ધી મેસેજ દૈનિક, સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨.૭.૨૦૨૨

પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળી


પાલનપુરમાં તા. ૦૧.૦૭.૨૦૨૨ના રોજ અષાઢી બીજ નિમિતે ભવ્ય રથયાત્રા નીકળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, શ્રી શ્રી 1008 મહંત શ્રી રાઘવદાસજી મહારાજ અધ્યક્ષ શ્રીરામ સેવા સમિતિ  તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજીત  ભગવાન જગન્નાથજીની ૫૧મી રથયાત્રા નિમિત્તે મોટા રામજી મંદિર પથ્થર સડક ખાતે સવારે ૮.૩૦ કલાકે ભગવાન જગન્નાથજીની મહાઆરતી થયા બાદ સવારે ૯ વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથને નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રામાં વિવિધ પ્રકારની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. રથયાત્રામાં હાથી, ઘોડા, રથ અને ઊંટલારી, ટ્રેકટર, જીપ, બુલેટ સહિતના વાહનો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભક્તોને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. રથયાત્રામાં અખાડા, તલવારબાજી ટીમ અને તલવાર-લાઠી દાવવાળી ટીમ   તેમજ ઇશ્કોન મંદિરની ઝાંખી અને પાલનપુર શહેરની  ભજનમંડળીઓ જોડાઈ હતી. આ પ્રસંગે નવા લક્ષ્મીપુરામાં બપોરે ૧ વાગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા ભોજન પ્રસાદ તથા વિશ્રામની તથા ભક્તો દ્વારા ઠંડુ પાણી શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલનપુરના મુખ્ય માર્ગો પર રથયાત્રાનું ઠેર ઠેર  ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું


શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભાજપ લઘુમતી મોરચાના આગેવાનો દ્વારા રથયાત્રાનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આગેવાનોએ રથયાત્રામાં જોડાયેલા મહાનુભાવોને ફૂલહાર પહેરાવી મોતીચૂરના લાડુ ખવડાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભાજપ લઘુમતી મોરચાના મહેબુબભાઇ શેખ, ઇદ્રીશ પઠાણ, રિઝવાન દાયમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સાથે નાની બજાર વિસ્તારમાં પણ મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા.
********************************************
બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના યુવક/ યુવતિઓ માટે ૭ દિવસીય યોગ સેમિનારનું વિનામૂલ્યે આયોજન કરાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવક/ યુવતિઓ માટે ૭ દિવસીય યોગ સેમિનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રમત સંકુલ, ધનિયાણા ચોકડી, હાઉસીંગ બોર્ડની સામે, સલાટનગરની બાજુમાં, પાલનપુર, બનાસકાંઠા ફોન/ મો. ૯૭૧૪૭૫૫૫૬૯ ઉપર જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર વિનામૂલ્યે મેળવવાના રહેશે. 
આ પ્રવેશપત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૦૭/૦૭/૨૦૨૨ સુધીમાં ઉક્ત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
********************************************
ગુજરાતમાં 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી

ડિજીટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા તમામ મોરચે ડિજીટલ ગુજરાતનું નિર્માણ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. 
આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરબેઠાં જ પ્રાપ્ત થશે. ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના ‘સ્ટેટલેડ’ મોડલથી ભારત નેટ ફેઝ-2નું અમલીકરણ દેશના 9 રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે.

આ ઉપલબ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે, ‘જ્યાં માનવ, ત્યાં સુવિધાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. તેના કારણે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય માણસો પણ હવે વિવિધ સરકારી સેવાઓના લાભ સરળતાથી મેળવી શકશે. રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી સરકારી સેવાઓની ડિજીટલ પહોંચ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ.’

ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમને મળશે વેગ

શરૂઆતના વર્ષોમાં કનેક્ટિવિટી તેમજ અન્ય પ્રશ્નોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અપેક્ષિત સેવાઓ ઘણીવાર પહોંચાડવી મુશ્કેલ બનતી હતી. રાજ્યના છેવાડાના નાગરિકોને ઘરે બેઠા નાગરિકલક્ષી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય, તે માટે વર્ષ 2020માં ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને વેગ હવે વેગ મળશે. હાલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આજે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને ગામમાં જ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દેશ માટે દિશાદર્શક બની રહ્યો છે, જે ખૂબ જ ગર્વની બાબત છે.

