ધી મેસેજ દૈનિક, સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૩.૭.૨૦૨૨

પાલનપુર રેલવે સ્ટેશન ઉપર દોઢ માસ અગાઉ ખુલ્લા મુકાયેલા અંડર પાસમાં સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરાવો

ઉદ્ઘાટનની તકતીના પિલ્લર નીચે જ ભૂવો પડ્યો: કોન્ટ્રાકટર અને રેલવેના અધિકારીઓની લાલીયાવાડીનો પર્દાફાશ

વીજ કરંટના લીધે એસ્કેલેટર  બંધ કરાયું અને અંડર પાસમાં પાણીનો ભરાવો થતાં મુસાફરો માટે "જાયેં તો કહાં જાયેં" જેવી સ્થિતિ સર્જાઇ

પાલનપુર રેલ્વે સ્ટેશન ઉપર તાજેતરમાં બનાવેલ અને દોઢ માસ અગાઉ ખુલ્લા મુકાયેલા અંડર પાસમાં સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરાવો થતા અને ઉદ્ઘાટનની તકતીના પિલ્લર નીચે જ મોટો ભૂવો પડતાં અંડર પાસનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને રેલવેના અધિકારીઓની બેદરકારી અને લાલીયાવાડીનો પર્દાફાશ થવા પામ્યો છે. અધૂરામાં પૂરું મુસાફરોની સવલત માટે લગાડવામાં આવેલ એસ્કેલેટરમાં પણ વીજ કરંટ આવતા તેને તાત્કાલિક અસરથી મુસાફરો માટે બંધ કરવામાં આવ્યું હતું. આમ એક બાજુ એસ્કેલેટર બંધ કરાયું અને બીજી બાજુ રેલવેના અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો એટલે મુસાફર આલમ માટે "જાયેં તો કહાં જાયેં" જેવી સ્થિતિ સર્જાઇ હતી. 
મુસાફરોને રેલવેના પાટા અને રેલિંગ ઓળંગીને પ્લેટફોર્મ ઉપર જવાનો વારો આવ્યો હતો. જેમાં મુસાફરોને સામાન ઊંચકીને જવું પડયું હતું. જેના કારણે બાળકો, મહિલાઓ તેમજ સિનિયર સિટીઝન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વળી, રેલવેના અધિકારીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી બીજો રસ્તો દૂર બનાવેલ હોઈ વયોવૃદ્ધ મુસાફરોને ત્યાં થઈને જવામાં આંખે પાણી આવી ગયા હતા. અંડર પાસમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે રેલવે તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી બહાર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મોડે સુધી પાણી ન નીકળી શકતા આખો દિવસ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે અંડર પાસની કામગીરીમાં લાલીયાવાડી ચલાવનાર કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી સામે આંખ આડા કાન કરનાર રેલવેના અધિકારીઓ સામે વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને યાત્રિકોને ચોમાસાની ઋતુમાં હવે કોઈ મુશ્કેલી ના થાય તે માટે અંડર પાસમાં ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ હવે એસ્કેલેટરમાં પણ વીજ કરંટ ન આવે એ પ્રકારની કામગીરી કરાવવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
********************************************
મૌલાના અબુલ કલામ આઝાદ ગ્રાઉન્ડ   ઉપર કરાતા બાંધકામનું સ્થળ બદલવા કોંગ્રેસ દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર અપાયું

