ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૭.૦૭.૨૦૨૨

યાત્રાધામ અંબાજી સુધીની રેલ્વે લાઇન માટે જમીન સંપાદન પ્રક્રિયા અર્થે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી યાત્રાધામ અંબાજીને રેલ્વે સેવાથી જોડવામાં  આવશેઃ કલેકટરશ્રી આનંદ પટેલ

(માહિતી બ્યુરો, પાલનપુર)
           તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટે તારંગા હિલ- અંબાજી- આબુરોડ નવી રેલ્વે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલ્વે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલ્વે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 
           યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળ્યા બાદ જમીન સંપાદનની કામગીરી માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રેલ્વે, વન વિભાગ, મહેસૂલ, માર્ગ અને મકાન, પંચાયત અને જી.એમ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મુજબ તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી અંબાજીને રેલ સેવાથી જોડવામાં આવશે. અત્રે ઉલ્લેખીનય છે કે, શ્રી ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અંબાજી તીર્થ ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નો શુભારંભ કરાવ્યો છે. આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. 
          આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, વન વિભાગ, રેલ્વે, પંચાયત અને માર્ગ તથા મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત જી. ડી. મોદી કોલેજમાં યોજાઇ રહેલા સખી મેળાને મળી રહેલો ભવ્ય પ્રતિસાદ
 
આ સખી મેળામાં હાથવણાટ અને ભરતગૂંથણ સહિતની વિવિધ કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ માટે ૫૦ જેટલાં સ્ટોલ ઉપલબ્ધ

(માહિતી બ્યુરો, પાલનપુર)
           ‘‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’’ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો તથા સખી મંડળો દ્વારા ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મહિલાઓને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સખી મેળાના તા.૧૪ જુલાઇ-૨૦૨૨ ના રોજ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તા. ૨૦ જુલાઇ સુધી યોજાનાર આ સખી મેળામાં હાથવણાટ અને ભરતગૂંથણ સહિતની વિવિધ કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ માટે ૫૦ જેટલાં સ્ટોલ ઉપલબ્ધ છે.   
        આ મેળાના માધ્યમથી બહેનોને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે જેમાં વિવિધ વસ્તુઓ જેવી કે ભરતગુંથળની અલગ અલગ ભાતવાળા કપડા, નારિયેળની કાછલીમાંથી બનેલ સુશોભનની વસ્તુઓ, હેન્ડમેડ રાખડી, પર્સ, તોરણ, જ્વેલરી, રેડીમેડ કપડા, ગૃહઉદ્યોગની વસ્તુઓ, માટીના વાસણો તથા પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પન્ન થતી ખેતપેદાશો જેવી વિવિધ ચીજ-વસ્તુઓના વેચાણ માટે ૫૦ જેટલા સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.  
         બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી આયોજિત સ્ટોલમાં તેલીબિયાં, કઠોળ, ઘઉં, બાજરી, મકાઇ જેવી પ્રાકૃતિક ખેતપેદાશોની ચીજ-વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ મેળાની મુલાકાત લઇને પ્રાકૃતિક પેદાશોની ખરીદી કરતા શ્રી દિપકભાઈ રાવલે જણાવ્યું કે, તેમના પરિવાર દ્વારા છેલ્લા ૨ વર્ષથી પ્રાકૃતિક ખેતપેદાશોની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી તેમને શારીરિક રીતે ખુબ સારો ફાયદો થયો છે અને હવે દવાખાનામાં પણ જવું પડતું નથી. પ્રાકૃતિક ખેત પેદાશો વાપરવાનો તેમણે લોકોને પણ અનુરોધ કર્યો છે.       
         આ મેળામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, શહેરીજનો તેમજ આજુબાજુના ગામના લોકો વિવિધ ચીજ-વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે આમ સખી મંડળની બહેનોને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સખી મંડળની બહેનો અને ગ્રામીણ ગરીબ મહિલાઓને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે માટે તંત્ર દ્વારા વધુમાં વધુ લોકો આ સ્ટોલની મુલાકાત લે અને ખરીદી કરે તેવી અપીલ કરવામાં આવી છે.
____________________________________________

ચોમાસાની ઋતુમાં આપત્તિના સમયે જિલ્લાની સુરક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર એલર્ટ

