ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૨.૦૭.૨૦૨૨

તારંગાથી આબુ રેલવે: અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર પાંચ માળની ૧૦૦ રૂમની બજેટ હોટલનું નિર્માણ કરાશે 

ચાર તબક્કામાં રેલવે લાઇનનું કામ પૂર્ણ થશે, ગુજરાતમાં ૮૨ અને રાજસ્થાનામાં ૩૪ કિમી રેલવે લાઇન નખાશે

કુલ ૧૫ સ્ટેશન હશે, રાજસ્થાનના એક અને ગુજરાતના ત્રણ જિલ્લાના ૧૦૪ ગામડાઓને ફાયદો થશે

ચીફ સેક્રેટરી સાથે રેલવે તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ


 ગાંધીનગર: પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. તેના ભાગરૂપે વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ ૧૩ જુલાઈએ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની ૧૧૬.૬૫ કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામા આવી છે. રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચન અનુસાર ૧૮ જુલાઈ ૨૦૨૨ના રોજ એ રેલવેના જીએમ અને ડીઆરએમ અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના સચિવએ ચીફ સેક્રેટરી શ્રી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે મુલાકાત કરી હતી. આ પ્રોજેક્ટને આગળ લઇ જવા અંગેની વ્યૂહાત્મક બાબતો વિશે તેમાં અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામા આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામા આવશે. 

આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામા આવ્યું છે. ૬ રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની ૧૧૬.૬૫ કિમીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામા આવશે જે ૬૦ ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના ૧૦૪ ગામડાઓને ફાયદો થશે.

ગુજરાતમાં ૧૧, રાજસ્થાનમાં ૪ સ્ટેશન

આ રેલવે લાઇન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે. રેલવે દ્વારા તેના માટે ૧૫ સ્ટેશન સૂચિત કરવામા આવ્યા છે. જેમાં વરેઠા (વર્તમાનમાં ચાલુ), ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ (હોલ્ટ), મહુડી (હોલ્ટ), દલપુરા, રૂપપુરા (હોલ્ટ), હડદ, આંબા મહુડા (હોલ્ટ), પેટા છપરા (હોલ્ટ), અંબાજી, પારલી છપરી (હોલ્ટ), સિયાવા (હોલ્ટ), કુઈ અને આબુ રોડનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં ૧૧ અને રાજસ્થાનમાં ૪ રેલવે સ્ટેશન સમાવિષ્ટ થશે. 

શકિતપીઠની થીમ પર દિવ્યાંગ ફ્રેન્ડલી રેલવે સ્ટેશન

અંબાજી શક્તિપીઠની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત આ રેલવે સ્ટેશનની ડિઝાઇન કરવામા આવશે. સ્થાનિક માલસામાનની ઉપલબ્ધિથી આ રેલવે સ્ટેશનને ગ્રાઉન્ડફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે વિકસિત કરવામા આવશે. યાત્રાળુઓની સુવિધાઓ માટે ઉપર પાંચ માળ સુધી ૧૦૦ રૂમની બજેટ હોટલનું નિર્માણ કરવામા આવશે. પાર્કિંગ માટે પૂરતી સુવિધાઓ હશે તેમજ સ્ટેશનનું આર્કિટેક્ટર યાત્રાળુઓ માટે નયનરમ્ય બનાવવામા આવશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામા આવશે. 

ગુજરાતમાં ૩૩ મેજર બ્રિજ બનશે, ૪૦૯ હેક્ટર જમીનનો ઉપયોગ

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ ૪૦૯.૪૮૦ હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામા આવશે. તેમાં કુલ ૩૩ મેજર બ્રિજ નિર્માણ કરવામા આવશે જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં ૮, બનાસકાંઠાના દાંતામાં ૧૭ અને સાબરકાંઠાના પોશીનામાં ૮ બ્રિજ બનાવવામા આવશે. જેમાં રોડ ઓવર બ્રિજની વાત કરીએ તો મહેસાણાના ખેરાળુ અને સતલાસણામાં ૨-૨, તેમજ દાંતા અને પોશીનામાં ૧-૧ બ્રિજ નિર્માણ થશે. કુલ ૪૭ રોડ અન્ડર બ્રિજનું નિર્માણ થશે. જેમાં સતલાસણામાં ૧૩, દાંતામાં ૨૮ અને પોશીનામાં ૬ બ્રિજનું નિર્માણ કરવામા આવશે. 

