ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૨૪.૦૭.૨૦૨૨
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાનો FLC વર્કશૉપ યોજાયો
ચૂંટણી પંચના સચિવ અને BELના એન્જિનિયર્સ દ્વારા EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે તાલીમ અપાઈ
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વના અંગ ગણાતા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM)નું FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે EVMના FLC અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
રાજ્યના વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ/અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા FLC સુપરવાઈઝર્સને તાલીમ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચના સચિવશ્રી મધુસુદન ગુપ્તા તથા ઉપસચિવશ્રી ઓ.પી. સહાની, ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાતાં પ્રથમ તબક્કાના FLC વર્કશૉપની અગત્યતા પર ભાર મૂક્યો.
વધુમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું કે, આ વર્કશોપમાં EVM અને VVPAT અંગેની પારદર્શિતા અને ટેકનિકલ બાબતે પંચના અધિકારીશ્રીઓ દ્વારા સમજ આપવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચના સચિવશ્રી મધુસુદન ગુપ્તા તથા ઉપસચિવશ્રી ઓ.પી. સહાનીએ EVMના મેન્યુફેક્ચરિંગ ફિચર્સ, ફર્સ્ટ લેવલ ચેકિંગ અને તે દરમ્યાન કરવામાં આવનાર સુપરવિઝન સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે સહિતનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભારત ઇલેકટ્રોનિક્સ લિ.ના એન્જિનિયર્સ દ્વારા EVM અને VVPATનું નિદર્શન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નિષ્ણાંતો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યા હતા. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અજય ભટ્ટ દ્વારા પ્રસંગોચિત સૂચનાઓ આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન રાજ્યના ૨૪ જિલ્લાઓના જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ/અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, FLC સુપરવાઈઝર્સ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે નવ જિલ્લાઓમાં EVM-VVPATની FLC હાલ ચાલી રહી છે, તે માટેનો વર્કશોપ ગત તા.૧૪મી જુલાઈએ યોજાયેલ હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષમાં યોજાનાર છે ત્યારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને મતદાન મથકો નક્કી કરવા સહિતની પ્રક્રિયાની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાના પાયારૂપ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે ત્યારે EVMના FLC અંગેનો વર્કશૉપ આ પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.
____________________________________________
લમ્પી વાઇરસના લક્ષણો દેખાય તો
ખેડુતો-પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી
તાત્કાલિક ૧૯૬૨ નંબર પર સંપર્ક કરવા અનુરોધ
લમ્પી વાઇરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં આવેલા લમ્પી વાઇરસને પ્રસરતો અટકાવવા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટર્નરી ર્ડાકટરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી, સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ વાઇરસને પ્રસરતો અટકાવવા સર્વે અને સારવાર પર ભાર મુકતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, લમ્પી વાઇરસથી પશુપાલકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, આ વાઇરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. આ વાઇરસમાં પશુને સામાન્ય તાવ આવે, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુ ખાવાનું બંધ કરે જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક ૧૯૬૨ નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ૫ તાલુકાઓના ૧૯ ગામમાં ૨૨૩ પશુઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે. આ વાઇરસમાં મરણનું પ્રમાણ ૧ થી ૨ ટકા જ છે. જે પણ પશુમાં આ વાઇરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઇએ. તેમણે કહ્યું કે, લમ્પી વાઇરસના લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, ૧૦ ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે. તેમણે સ્વચ્છતા પર ભાર મુકતા જણાવ્યું કે, પશુને સારવાર આપતી વખતે હાથ મેગ્નેટથી સારી રીતે ધોવા જોઇએ જેથી બીજા પશુઓમાં ચેપ ફેલાય નહીં. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજના સમયે રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને પ્રસરતો અટકાવી શકાય.
