ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૩.૦૭.૨૦૨૨

ધી મેસેજના અહેવાલની ત્વરિત નોંધ લેવાઇ...

માલણ દરવાજાથી રામપુરા ચોકડી તરફ જતો માર્ગ બંધ થવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો

ડમ્પિંગ સાઈટ પાસે ધરણાં યોજી આરોગ્યમંત્રીના પૂતળાનું દહન કરાયું : જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રીની કચેરી સુધી કચરાની ટ્રોલી લઈ જઈ વિરોધ કરવાની ચીમકી


સમાચારનો વિડિયો...

(તસવીર અને વિડિયો: બિપીનચંદ્ર જોષી)
પાલનપુરમાં માલણ દરવાજાથી રામપુરા ચોકડી તરફ જતા માર્ગ ઉપર રોડની બાજુના ભાગમાં પાલનપુર નગરપાલિકા દ્વારા શરૂઆતમાં થોડો થોડો કચરો ફેંકવાનું શરૂ કરી સમય જતાં કચરાનો મોટો પહાડ ઉભો કરીને બિન અધિકૃત રીતે કચરો નાખવાની ડમ્પિંગ સાઈટ બનાવી દેવામાં આવી છે. જેનો તો કોઈ નિકાલ કરાતો નથી ત્યાં ચોમાસાની ઋતુમાં જ્યારે રસ્તા ઉપર પાણીનો ભરાવો થતો હોય એવી સ્થિતિમાં નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા આ ડમ્પિંગ સાઈટની પાસે જાહેર રોડ ઉપર કચરો ફેંકવાનું શરૂ કરી રોડની વચ્ચે કચરાનો ખડકલો કરાતા માલણ દરવાજાથી રામપુરા ચોકડી તરફ જતો માર્ગ વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર માટે સદંતર બંધ થઈ ગયો હતો. જાહેર માર્ગ ઉપર કચરો, વરસાદી પાણીના કારણે કાદવ-કીચડ, આ કાદવમાં ખોરાક શોધતા ભૂંડ, કૂતરા, ગાય સહિતના ઢોર અને પક્ષીઓના કારણે અહીં માથું ફાટી જાય એવી દુર્ગંધ ફેલાવા સાથે નર્કાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ધી મેસેજ દૈનિક દ્વારા આવી ગંદકીથી ખદબદતી જગ્યા છેક સુધી જઈ ફોટોગ્રાફી કરી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોનું ધ્યાન દોરવા જાહેર જનહિતમાં તેની સોશિયલ મીડિયા આવૃત્તિમાં તા. ૨૧.૦૭.૨૦૨૨ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. પાલનપુર નગરપાલિકાના શાસકો અને ચીફ ઓફિસરે આવા જાહેર જનહિતના અગત્યના પ્રશ્ન બાબતે કોઈ ચિંતા કરી ન હતી. પરંતુ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અંકિતાબેન ઠાકોરની આગેવાની હેઠળ શુક્રવારે આ ડમ્પિંગ સાઈટની પાસે આવેલ એક સોસાયટી નજીક ધરણાંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને સ્થાનિક રહીશો દ્વારા પાલનપુર નગરપાલિકા વિરુદ્ધ લખાણવાળા બેનર દર્શાવી નગરપાલિકાના શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર રોષ પ્રદર્શિત કરીને આરોગ્યમંત્રીનું પૂતળું બાળીને દેખાવો કરવામાં આવ્યા હતા અને ચીમકી આપવામાં આવી હતી કે જો આ ડમ્પિંગ સાઈટ પાસેનો જાહેર માર્ગ ઉપરનો કચરો તાત્કાલિક અસરથી નગરપાલિકા દ્વારા ઉઠાવવામાં નહીં આવે તો છેક ગાંધીનગર સુધી કચરાની ટ્રોલી લઈ જઈ મુખ્યમંત્રીની કચેરી આગળ કચરો ઠાલવી સરકારનું ધ્યાન દોરવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી રવિરાજ ગઢવી, મ્યુ. સભ્ય અબરાર શેખ, સરફરાઝ સિંધી, સાજીદ મકરાણી, કૌશિક જોષી, રમેશ સોલંકી, સ્થાનિક અગ્રણી અતિકુરહેમાન કુરેશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

"આઝાદી કા અમૃત મહોત્સવ’’ ઉજવણી અંતર્ગત આગામી તા.૧૩ થી ૧૫મી ઓગષ્ટ દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ યોજાશે

કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

ફ્લેગ કોડ પ્રમાણે તિરંગાનું સંપૂર્ણ સન્માન જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા કલેક્ટરશ્રીનો આદેશ