પાલનપુરમાં સલેમપુરા દરવાજા બહાર આવેલ ઐતિહાસિક મૌલાના અબુલ કલામ આઝાદ ગ્રાઉન્ડ ઉપર વચ્ચેના ભાગમાં આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી. બનાવવા માટેનું બાંધકામ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બાંધકામ તાત્કાલિક અસરથી અટકાવી ગ્રાઉન્ડના વચ્ચેના ભાગને યથાવત રહેવા દઈ આગળના ભાગે પી.એચ.સી. બનાવવામાં આવે તેવી માંગણી સાથે પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અંકિતા ઠાકોરની આગેવાની હેઠળ શનિવારે જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. 
જેમાં જણાવાયું છે કે, "પાલનપુરના વોર્ડ નં.૪ના સલેમપુરા દરવાજા બહાર આવેલ " મૌલાના આઝાદ " નામે ઓળખાતા રમત ગમતના મેદાનમાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા બાંધકામ ચાલુ કરવામાં આવેલ છે. જે બાળકોના રમત ગમતનું એક માત્ર સાધન હોવા છતાં સરકારશ્રીએ આરોગ્ય વિભાગને પી.એચ.સી. બનાવવા માટે જગ્યા ફાળવેલ છે. જે પણ જાહેર હિતની બાબત હોઈ અમો શહેરીજનોને કોઈપણ પ્રકારનો વાંધો નથી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી. બનાવવા માટેનો જે પ્લાન બનાવેલ છે તેમાં ગ્રાઉન્ડના વચ્ચેના ભાગમાં બાંધકામ ચાલુ થતું હોઇ બાળકોના રમત ગમત માટેની જગ્યા વિખેરાઈ જતી હોઈ આ મેદાન યથાવત રાખી આગળના ભાગમાં બાંધકામ કરવા માટે પુનઃ વિચારણા કરવા બાબતે દરખાસ્ત કરી હાલમાં ચાલુ થતું બાંધકામ તાત્કાલિક અસરથી અટકાવવા વિનંતી છે. ઉપરાંત આ મેદાનની જુના રેકર્ડ મુજબ માપણી કરવામાં આવે તો આ મેદાન માટે બીજી વિશાળ જગ્યા પણ ખુલ્લી થઈ શકે તેમ છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરવામાં આવતા પી.એચ.સી. માટે અલાયદી જગ્યા મળી શકે તેમ છે. જેથી અમારી આ અરજને ધ્યાને લઈ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવા મહેરબાની કરશો."
આ પ્રસંગે પૂર્વ પાલિકા સભ્ય ઈબ્રાહીમ મલેક, ઈબ્રાહીમ સિંધી, મહામંત્રી જાકીર ચૌહાણ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશ ચૌહાણ, મ્યુ. સભ્ય મહંમદ મન્સુરી, આશાબેન રાવલ, સાહિલ કુરેશી, અબરાર શેખ, સરફરાઝ સિંધી અને કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.
આ મેદાન ઉપર પાલનપુરના ઘણા ખેલાડીઓએ ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ જેવી રમતો રમી પ્રગતિ કરી છે. હાલમાં પણ આ મેદાન ઉપર યુવાનો ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ સહિતની રમતો રમે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે પુનઃ વિચારણા કરીને આ મેદાનને રમત ગમત માટે યથાવત રાખવાનો નિર્ણય કરવો જોઈએ તેમજ આ મેદાનને બચાવવા માટે ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ પણ આગળ આવવું જોઈએ તેવી સ્થાનિક લોકોમાં માંગ ઊઠવા પામી છે.
********************************************
ભેમાળની ઘટના મામલે દાંતા પીએસઆઇ શ્રી જાદવની કામગીરીની પ્રશંસા
(હાજી આદમભાઈ વગદીયા દ્વારા)
આદિવાસી સમાજની બહુમતી વસ્તી ધરાવતા દાંતા તાલુકાના ભેમાળ ગામમાં એક પ્રકરણમાં દાંતા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. જેમાં સામેવાળા વ્યક્તિ પર એટ્રોસીટીનો કેસ કરાવવા માટે મોટું પ્રેશર લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે દાંતા પીએસઆઇ શ્રી જાદવે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરાવી આ પ્રકરણમાં એટ્રોસીટીનો ગુનો નોંધી શકાય તેમ ન હોવાથી તેમણે એટ્રોસીટીનો ગુનો ન નોંધી પોલીસને બિનજરૂરી દસ્તાવેજી કામગીરીથી બચાવી હતી. ઘણા કિસ્સામાં પોલીસ રાજકીય પ્રેશરના કારણે એટ્રોસીટીનો ગુનો તો નોંધી દેતી હોય છે. પરંતુ નામદાર કોર્ટમાં કેસની સુનાવણી વખતે સાક્ષીઓની જુબાની દરમિયાન એટ્રોસીટીનો ગુનો જ ન બનતો હોવાનું તથ્ય બહાર આવે ત્યારે કોર્ટમાં પોલીસને જ સાંભળવાનો વારો આવે છે ત્યારે ભેમાળની ઘટનામાં પીએસઆઇ શ્રી જાદવે પોતાની કુનેહનો પરિચય આપતાં સમગ્ર પંથક અને દાંતા તાલુકામાં પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે.
********************************************
વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રીના સોશીયલ મિડીયામાં વાયરલ થયેલ પત્રનું ગ્રામ પંચાયત સમર્થન કરતી નથીઃ વહીવટદારની સ્પષ્ટતા