રેલવે રૂટથી વિકાસ

તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.
____________________________________________

ધાનેરા તાલુકાના ખેડુતોએ ચોમાસા પહેલાં ઉનાળાની સીઝનમાં ખેત તલાવડી બનાવી બારેમાસ પિયત થઈ શકે તેવું પાણીદાર આયોજન કર્યુ
         
અનિયમિત વરસાદ, દુષ્કાળ અને ઓછા વરસાદની સ્થિતિમાં ખેત તલાવડીઓ આશીર્વાદરૂપ બની રહેશેઃ ખેડુતશ્રી ડાહ્યાભાઇ પટેલ
(માહિતી બ્યુરો, પાલનપુર) 
            રાજ્ય સરકાર દ્વારા જળ સંચય અને જળ વ્યવસ્થાપનના અભિયાન થકી ગુજરાતમાં લોકજાગૃતિનો અવિરત અશ્વમેઘ ચાલી રહ્યો છે જેના કારણે લોકોમાં અને ખેડૂતોમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનની સમજણથી જળ સંકટની સમસ્યાના નિવારણની દીર્ઘ દ્રષ્ટિ કેળવાઇ છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઉંડા જઇ રહ્યાં છે જેના કારણે ખેતી અને પશુપાલનમાં સમૃદ્ધ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પણ સિંચાઇના પાણી માટેની સમસ્યા સર્જાઇ છે ત્યારે આ સમસ્યાના કાયમી નિવારણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડુતો પાણીને પ્રભુનો પ્રસાદ સમજીને વરસાદના ટીંપે ટીંપા પાણીનો સંગ્રહ કરવા સંકલ્પબદ્ધ બન્યાં છે. વડાપ્રધાનશ્રીની જળ બચાવોની અપીલને રાજ્યભરમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને હવે પાણીનું મહત્વ સમજાતા વરસાદી પાણીના ટીંપે ટીંપાનું જતન કરતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં ધાનેરા, ડીસા અને થરાદ તાલુકાના ખેડુતો વરસાદી પાણીથી ખેતી કરવા માટે રાજ્ય સરકારશ્રીની સહાયની પોતાના ખેતરોમાં ખેત તલાવડીનું નિર્માણ કરી રહ્યાં છે. 
‘‘ખમતીધર ખેડૂતોના ખેતરે, ચરે ગાયને ગાવલડી
જળ સંચયના સંકલ્પથી, ઉભરાય ખેત તલાવડી’’

            બનાસકાંઠા જિલ્લો એની ભૌગોલિક વિષમતાઓ વચ્ચે પણ ખેતી અને પશુપાલનમાં અગ્રેસર રહી રાજ્યના અન્ય જિલ્લાઓ માટે દિશા દર્શક બની રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આધારીત ખેતી હોવા છતાં અહીંના પાણીદાર ખેડૂતોએ પાણીનું મૂલ્ય સમજી નાના ચેકડેમ, તળાવ, વોટરસેડ, કાચા પાળા, આડા ચાસ, નાળા પ્લાનિંગ જેવા અનેકવિધ પ્રયાસોથી પાણીનું વ્યવસ્થિત વ્યવસ્થાપન કરી રાજ્યના બીજા જિલ્લાઓ માટે પથ દર્શકની ભૂમિકા અદા કરી છે. જળ બચાવોની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને ગાંઠે બાંધી જિલ્લાના કેટલાક ખેડૂતોએ ખેત તલાવડીનો અભિનવ પ્રયોગ કરી જળ સમસ્યાના ઉકેલની દિશામાં અનુકરણીય પહેલ કરી છે.
*શૂન્ય પાલનપુરીનો એક શેર છે*
"પ્યાસને તૃપ્તિના સાગરમાં જે ઝબકોળી શકે...
એ જ રણના મનસૂબા ધૂળમાં રોળી શકે..."

          બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ અનિયમિત છે અને સીઝનમાં ક્યારેક પૂર તો ક્યારે અપૂરતો વરસાદ થવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પરંતુ અહીંના પાણીદાર ખેડૂતોએ આ કુદરતી આફતો વચ્ચે પણ પોતાની હિંમતથી દરેક સમસ્યાનો સામનો કર્યો છે અને એટલે જ કહેવાનું મન થાય કે
"તરસી છે ધરા ને હોઠ પણ તરસ્યા
  હૈયે છે હામ, ભલે મેઘ ન વરસ્યા" 

            બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકામાં કે જ્યાં ખેતીલાયક પાણીની અછત અનુભવાય છે તે વિસ્તારના ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અને પંચાયતના સિંચાઇ વિભાગના આર્થિક સહયોગથી ચોમાસા પહેલાં ઉનાળાની સીઝનમાં ખેત તલાવડી બનાવી બારેમાસ પિયત થઈ શકે તેવું પાણીદાર આયોજન કર્યું છે. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના ખેડૂતશ્રી ડાહ્યાભાઈ હાજાભાઈ પટેલે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી ૬ હેકટર વિસ્તારમાં પિયત કરે છે. તેઓ કુલ-૩૨ વીઘા જમીનમાં ખેતી કરે છે અને પોતાનો ટ્યુબવેલ ધરાવે છે. આમ છતાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અને અનિયમિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા ચોમાસાની આ સીઝનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે ખેતરમાં ૧૭૦ ફૂટ લંબાઈ, ૧૦૦ ફૂટ પહોંળાઈ અને ૨૦ ફૂટ ઊંડાઈ ધરાવતી ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે. જે ૬૦ લાખ લીટર જળ સંગ્રહની ક્ષમતા ધરાવે છે. જેમાં વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથે ટ્યુબવેલનું પાણી પણ ઠાલવવામાં આવે છે જેના થકી ૧૬ વીઘામાં સ્પ્રીંકલર અને ડ્રિપ ઇરીગેશનથી ખેતી કરવામાં આવે છે. ખેત તલાવડીમાં પાથરવામાં આવતું પ્લાસ્ટિક રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે તેનું ફિટિંગ અને રીપેરીંગ સરકારશ્રી દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા કરી આપવામાં આવે છે. જ્યારે માટી ખોદાઈનો ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહે છે. ડાહ્યાભાઈએ આ ખેત તલાવડી ફરતે સંરક્ષિત તારની વાડ બનાવી છે જેથી  મનુષ્ય, ઢોર ઢાંખર, જંગલી પશુઓ સાથે બનતી દુર્ઘટનાને પણ ટાળી શકાય. તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીની સહાય વગર ખેત તલાવડી બનાવવી અશક્ય છે. માટી ખોદાઈનું ખર્ચ લાખો રૂપિયામાં આવતું હોય છે જે દરેક ખેડૂત કરી શકે એવી આર્થિક સ્થિતિ ખેડૂતોની હોતી નથી જોકે ખેત તલાવડીમાં નીચે પાથરવાનું અને કવરિંગ કરવાનું પ્લાસ્ટિક અને તેના ફિટિંગ રિપેરીંગનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવતી હોવાથી ખેડૂતોને આર્થિક રાહત મળે છે. એકવાર ખેત તલાવડી બની ગયા પછી તેમાંથી બારેમાસ પિયત માટેનું પાણી મળી રહે છે જેથી લાંબા ગાળે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક નિવડે છે. વધુમાં ખેત તલાવડીના ફાયદા વિશે જણાવતાં ડાહ્યાભાઈ જણાવે છે કે જેને પોતાનો ટ્યુબવેલ હોય એણે તો ખેત તલાવડી બનાવવી જ જોઈએ, તેનો મુખ્ય ફાયદો એ છે કે પાણીમાં રહેલા ક્ષાર નીચે બેસી જાય છે જેથી ખેતી માટે ક્ષાર વગરનું પાણી ઉપલબ્ધ બને છે બીજું કે બોરનું પાણી ક્યારેક ગરમ હોય છે જે ખેત તલાવડીમાં ઠલવાતાં નીચે બેસતાં ઠંડુ પડી જાય છે અને રેતી આવતી હોય તો તે દબાઈને નીચે બેસી જાય છે જેથી શુદ્ધ પાણી મળી રહે છે. તેમણે અન્ય ખેડૂતોને પણ ખેત તલાવડી બનાવવા અપીલ કરતાં જણાવ્યું કે, દુષ્કાળ અને ઓછા વરસાદની સ્થિતિમાં ખેત તલાવડીઓ આશીર્વાદરૂપ બની રહેશે.
            અનાપુરા છોટા ગામમાં જ શ્રી ડાહ્યાભાઈની ખેત તલાવડી જોઈને તેમના કુટુંબીભાઈ ભરતભાઇ કરશનભાઈ પટેલે પણ તેમના ખેતરમાં ૮૦ ફૂટની લંબાઈ પહોળાઈ અને ૧૩ ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે જે ૨૮ લાખ લીટર પાણી સંગ્રહની ક્ષમતા ધરાવે છે. આ ખેત તલાવડીની મદદથી ભરતભાઇ ૧૨ વીઘા જમીનમાં પિયત કરી પાણી બાબતે નિશ્ચિન્ત બન્યા છે.
             ધાનેરા તાલુકાના જ નાનામેડા ગામના ખેડૂત શ્રી રાયમલભાઈ રત્નાભાઈ પટેલે (મૂંજી) પણ પોતાના ખેતરમાં ૮૦ લાખ લિટરની જળ સંગ્રહ ક્ષમતા ધરાવતી ૧૧૦ ફૂટ લંબાઈ પહોળાઈ ધરાવતી ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે. જેના થકી તેઓ ૨૭ વીઘામાં પિયતની સુવિધા ઉભી કરી શક્યા છે. તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખેત તલાવડીની મદદથી આજે અમે ૨૭ વીઘામાં પિયત કરી શકીએ છીએ. સરકારી સહાયથી જ ખેત તલાવડી બનાવવી શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂત પોતાની જરૂરિયાત મુજબની ખેત તલાવડી બનાવી પિયતમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકશે.
           ધાનેરા તાલુકાના શિયા ગામના ખેડૂત અરજણજી રાઠોડે પણ પોતાના ખેતરમાં ૧૪૦ ફૂટ લંબાઈ પહોળાઈ ધરાવતી અને ૩૦ ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે જે અંદાજીત ૭૦ લાખ લીટર જળ સંગ્રહની ક્ષમતા ધરાવે છે. જેના થકી તેઓ ૨૦ વીઘા જમીનમાં પિયતની સુવિધા ધરાવતા થયા છે.
           એવું કહેવાય છે કે કોઈપણ સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા રહે છે જ્યાં સુધી તેનો ઉકેલ ન મળે. ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળ ઉંડા ગયા છે, નદીઓના નીર સુકાયા છે પણ સાથે સાથે એ પણ હકીકત છે કે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંધેલા જળ વ્યવસ્થાપન માટેના સુદ્રઢ અને નક્કર આયોજનને લીધે રાજ્ય સરકારે ભવિષ્યમાં ઉભા થનારા જળ સંકટ સામે જળ સંચયનું મજબૂત માળખું ઉભું કરી ભાવિ પેઢીને જળ સંકટની સમસ્યામાંથી ઉગારી લેવાનું ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સહભાગી બની રાજ્યમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનના અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જળ સંકટની સમસ્યા સામે સંજીવની સમાન ખેત તલાવડીના નિર્માણ થકી પાણીની અછત અને ઊંડા ભૂજળની પરિસ્થિતિનો કાયમી ઉકેલ મેળવી લીધો છે.
____________________________________________