પરિવહન ક્ષેત્રની 16 સેવાઓ પણ હવે થશે ઓનલાઇન ઉપલબ્ધ

પરિવહન ક્ષેત્રે પણ સરળતા મળે અને માત્ર એક એપ દ્વારા જ તમામ સરકારી કામ થઈ જાય તેવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. પરિવહન ક્ષેત્રે કોઈપણ સેવા ઝડપથી અને સરળ બનાવવા માટે આગામી સમયમાં NIC ના પરામર્શમાં M-parivahan મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશન થકી વાહન તથા લાઈસન્સ સહિતની કુલ ૧૬ સેવાઓ આંગળીના ટેરવે પૂરી પાડવામાં આવશે. આમ, આ એપ દ્વારા અરજદારો પોતાના મોબાઇલ થકી જ અરજી કરીને સેવાનો લાભ સરળતાથી મેળવી શકશે.
આ સેવાઓમાં ડુપ્લીકેટ આર.સી. બુક, આર.સી બુકમાં સરનામાંનો ફેરફાર, વાહનની લોનમાં ઉમેરો કરવો કે લોન દૂર કરવી, વાહનમાં મોબાઇલ નંબર અપડેટ, અન્ય રાજ્યમાં જતા વાહનોને એન.ઓ.સી ઈસ્યુ કરવું, લાઇસન્સનું રિન્યુઅલ, લાઇસન્સના સરનામામાં ફેરફાર, લાઇસન્સ રિપ્લેસમેન્ટ, આર.ટી.ઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે. 
ડિજીટલ ક્રાંતિ હેઠળ સરકારી સેવાઓ લોકો સુધી પહોંચાડવાનું એક નવું જ ક્રાંતિકારી સ્વરૂપ આપણે સૌ જોઈ રહ્યા છીએ. છેલ્લા એક દાયકામાં વિવિધ  ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય ડિજિટલ ક્રાંતિમાં તમામ રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે.
********************************************
વાહન વ્યવહાર ક્ષેત્રે ગુજરાતમાં ૮૦ ટકા સેવાઓ ઘરેબેઠાં ઓનલાઈન ઉપલબ્ધ કરાશેઃ રૂબરૂ મુલાકાતમાં ૫૦ ટકાનો ઘટાડો થશે

Ø વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વની કુલ ૭ સેવાઓ નાગરિકો માટે ઘરેબેઠાં ઉપલબ્ધ કરાશે

ડિજિટલ ગુજરાત થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં આગવી પહેલ કરીને નાગરિકોને આરટીઓ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને અન્ય પર નિર્ભર ન રહેવું પડે તે માટે વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું ગુજરાતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાહન વ્યવહાર કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ પૈકી અંદાજે ૮૦ ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ પૂરી પાડવામાં આવશે. જેથી આરટીઓ કચેરી ખાતેની સેવાઓ માટે નાગરિકોની રૂબરૂ મુલાકાતમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થશે, જેથી સમય-સંસાધનોની બચત થશે તથા સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી રહેશે.
ભારતમાં સૌ પ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વની કુલ ૭ સેવાઓ નાગરિકો માટે ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 
રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા વર્ષ ૨૦૧૭થી વેબ આધારિત સૉફ્ટવેર વાહન ૪.૦ અને સારથી ૪.૦ જેવા ઓનલાઈન પોર્ટલનું અમલીકરણ કરીને નાગરિકોને ઘરેબેઠાં જ દસ્તાવેજો અપલોડ કરવાની અને ઓનલાઈન ફી ભરવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં, વાહન ૪.૦ પોર્ટલ મારફતે ઇ-એન.ઓ.સી., ઇ-પેમેન્ટ, ઇ-ઓકશન અને ઇ-ડેટા થકી વાહનનો નોંધણી નંબર, ફી, એપ્રુવલ, ઓનલાઇન અરજીનું સ્ટેટસ તેમજ તેની SMS દ્વારા જાણ જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહી છે. જ્યારે સારથી ૪.૦ની મદદથી ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત આ પોર્ટલ મારફતે આરટીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જુદી જુદી ફી-ટેક્સ ઓનલાઇન ભરી શકાય છે. 
ગુજરાતમાં લાયસન્સ સંબંધિત વધુ ૧૨ સેવાઓ અને વાહન સંબંધિત ૮ સેવાઓ આધાર E-KYC થકી ફેસલેસ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ થયેથી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી.
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે ‘One Nation One Challan’ અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે.  અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે Point of Sale (POS) મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે. 
આ ઉપરાંત, IT બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી Ease of Doing Businessમાં વૃદ્ધિ-ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ ગતિ મળી છે અને આંતરરાજ્ય વાહનો કોઇપણ અડચણ વિના રાજ્યમાં મુસાફરી કરી શકે છે. 
સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી ડ્રાઇવિંગની ગુણવત્તામાં સુધારો તેમજ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં અગાઉ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવતા હતા. પરંતુ નાગરિકોને ઘરઆંગણે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી શિખાઉ લાયસન્સની કામગીરી વર્ષ ૨૦૧૯થી રાજ્યભરની ૨૨૧ આઇ.ટી.આઇ. તથા ૧૦ પોલીટેકનીક કક્ષાએથી શરૂ કરવામાં આવી છે. જેના પરિણામે વર્ષે અંદાજે ૮ લાખ લોકોને તાલુકા કક્ષાએ જ સરળતાથી શિખાઉ લાયસન્સની સેવાનો લાભ મળી રહ્યો છે. 
વધુમાં, વાહનના નંબરની હરાજીની આવક પણ મહત્વની હોવાથી આ કામગીરી ઇ-ઓકશન પદ્ધતિથી કરવામાં આવે છે, જેનાથી વાહન ચાલકોને પોતાના મનપસંદ નંબર મળવા સહિતની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શકતા આવી છે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.
********************************************
કરમાવદ તળાવ ભરવા માટેનો નિર્ણય લેવાતા મુક્તેશ્વર- કરમાવદ જળ આંદોલન સમિતિએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો


(માહિતી બ્યુરો, પાલનપુર) 
            મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવાનો માનવીય સંવેદનાસ્પર્શી મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. વડગામ વિસ્તારમાં આવેલ કરમાવદ તળાવ ભરવા માટે ઘણાં લાંબા સમયથી આ  વિસ્તારના ખેડુતો, પશુપાલકો અને ગ્રામજનો માંગણી કરી રહ્યા હતા. કરમાવદ તળાવને નર્મદાના નીરથી ભરવા માટે આ વિસ્તારના ખેડુતોએ મુક્તેશ્વર- કરમાવદ જળ આંદોલન સમિતિ બનાવી કિસાન સંઘના સહયોગથી કળશપૂજા કરી સરકારશ્રીને રજૂઆત કરી હતી. 
          તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીને મળીને આંદોલન સમિતિના આગેવાનોએ તળાવ ભરવા અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની ખાસ કરીને પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ વસ્તી, પશુપાલકો, ખેડૂતોની પાણી માટેની લોકલાગણી અને માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જેને ધ્યાને લઇને મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક નિર્ણય લેતાં જળ આંદોલન સમિતિએ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મુક્તેશ્વર- કરમાવદ તળાવ ભરવા માટે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના સક્રિય પ્રયાસોની પણ સરાહના કરી આંદોલન સમિતિએ કલેકટરશ્રીની મુલાકાત લઇ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.  
          મુક્તેશ્વર- કરમાવદ જળ આંદોલન સમિતિના અધ્યક્ષશ્રી એમ.એમ.ગઢવીએ જણાવ્યું કે, કરમાવદ તળાવ ભરવા માટે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૫૫૦ કરોડની યોજના મંજૂર કરી છે. મુક્તેશ્વર ડેમમાં નર્મદા જળ પહોંચાડવા ૧૦૦ ક્યુસેકની વહન ક્ષમતા વાળી ૩૩ કિ.મી લાંબી ડીંડરોલ- મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના મંજૂર કરી છે. જેનાથી વડગામ તાલુકાના ર૪ ગામોના ૩૩ તળાવોને પાઇપ લાઇનથી જોડવામાં આવશે. આ ડીંડરોલ- મુક્તેશ્વર ઉદવહન પાઇપ લાઇન યોજના દ્વારા નર્મદાનું ૧૦૦ ક્યુસેક પાણી વહન કરીને મુક્તેશ્વર જળાશયમાં નાખવામાં આવશે અને લાંબા સમયથી સુકા રહેલા આ જળાશયમાં પાણી મળશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઇવાળા ગામોની ર૦ હજાર હેક્ટર જમીનોને સિંચાઇનો લાભ અપાશે.                         મુખ્યમંત્રીશ્રીના આ જનહિતકારી અભિગમને કારણે હવે આ યોજના સાકાર થવાથી વડગામના ગ્રામીણ વિસ્તારોમાં આવનારા સમયમાં નર્મદા જળ પીવાના તેમજ સિંચાઇના ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે.
********************************************
સરકારી શાળાના બાળકોને મદદરૂપ થવા થરાના શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલ દ્વારા "શિક્ષણ સંજીવની" કાર્યક્રમનું આયોજન કરાયું