બનાસકાંઠા ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા કૃત્રિમ તરાપા બનાવવાનો અનોખો પ્રયોગ કરાયોઃ લોકોના જીવ બચાવવા કૃત્રિમ તરાપા બનાવવા અપીલ કરાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર )
           હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને યોગ્ય રીતે સંચાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને તથા તમામ વિભાગોની ટીમોને બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા સતર્ક રાખવામાં આવ્યાં છે. જિલ્લામાં ભારે અથવા અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય અને જો કોઈપણ પ્રકારનું સ્થળાંતર કરવાનું થાય કે રાહત- બચાવની કામગીરી કરવાની થાય તેવા સંજોગોમાં હાલ જિલ્લામાં ૧-બટાલીયન એન.ડી.આર.એફ, ૧– બટાલીયન એસ.ડી.આર.એફ અને જિલ્લાની અલગ-અલગ ટીમો જેવી કે પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, આપદા મિત્ર (GSDMA)ને પણ કલેકટરશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 
           બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સુચના મુજબ અગાઉ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ તે સમયના સલામત આશ્રય સ્થાનની વિગતો પણ હાથવગી રાખવામાં આવી છે. આ ઉપરાંત ડુબવાના બનાવોમાં નિષ્ણાંત તરવૈયાની પણ વિશેષ જરૂરીયાત રહેતી હોય છે. જેમાં જિલ્લામાં દરેક ૧૪ તાલુકામાં કુલ- ૭૪૮ નિષ્ણાંત તરવૈયાની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. ભારે વરસાદની સ્થિતિમાં જો સ્થળાંતર કરવાની જરૂર પડે અને માલસામાન હટાવવાની જરૂર પડે તેવા કિસ્સામાં ક્રેઈન, જે.સી.બી, ટ્રક, ટ્રેકટર જેવા ઈમરજન્સી વાહનોની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. આ અનુસંધાને ભારે વરસાદથી કોઈ નુકશાની થાય ત્યારે વહીવટીતંત્ર તો ૨૪ કલાક ખડેપગે રહીને રાહત બચાવની કામગીરી કરે જ છે પણ આવા સમયે જિલ્લામાં આવેલ સ્વૈચ્છીક સંસ્થાઓનો પણ વિશેષ ફાળો રહેતો હોય છે અને આ સંસ્થાઓ વહીવટીતંત્રના સંકલનમાં રહી તમામ પ્રકારની કામગીરી કરે તે મુજબની અગાઉથી જ તાલીમ આપી તાલીમબધ્ધ કરવામાં આવેલ છે.
                 જિલ્લાના તમામ વિભાગોને ચોમાસા ૠતુની કામગીરી દરમ્યાન પોતાનું હેડ કવાર્ટર ન છોડવા કલેકટરશ્રી દ્વારા કડક આદેશ કરવામાં આવેલા છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ૧૪ તાલુકા હેડ કવાર્ટર ખાતે પૂર નિયંત્રણ કક્ષ પણ ૨૪ કલાક માટે કાર્યરત કરવામાં આવેલ છે. તમામ ૧૪ તાલુકામાં વર્ગ-૧ કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવી છે. તે તમામ લાઈઝન અધિકારીઓ સંપુર્ણ ચોમાસા ઋતુ દરમ્યાન બધી જ બાબતોની દેખરેખ રાખી જાહેર પ્રજાની સલામતી અને સુરક્ષા સંદર્ભે કામગીરી કરશે. 
           આ ચોમાસાની ઋતુમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (G.S.D.M.A), ગાંધીનગરના સંપૂર્ણ માર્ગદર્શન અને સુચના અનુસાર સંપુર્ણ મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. તેમની સુચના અનુસાર જિલ્લા કક્ષાએથી તમામ ડી.પી.ઓ.શ્રી (ડીઝાસ્ટર મેનેજમેન્ટ) કલેકટરશ્રીના સંકલનમાં રહી સમગ્ર ડીઝાસ્ટરની ટીમ સાથે મળી જાહેર પ્રજાજનોની હિતને લગતી મોન્સુનની કામગીરી કરતા હોય છે. તેમના દ્વારા જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ આ ચોમાસા ઋતુનો બનાવવામાં આવ્યો છે. તે જાહેર જનતા માટે અને વહીવટીતંત્ર માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. વહીવટીતંત્રના અધિકારી- કર્મચારીઓ અને અન્ય તમામ ટીમો સાથે ખભે ખભા મિલાવી કામ કરવા આપદા મિત્રની ટીમના સભ્યો પણ એક્ટીવ મોડમાં છે. કોઈપણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગોમાં આપદા મિત્રો ખુબ જ ઉપયોગી નિવડશે. જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા અને સલામતીની ચિંતા કરતા બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ VVIP મોડમાં તમામ સિસ્ટમને એક્ટીવેટ કરવા કડક સુચના આપેલ છે. 
           બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર પાસે પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીને લગતા તમામ પ્રકારની સાધન સામગ્રી ઉપલબ્ધ છે. જેવા કે લાઈફ બોયા, લાઈફ ઝેકેટ, દોરડા, રસ્સા, ડી- વોટરીંગ પંપ, ઈમરજન્સી લાઈટ, વિગેરે. આ ઉપરાંત ગુજરાતમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં કલેકટર કચેરી, પાલનપુરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી (ડીઝાસ્ટર) દ્વારા કૃત્રિમ તરાપા (વાંસ, દોરી, અને પાણીના જુના કેરબા) પણ બનાવવામાં આવ્યા છે. આ તરાપો સમગ્ર ગુજરાતમાં ફક્ત બનાસકાંઠાની આ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે જ જોવા મળેલ છે. આ તરાપો બનાવવા માટે શ્રી સંજય કુમાર ચૌહાણ (ડી.પી.ઓશ્રી- ડીઝાસ્ટર) અને તેમની ટીમના આપદા મિત્ર ટીમ લીડર હિતેશભાઈ મેવાડા અને હિતેશભાઈ બારોટ દ્વારા વાંસ, દોરો અને પાણીના જુના ૨૦ લીટરના કેરબાથી પોતાની સમજ શકિતનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. જુની પીવાના પાણીની બોટલોમાંથી પણ પૂરની સ્થિતિમાં પોતાનો જીવ કેવી રીતે બચાવવો તેનું પણ એક અદભુત મોડેલ બનાવવામાં આવ્યું છે . 
            જિલ્લાની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, આવા કૃત્રિમ તરાપા ગામે- ગામ બનાવવામાં આવે જેથી ઈમરજન્સીની સ્થિતીમાં નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોના જીવ બચાવી શકાય. આ નવતર પ્રયોગ કરનાર બનાસકાંઠા જિલ્લો પુરા ગુજરાતમાં એક માત્ર છે. આ તરાપાની તાલીમ પણ શાળા અને કોલેજોમાં આપવામાં આવે છે. જેથી લોકો તેને બનાવી પોતાનો જીવ બચાવી શકે અને પોતાના પરિવારની રક્ષા કરી શકે.
____________________________________________