યાત્રાધામ અંબાજી ખાતે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ દર્શન અને પૂજા-અર્ચના કરી

(માહિતી બ્યુરો, પાલનપુર) 
          અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી  જગદીશભાઇ વિશ્વકર્માએ આજે પરીવાર સાથે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઇ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરમાં આજે છપ્પન ભોગના અન્નકૂટના દર્શનની સાથે અન્નકૂટ આરતીમાં પણ લાભ લીધો હતો. મંદિરમાં આરતી પૂર્ણ કર્યા બાદ ભટ્ટજી મહારાજની ગાદી પર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને તેમના પરિવારજનોએ આશીર્વાદ મેળવ્યા હતા.
          આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે, લાખો ગુજરાતીઓની પરમ શ્રધ્ધાનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનની સાથે જોગાનુંજો આજે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર હોઇ મોટી સંખ્યામાં મેળામાં આવનાર માઇભક્તો માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંબાજી મુકામે ૫૧ શક્તિપીઠોના મંદિરનું નિર્માણ કરાવીને એક જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો પુરો પાડ્યો છે.
____________________________________________

વંદે ગુજરાત રથ યાત્રાને બનાસકાંઠા જિલ્લામાં મળ્યો અદભૂત પ્રતિસાદઃ ૫૨,૯૪૧ જેટલાં લોકોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓની માહિતી મેળવી

જિલ્લામાં કુલ ૧૪૨ કાર્યક્રમો અંતર્ગત ૨૩૩ કામોના ખાતમુહૂર્ત અને ૨૯૭ કામોના લોકાર્પણો સાથે કુલ- ૪૨૪ વિકાસ કામો કરાયા

(માહિતી બ્યુરો, પાલનપુર)
               રાજ્ય સરકાર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તારીખ ૦૫ જુલાઈ થી ૨૦ જુલાઈ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના તમામ ૧૪ તાલુકાના ગામડાઓમાં કુલ ૪ રથ દ્વારા ૧૪૨ જેટલાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની ૬૬ સીટો પર ૧૩૨ કાર્યક્રમો અને ૬ નગરપાલિકા વિસ્તારોઓમાં ૧૦ કાર્યક્રમો મળી કુલ-૧૪૨ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 
             વંદે ગુજરાત યાત્રા દરમ્યાન રાજ્ય સરકારના મંત્રીશ્રી, વિવિધ મહાનુભાવો અને અગ્રણીઓ દ્વારા ૨૩૩ કામોનું ખાતમુહૂર્ત, ૨૯૭ કામોનું લોકાર્પણ સાથે કુલ-૪૨૪ વિકાસ કામો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર યાત્રા દરમ્યાન ગામે ગામ લોકોએ રથનું સ્વાગત કર્યું હતું અને ઉમળકાભેર યાત્રામાં જોડાઈ સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બન્યા હતા. આ યાત્રા દરમ્યાન જિલ્લાના કુલ-૫૨,૯૪૧ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યાત્રાને સફળ બનાવી હતી.
                     છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 
           આ વિકાસ યાત્રા દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં ચાર રૂટ પ્રમાણે ચાર રથ મૂકવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાલનપુર તાલુકાના ચંડીસર ગામેથી શિક્ષણ રાજય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે વંદે ગુજરાતના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે અલગ અલગ તાલુકાઓમાં મહાનુભાવોએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. દરેક ગામમાં રથના આગમન પૂર્વે યોગાસન, પ્રભાત ફેરી, ચિત્ર સ્પર્ધા, આંગણવાડી બહેનો દ્વારા વાનગી સ્પર્ધા, વૃક્ષારોપણ, કોવિડ રસીકરણ  અને પશુ સારવાર કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો ગ્રામ્યકક્ષાએ યોજવામાં આવ્યા હતા. રથના આગમન પ્રસંગે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ વિકાસ કામોની જાહેરાત દ્વારા સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ અને પ્રજાલક્ષી વિકાસ કામોથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. રથના રાત્રિ રોકાણ  દરમ્યાન જે તે ગામમાં વિવિધ કલાકારો દ્વારા લોકડાયરા અને ભવાઈ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
____________________________________________