(માહિતી બ્યુરો, પાલનપુર) 
          ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨ દરમ્યાન યોજાનાર ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં જિલ્લામાં યોજાનાર ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય એવી વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
         કલેકટરશ્રી આનંદ પટેલે ‘‘હર ઘર તિરંગા’’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વ સાથેની ભાવના વધુ જાગ્રત બને તેવા હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો વગેરે જેવા તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. તેમજ તાલુકા સ્તરની સમિતિઓ દ્વારા મિટિંગ કરી તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને ઉક્ત કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી જિલ્લાના સમગ્ર ગ્રામ્ય/નગરપાલિકા વિસ્તારમાં તિરંગા ફરકાવવાના ભાગરૂપે સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને ખાસ અનુરોધ કર્યો હતો. ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી દરમ્યાન ફ્લેગ કોડ પ્રમાણે તિરંગાનું સંપૂર્ણ સન્માન જળવાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવા કલેકટરશ્રીએ આદેશ કર્યો હતો.       
        "હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા માટે કલેક્ટરશ્રી દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)
           અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મહામેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓ તા. ૩૧ ઓગષ્ટ સુધીમાં પોતાને સોંપવામાં આવેલ કામગીરીઓ પૂર્ણ કરી દેવાની રહેશે.  
         શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ વિવિધ સમિતિના અધિકારીઓ સાથે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, બે વર્ષના લાંબા અંતરાલ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌએ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરવાની છે. 
 મેળા દરમ્યાન સતત સુંદર સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સમિતિ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યની જાળવણી માટે આરોગ્ય સમિતિ, આકસ્મિક સારવાર માટે ઇમરજન્સી સારવાર સમિતિ, અંબાજી તરફના રસ્તાઓની મરામત માટે રસ્તા મરામત સમિતિ, મેળા દરમ્યાન પાણીની સુવિધા પુરી પાડવા પાણી પુરવઠા સમિતિ, સતત વીજ પુરવઠો જાળવવા વિદ્યુત પ્રવાહ સમિતિ, દૂધ વિતરણ વ્યવસ્થા માટે દૂધ અને ખાદ્ય સામગ્રી વિતરણ તથા ચકાસણી સમિતિ, વાહન વ્યવહારને લગતા જાહેરનામાઓના અમલ માટે અંબાજી તરફના પ્રવેશમાર્ગો પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ, ગબ્બર ઉપર સંચાલન સમિતિ, ૫૧ શક્તિપીઠ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રસાદ વ્યવસ્થા સમિતિ, ભંડારા ગણતરી સમિતિ, ઇમરજન્સી રીસ્પોન્સ સમિતિ, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી દાંતા મુકામે, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી અંબાજી મુકામે, વાહનોની ચકાસણી તથા પાસ આપવાની કામગીરી જીએમડીસી ત્રણ રસ્તા અંબાજી મુકામે, મેળામાં વિખુટા પડેલ તેમજ ગુમ થયેલ બાળકો માટે હેલ્પ સેન્ટર અંગેની કામગીરી, અંબાજી ગ્રામ પંચાયત વ્યવસ્થા સંકલન સમિતિ, શાળાઓમાં રહેઠાણ સમિતિ, બેઝ કેમ્પ સમિતિ, પ્રચાર-પ્રસાર સમિતિ અને અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિનો સમાવેશ થાય છે. આ સમિતઓએ કરવાની કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  
          બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે.પટેલ સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)
        પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રજાની સુવિધા અને સુખાકારી માટે ધારાસભ્યશ્રીઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.
  બેઠકમાં સ્વચ્છતા, રસ્તાઓને લગતા પ્રશ્નો, પીવાના પાણી, પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ પુરી કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રસ્તા મરામત અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા તથા નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
          આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વારકીબેન પારઘી, ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી શિવાભાઇ ભૂરીયા, શ્રી નથાભાઇ પટેલ, શ્રી ગેનીબેન ઠાકોર, શ્રી ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
____________________________________________

ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

¤ મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કા હવે ભૂતકાળ બનશે: ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી

Ø મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની મહત્વની સેવાઓ બનશે ઓનલાઈન

¤ વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ?થશે:FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ સામેથી કરશે ફરીયાદી નો સંપર્ક

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે 
સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવા પડે તે આ ટેકનોલોજીના યુગમાં બિલકુલ સ્વિકાર્ય નથી. ત્યારે સામાન્ય કિસ્સામાં લોકોને પડતી આવી મુશકેલીઓને દૂર કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે. 

ગૃહ રાજયમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ગુજરાત સરકારે આ ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યૌ છે. હવે રાજ્યના નાગરીકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે. 

મંત્રીશ્રી એ ઉમેર્યુ કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું કે આ ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને તે આશયથી રાજયમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂ।આત કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તે સમયે કહ્યુ હતું કે, આ નવી શરૂઆત પોલીસીંગની શૈલીમાં આમૂલ પરીવર્તન લાવશે, અને આજે શ્રી મોદીજી અને તત્કાલિન ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના દૂરંદેશી દ્રષ્ટિકોણ થકી ગુજરાત સરકારે અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે.

મંત્રી શ્રી એ ઉમેર્યુ કે,ઇ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે ૨૦૧૯ માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ ૧૬ પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, "Police NOC" વગેરે સેવાઓ ઉપલ્બધ છે. 

મંત્રી શ્રી એ ઈ- એફ. આઈ. આર ની સેવાઓની વિગતો આપતા કહ્યુ કે FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે. 

આમ e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહીં રહે અને નાગરીકોના સમયનો બચાવ થશે તથા ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, e-FIR ઓનલાઈન સેવા રાજ્યના નાગરીકો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.

તેમણે ઉમેર્યુ કે, e-FIR સેવાના ગુજરાત રાજ્ય પોલીસ CCTV કમાંડ એન્ડ કંટ્રોલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.જ્યારે e-FIR નોંધાય ત્યારે ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV  કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે. જેના થકી ચોરીના ગુના તુરંત જ ડીટેક્ટ થઈ શકશે.

e-FIRની કાર્ય પ્રણાલી

¤ e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

¤ ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

¤ બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે.જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.

¤ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.

¤ તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળતાં સૌપ્રથમ આ e-FIR નો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે.

¤ ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના ૨૪ કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે FIR સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

¤ સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે. 

¤ આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો e-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

¤ આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