(માહિતી બ્યુરો, પાલનપુર) 
           બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વજેગઢ પ્રાથમિક શાળામાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ‘‘શિક્ષણ સંજીવની કાર્યક્રમ’’નો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારી શાળાના બાળકોને મદદરૂપ થવા થરાના શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલ દ્વારા "શિક્ષણ સંજીવની" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ સંજીવની કાર્યક્રમ એટલે સેવાના છેલ્લા વર્ષે નિવૃત્તિ પહેલાં બાળકો માટે પોતે અથવા કોઈ સંસ્થાની મદદ લઈને આર્થિક રીતે બાળકો માટે કઈંક કરી છૂટવું અને શિક્ષણ જગતનું આર્થિક ઋણ અદા કરવું.
‘‘શિક્ષણ સંજીવની’’ કાર્યક્રમ હેઠળ શાળામાં અભ્યાસ કરતા બાળકોને આર્થિક સહયોગ માટેની એક નવી પહેલ છે. આ કાર્યક્રમ મુખત્વે વય નિવૃત વ્યક્તિ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે નિવૃત્ત થનાર શિક્ષક માટે સેવાના છેલ્લા વર્ષે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવતુ હોય છે. થરાના શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલ આવતા ઓક્ટોબર-૨૦૨૨માં નિવૃત્ત થાય છે. એટલે એમણે પોતાની સેવાના છેલ્લા વર્ષમાં પ્રવેશોત્સવ સમયથી જ શિક્ષણ સંજીવની કાર્યક્રમ હેઠળ શાળાના બાળકો માટે વિશેષ કામ કરવાનું શરૂ કર્યુ છે.
શાળાનું નવું સત્ર શરૂ થતાં ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન, અમદાવાદના સહયોગથી શાળાના તમામ બાળકોને ટ્રેકશૂટ, સ્ટીલ વોટર બોટલ, ચોપડા, કંપાસ, કલર વગેરે આપ્યું છે અને શાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટર, કેમેસ્ટ્રી લેબ અને ફિઝીક્સ લેબના સાધનો આપ્યા છે તેમજ રમત-ગમતની સાધન સામગ્રી આપી છે. આ રીતે નિવૃત્તિ પહેલાં બાળકોની આર્થિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરીને "શિક્ષણ સંજીવની" ને વાસ્તવિક રૂપ આપ્યું છે. ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના મેનેજરશ્રી દેવયાનીબેન પટેલ દ્વારા સંસ્થાની કામગીરી અને ગુજરાતની પહેલી નિઃશુલ્ક ડિજિટલ કમ્પ્યુટર એજ્યુકેશન બસ સેવા વિશે વાત રજૂ કરાઈ હતી. 
ટૂંકમાં "શિક્ષણ સંજીવની" એટલે વયનિવૃત્તિ પહેલાં શિક્ષકશ્રી પોતે જ આગળ આવીને પોતાની શાળા અને બાળકો માટે આર્થિક સહયોગ કરીને કાર્યક્રમ યોજીને અન્ય સંસ્થા દ્વારા સહયોગ લાવીને બાળક અને શાળા પરિવારને મદદરૂપ થવાનો અવસર. આ કાર્યક્રમમાં કુલ રૂ. ૪ લાખનો ખર્ચ થયો હતો. જેમાં શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલે ધોરણ- ૧ થી ૮ ના બાળકોને ટ્રેકસૂટ, વોટર સ્ટીલ બોટલ, ચોપડા, કલર, પેન્સિલ રબર ફૂટપટ્ટી પરિકરથી ભરેલા પાઉચ વગેરે અંદાજે ૨.૫૦ લાખનો સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારે શિક્ષણનું મહત્વ સમજાવી કાર્યક્રમના સહભાગી એવા ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના "ફ્રી કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વ્હીલ્સ"-સોલર સિસ્ટમથી ચાલતી ડિઝીટલ બસની કામગીરી બિરદાવી હતી.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