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અને શ્રમ કલ્યાણ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય અપાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય અને શ્રમ કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત ચુના પથ્થર અને ડોલોમાઇટ, બીડી, સિને, લોહ, મેગ્નીજ અને ક્રોમ અયસ્કની ખાણોમાં કામ કરતા કામદારોના પુત્ર /પુત્રીઓ કે જે સરકાર માન્યતા પ્રાપ્ત શાળા/ કોલેજમાં નિયમિત અભ્યાસ કરે છે. તેમને જ શિષ્યવૃત્તિ / શાળાના ગણવેશ માટે વિત્તિય સહાય મંજુર કરવામાં આવે છે. આ  શિષ્યવૃત્તિ સહાય રૂપિયા ૧,૦૦૦/-  થી ૨૫,૦૦૦/- સુધી અભ્યાસ ક્રમ મુજબ કરવામાં આવે છે.
જેમાં ગણવેશ/પુસ્તકો વગેરે ખરીદવા માટે (૧) ધોરણ ૦૧  થી ૦૪ માં ૧,૦૦૦/- (૨) ધોરણ ૦૫ થી ૦૮ માં  ૧,૫૦૦/- (૩) ધોરણ ૦૯ અને ૧૦ માં ૨,૦૦૦/- (૪) ધોરણ ૧૧ અને ૧૨ માં ૩,૦૦૦/- (૫) આઈ. ટી. આઈ., પોલિટેક્નિક (POLYTECHNIC) અને ડિગ્રી અભયાસક્રમો (B.Sc Agriculture સાથે)માં ૬,૦૦૦/- તેમજ (૬) વ્યવસાયિક અભ્યાસક્રમો (બી.ઈ./એમ.બી.બી.એસ/એમ. બી. એ.) માં ૨૫,૦૦૦/- રૂપિયા શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવશે. 
           ચુના પથ્થર અને ડોલોમાઇટ, બીડી, સિને, લોહ, મેગ્નીજ અને ક્રોમ અયસ્ક કામદારનાં પુત્ર/પુત્રીઓ કે જે ગુજરાત રાજ્યનાં કોઇ પણ જિલ્લામાં રહેતા હોય તેઓ આ યોજનાનો કેન્ર્મ સરકારની આધાર સંલગ્ન સીધા લાભ બેંક ખાતામાં જમા કરવાની યોજના અંતર્ગત લાભ લઇ શકશે.
             દરેક વિદ્યાર્થીનું રાષ્ટ્રીયકૃત બેંકમાં કે જ્યાં કોર બેંકિગ સિસ્ટમ (સી.બી.એસ) તેમજ નેશનલ ઇલોટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.એ.એફ.ટી) સુવિધા હોય ત્યાં ખાતું હોવું જરૂરી છે અને તે ખાતું આધાર નંબર સાથે લિંક હોવું જોઇએ. તથા વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સુવિધાનાં લાભ લેનાર અરજદારોનો પોતાનો આધાર કાર્ડ નંબર વાપરવા માટેની પરવાનગી આપવી જોઇએ છે.
              ધોરણ ૧ થી ઉચ્ચ અભ્યાસક્ર્મ (Professional Courses) સુધી ભણતા વિદ્યાર્થીઓએ તેમના આવેદન પત્ર સીધા નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌https://scholarships.gov.in/) પર કરવાના રહેશે. જેની સાઇટ હાલ ચાલુ છે. આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (NSP) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ ૨૦મી જુલાઈ, ૨૦૨૨, પ્રિ-મેટ્રિક અરજીઓ સ્વીકારવા માટેની છેલ્લી તારીખ ૩૦મી સેપ્ટેમ્બર, ૨૦૨૨ તથા પોસ્ટ-મેટ્રિક અરજીઓ સ્વીકારવા માટેની છેલ્લી તારીખ 3૧મી ઓક્ટોબર, ૨૦૨૨ રહેશે.  
             અરજી કરવામાં કોઇ પણ મુશ્કેલી હોય તો સબંધિત ચિકિત્સા અધિકારી, શ્રમ કલ્યાણ સંગઠન, અથવા શ્રીમાન કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય),અમદાવાદ અને શ્રીમાન સહાયક કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), અમદાવાદ જેનું સરનામું આ પ્રમાણે છે. કાર્યાલય કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન, બી. ડી. પટેલ હાઉસ, ૫મો માળ, “બી“ બ્લોક, નારણપુરા રોડ, અમદાવાદ- ૩૮૦૦૧૪, ફોન નં: ૦૭૯ ૨૭૬૮ ૨૮૮૮, ઈમેલ: wcc.ahd-mole@gov.in નો સંપર્ક કારવાનો રહેશે તેમ શ્રી પી.કે.મીણા, ઉપ કલ્યાણ આયુક્ત (કેન્દ્રીય), અમદાવાદની અખબાર યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