બેઠકમાં સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ર્ડા. કે. જી. બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું કે, લમ્પી વાઇરસ માખી, મચ્છર અને ઇતરડીથી ફેલાય છે તેને પ્રસરતો અટકાવવા જે પણ પશુઓ વાઇરસ અસરગ્રસ્ત છે તેને બીજા પશુઓથી અલગ રાખવા જોઇએ. તેમણે કહ્યું કે, પશુઓને દૂષિત પાણી અને ખોરાક ન આપવા તથા નાના બચ્ચાઓ અને ગાભણ પશુઓની ખાસ કાળજી રાખવી. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પશુઓ ધણના સ્વરૂપે છુટા ચરવા જવાના બદલે પશુપાલકોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેથી આ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે, બહારથી લાવવામાં આવતા પશુઓનું મોનીટરીંગ રાખી તેમને અલગ રાખવામાં આવે તે જરૂરી છે.
આ બેઠકમાં મદદનીશ પશુપાલન નિયામકશ્રી ર્ડા. જે. પી. મજેઠીયા, નાયબ પશુપાલન નિયામકશ્રી ર્ડા. બી. એમ. સરગરા, બનાસ ડેરીના ર્ડા. સંજય ઓઝા સહિત વિવિધ તાલુકાના પશુપાલન અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
____________________________________________
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને માર્ગદર્શનના પરિણામે ગુજરાતની છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરુ કરી શકાશે
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષી શકે એવો પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ ભારતને
ચોક્કસ 'વિશ્વગુરુ' બનાવશે : રાજ્યપાલશ્રી
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ; સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટી ; એમ કુલ છ યુનિવર્સિટીઓમાં 'પ્રાકૃતિક ખેતી' સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલ , યુનિવર્સિટીનાકુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો કોલેજ કક્ષાનો આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આંતરમનથી ઊંડું ચિંતન કરીને ભારે પરિશ્રમ કર્યો છે. આ અભ્યાસક્રમમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના તમામ વિષયોનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીને સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક કિસાનોના વિસ્તૃત અનુભવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભોનો પણ આધાર લેવામાં આવ્યો છે. આ માટે તેમણે સમિતિના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને કહ્યું હતું કે, અધિકમાં અધિક ઉત્પાદન આપી શકે તેવા ભારતીય બિયારણોને વધારે ઉત્કૃષ્ટ બનાવીને યુનિવર્સિટી કક્ષાએ તેનુ સંરક્ષણ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પર પી.એચ.ડી. કરવા માટે વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે. આવનારા સમયમાં વિશ્વ કક્ષાએ પ્રાકૃતિક ખેતીના અભ્યાસની આવશ્યકતા ઉભી થશે ત્યારે ભારત આખી દુનિયાને પ્રેરણા આપી શકે એવું કામ ગાંધીનગરના રાજભવનમાં થયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક ખેતીના મિશનમાં નેતૃત્વ કરે એવું તેમણે આહવાન કર્યું હતું.
ગુજરાતમાં બી.એસ.સી. (એગ્રીકલ્ચર)માં પ્રાકૃતિક ખેતીનો વિષય અભ્યાસક્રમમાં દાખલ કરી શકાશે. એમ.એસ.સી. પ્રાકૃતિક કૃષિ પર કરી શકાશે. આ ઉપરાંત ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી અને પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો ત્રણ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ પણ શરૂ કરી શકાશે. ત્રણ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં કોઈપણ ખેડૂત કે કોઈપણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે એવુ આયોજન કરાશે.
આ ઉપરાંત તમામ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિ પર વિદ્યાર્થીઓ પીએચડી પણ કરી શકે એવુ આયોજન છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ પ્રાકૃતિક કૃષિ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સામેલ કરાય એવુ આયોજન વિચારાયુ છે.
દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર પ્રાકૃતિક ખેતીને કૃષિ યુનિવર્સિટીઓ અને અન્ય વિશ્વવિદ્યાલયોમાં પાઠ્યક્રમમાં સામેલ કરવા માટે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલની અધ્યક્ષતામાં સાત સભ્યોની એક વિશેષજ્ઞ સમિતિનું ફેબ્રુઆરી-૨૦૨૨ માં ગઠન કરવામાં આવ્યું હતું. પાંચ મહિના દરમિયાન આ સમિતિએ ગુજરાતના રાજભવનમાં અનેક બેઠકો કરી, ઓનલાઈન મીટીંગો કરી હતી. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના કિસાનો સાથે મુલાકાતો કરી. એટલું જ નહીં, અન્ય દેશોના અભ્યાસક્રમોનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ સમિતિએ અનેક સંશોધનો પછી તૈયાર કરેલો અભ્યાસક્રમ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને મોકલવામાં આવ્યો હતો. તમામ વિષય નિષ્ણાતોએ આ અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેને આખરી ઓપ આપ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ પહેલ અને અભૂતપૂર્વક પ્રોત્સાહન માટે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડૉ. નીલમ પટેલે સમિતિના તમામ સભ્યો વતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર માન્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશની નજર ગુજરાત ભણી છે. આપણે આ દિશામાં ખુબ મોટું કામ કરી રહ્યા છીએ. ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના આ સમૂહની બેઠકો નિયમિત રીતે મળતી રહે અને સતત વિચાર વિમર્શ થતો રહે એવુ પણ તેમણે સૂચન કર્યું હતું. ભારતનો પ્રાકૃતિક કૃષિનો આ અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ આકર્ષી શકશે, એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ ભારતને ચોક્કસ 'વિશ્વગુરુ' બનાવશે.
ભારત આજે પ્રતિવર્ષ ૨,૫૦,૦૦૦ કરોડ રૂપિયા યુરિયા અને ડીએપીખાતરની આયાતમાં ખર્ચે છે. રાસાયણિક ખાતર પાછળ આટલો ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ. ધરતીને ઝેરી બનાવીએ છીએ અને એ રીતે ઉગેલું ધાન ખાઈને કેન્સર જેવી બીમારીઓનોતરીએ છીએ. આ દિશામાં ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. એટલું જ નહીં, ગ્લોબલવૉર્મિંગ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો બીજો કોઈ ઈલાજ માનવજાત પાસે નથી. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણનું પ્રદૂષણ પણ અટકે છે. યુનેસ્કોના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, યુરિયા, ડીએપી અને કીટનાશકનાઅંધાધુંધઉપયોગથીઆવનારા ૫૦ વર્ષ પછી સમગ્ર વિશ્વની ધરતી બિનઉપજાઉ થઈ જશે એમાં કોઈ શંકા નથી. પ્રાકૃતિક કૃષિથી ધરતીમા ઓર્ગેનિક કાર્બન વધશે. ભૂમિની ફળદ્રુપતા વધશે તો ઉત્પાદન પણ વધશે અને તો જ કિસાન આત્મનિર્ભર બનશે.
પ્રાકૃતિક કૃષિને 'ઈશ્વરીય કાર્ય' ગણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવો હશે, ભૂમિની ફળદ્રુપતા અકબંધ રાખવી હશે અને ગૌસંરક્ષણ કરવું હશે તો પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. આ માટે સમર્પિત કાર્યની આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે, સૂર્યનો ઉદય થતાની સાથે જ અંધારું આપોઆપ ગાયબ થઈ જાય છે તેમ પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનો ઉકેલ છે.
પ્રાકૃતિક ખેતીના પાઠ્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની આ બેઠકમાં ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, રાજ્યપાલશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી રાજેશ માંઝુ, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડૉ. નીલમ પટેલ, સમિતિના સભ્ય સચિવ અને ડૉ. યશવંતસિંહ પરમાર વિશ્વવિદ્યાલય, નૌની, હિમાચલ પ્રદેશના કુલપતિ ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલ, વિષય નિષ્ણાત શ્રી ડૉ. બલજીતસિંહસહરાન, ડૉ. સુનીતાપાંડે, ડૉ. સુભાષવર્મા, શ્રી આશીષ ગુપ્તા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર ગોટીયા અને ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટિમ્બડિયા ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