૪૧૯૮૧) ની કાઉન્સેલર સભ્ય તરીકે નિમણુંક કરવામા આવી છે.
____________________________________________
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની કેન્દ્ર સરકારની મંજુરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં અંબાજી મંદિરના પૂજારીશ્રી ભટ્ટજી મહારાજ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માટે ખુબ ખુશી અને આનંદના સમાચાર છે કે, ઘણા લાંબા સમયથી અંબાજીને રેલ્વે સાથે જોડવાની માંગ કરવામાં આવી રહી હતી તે આબુરોડ- અંબાજી- તારંગાહિલ માટે નવી રેલ્વે લાઇન નાખવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ રેલ્વે લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી આવતા શ્રધ્ધાળુંઓને ખુબ સારી પરિવહન સુવિધા પ્રાપ્ત થશે.
અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં અંબાજી મંદિરના પૂજારી શ્રી ભટ્ટજી મહારાજે જણાવ્યું છે કે, શક્તિપીઠ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટેના વડાપ્રધાનશ્રીના નિર્ણયથી અંબાજીને ખુબ મોટી ભેટ મળી છે. પહાડોથી ઘેરાયેલા ધાર્મિક સ્થળ અંબાજીને રેલ્વેથી જોડવાથી અંબાજીના સ્થાનિક વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસ પણ થશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોને સરળતાથી સસ્તી પરિવહન સુવિધા મળશે. નવી રેલ્વે લાઇનની મંજુરી બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભટ્ટજી મહારાજે આભાર વ્યક્ત કર્યો છે.
____________________________________________
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને મંજૂરી માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને આપેલી મંજૂરી માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે.
મહેસાણાની તારંગા ટેકરી પર સ્થિત પ્રસિદ્ધ શ્રી અજીતનાથ જૈન તીર્થસ્થળ, સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુ રોડ જતા તીર્થયાત્રીઓ કે પ્રવાસીઓને આ રેલવે પરિયોજનાથી સીધો ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ, અંબાજી અને આબુરોડ રેલ પરિયોજનાને મંજૂરી આપી છે તેની જાહેરાત કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કરી હતી.
આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. એટલું જ નહિ, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે.
અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલવે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ પવિત્ર જૈન તીર્થંકરોમાંના એક એવા શ્રી અજીતનાથજીના મંદિરની મુલાકાતે વર્ષે લાખો શ્રાવકો આવે છે. ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંબાજી તીર્થ ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નો શુભારંભ કરાવ્યો છે.
આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.
ટિપ્પણીઓ