બનાસકાંઠાના બાલારામ રિસોર્ટમાં લગ્ન પ્રસંગે હીરાના વેપારીઓ મહેમાન બન્યા

સ્થાનિક પત્રકાર મિત્રો તેમજ સંબંધીઓએ હાજરી આપી

હીરા ઉધોગનું મેગેઝીન ‘હીરા ઝવેરાત’ના માલિક રાજેશભાઈ બજાજે તેમના પુત્ર સંયમના લગ્ન બનાસકાંઠામાં આવેલ ‘બાલારામ રિસોર્ટ'માં યોજ્યાં હતાં. બે દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંગીત સંધ્યા અને બીજે દિવસે લગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્નપ્રસંગે મુંબઈના હીરાના વેપારી સંજયભાઈ શાહ, પરીનભાઈ શાહ, બીડીબીના વાઈસ ચેરમેન મેહુલભાઈ શાહ, પ્રકાશભાઈ હેક્કડ, લેબડ્રોન ડાયમંડ કાઉન્સિલના ચેરમેન શશીકાંત શાહએ હાજરી આપી હતી. સ્થાનિક પત્રકારોમાંથી ધી મેસેજના માલિક એમ. કે. સૈયદ, આસિફ સૈયદ, બી.કે. ન્યુઝના દિનેશભાઈ રાણા તથા રમેશભાઈ પટેલ અને અન્ય સ્થાનિક મિત્રો હાજર રહ્યા હતા. મુંબઈના ‘પારસમણિ'ના તંત્રી જયંતિલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્ન પ્રસંગ પાલનપુરના નવાબસાહેબના મહેલ બાલારામ પેલેસ રિસોર્ટ ખાતે નવાબી લગ્ન રીતે ઉજવાયા હતા.
____________________________________________

પાલનપુરના મોહનભાઈ ચાવડા અને તેમના પરિવાર દ્વારા દેહદાનનો સંકલ્પ કરાયો

પાલનપુરમાં એસ.ટી.માંથી નિવૃત્ત થઈ આધ્યાત્મિક જીવન જીવી રહેલા અને સાથે સાથે જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપના સભ્ય તરીકે સેવાના અનેક કામો પણ કરી રહેલા મોહનભાઈ ચાવડા, તેમના પત્ની જશોદાબેન, તેમના પુત્ર મનીષભાઈ અને પુત્રવધુ રીંકુબેન ચાવડા દ્વારા અંગદાન-દેહદાન-નેત્રદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે માટે મોહનભાઇ ચાવડાએ તેમના કુટુંબના સંકલ્પપત્ર જનસેવા ગ્રુપના  જયેશભાઇ સોની પાસે જમા કરાવેલ છે. સમગ્ર કુટુંબના દરેક સભ્યએ આવો સંકલ્પ કર્યો હોય તેવું ખૂબ ઓછું બને છે. પરંતુ પાલનપુરમાં રહેતા સેવાભાવી મોહનભાઈ ચાવડાનું કુટુંબ સેવાનું સુંદર કામ કરી રહ્યું છે ભૂતકાળમાં મોહનભાઈના પત્ની જશોદાબેનને લકવાના કારણે બંને આંખે અંધાપો આવતા તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આંખોના દવાખાના ખાતે નેત્રદાન સ્વીકારવા માટે ફોર્મ ભરેલું જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા તેમને વારાફરતી બંને આંખો માટે નેત્રદાન મળેલું જેથી તેઓ હાલમાં બંને આંખે જોઈ શકે છે. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપે મોહનભાઈ ચાવડાના પરિવારના દરેક સભ્યને આ સેવાભાવી પવિત્ર સંકલ્પ માટે અભિનંદન પાઠવી તેમના દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