હાલમાં શ્રી મફીબેન વીરાભાઈ પટેલ વાઘાસણના ગૃપ ગ્રામ પંચાયતના હોદ્દા ઉપર નથીઃ થરાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી
(માહિતી બ્યુરો, પાલનપુર) 
           તા.૩૦/૦૬/૨૦૨૨ ના રોજ થરાદ તાલુકાના વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી મફીબેન વીરાભાઈ પટેલના નામના સહી/સિકકાવાળો લેટરપેડ સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો. વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે ગામમાં દુકાન ધરાવતા વેપારીઓને ઉદેશીને લખ્યું હતું કે, મુસ્લીમ સમાજમાંથી આવતા ફેરીયાઓ (વેપારી) પાસેથી કોઇએ સામાન લેવો નહીં અને કોઇ વેપારી સામાન લેતાં નજરે પડશે તો તેમની પાસેથી રૂ.૫,૧૦૦/-દંડ લેવામાં આવશે અને તે દંડનો ફાળો ગૌશાળામાં આપવામાં આવશે તેવો મેસેજ લેટરપેડના માધ્યમથી સોશીયલ વાયરલ થયો હતો. 
           આ બાબતે વાઘાસણ ગ્રામ પંચાયતના વહીવટદારશ્રી આર.આર.ચૌધરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, અમોને સોશીયલ મિડીયાના માધ્યમથી આ લેટરપેડના લખાણ અંગે જાણ થઇ છે. હાલમાં શ્રી મફીબેન વીરાભાઈ પટેલ વાઘાસણના ગૃપ ગ્રામ પંચાયતના હોદા ઉપર નથી. વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન થઈ અને વાઘાસણ ગ્રામ પંચાયત અલગ થયેલ છે અને તા.૦૨/૧૧/૨૦૨૧ થી વહીવટદારની નિમણૂંક થયેલ છે. હાલમાં ગ્રામ પંચાયત વાઘાસણના વહીવટદાર તરીકે શ્રી આર.આર.ચૌધરી તલાટી કમ મંત્રી સવપુરા કાર્યરત છે. આમ, આ લેટરપેડ હાલની વાઘાસણ ગ્રામ પંચાયત દ્વારા લખવામાં આવ્યો નથી તેમજ વાઘાસણ ગ્રામ પંચાયત તેનું સમર્થન કરતી નથી. તેમજ લેટરપેડમાં જણાવેલ તમામ બાબતોને નકારે છે તથા અમો ગ્રામ પંચાયત દ્વારા લેટરપેડમાં જણાવેલ દંડ બાબતે કોઈ જોગવાઈ કરી નથી તેમજ આ બાબતે ખોટી અફવાઓ ફેલાવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતનો ગ્રામ પંચાયત વાઘાસણ દ્વારા સરકયુલર ઠરાવ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાને જાણ થવા થરાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
********************************************
યાત્રાધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે અંબાજીના વિવિધ સ્થળોની મુલાકાત લેતા મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર


 અંબાજી સર્કિટ હાઉસ ખાતે અંબાજીના વિકાસ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ


(માહિતી બ્યુરો, પાલનપુર)
        રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની એક દિવસની મુલાકાત લઈને અંબાજીના સર્વાંગી વિકાસ માટે વિવિધ સ્થળોની જાત મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરીને અંબાજીના વિકાસ અંગેની વિગતો મેળવી હતી ત્યારબાદ તેમણે તેલીયા નદી પર આવેલ પુલ અને રીંછડીયા ડેમની મુલાકાત લઈ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેક ડેમો બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કુંભારિયા જૈન દેરાસર અને અંબાજી નજીક આવેલ આરસની ખાણોની મુલાકાત લીધી હતી. અંબાજીને જોડતા  રસ્તાની બંન્ને બાજુ પ્લાન્ટેશન કરવા અધિકારીઓને સુસના આપી હતી.
        મુખ્ય સચિવશ્રીએ SAPTI (સ્ટોન આર્ટિઝન  પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ)ની મુલાકાત લઈ તાજેતરમાં  યોજાયેલ શિલ્પોત્સવ તથા SAPTIની પ્રવૃત્તિઓની વિગતો મેળવી હતી. તેમણે  કુંભારિયા ખાતે નિર્માણ પામેલ રહેલ વિચરતી- વિમુક્ત જાતિની વસાહતની મુલાકાત અને દિવાળીબા ભવન ખાતે નિર્માણ પામનાર પીપીપી મોડેલ આધારિત નવા ભવનની જગ્યાની મુલાકાત લીધી હતી.
          મુખ્ય સચિવશ્રીએ અંબાજી સર્કિટ હાઉસ ખાતે અંબાજીના વિકાસ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને યાત્રાધામ અંબાજીને ટુરીઝમ હબ તરીકે વિકસે તેમજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુક્લાએ અંબાજીના વિકાસ અંગે વિવિધ વિભાગોન‍ું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.
       મુખ્ય સચિવશ્રીની મુલાકાત પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અરુણકુમાર સોલંકી, ભૂસ્તર અને ખનીજ વિભાગના કમિશનરશ્રી રૂપવંતસિંઘ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટરશ્રી રાજકુમાર બેનીવાલ, મુખ્ય વન સંરક્ષકશ્રી યુ.ડી.સીંગ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષરરાજ મકવાણા, મંદિરના વહીવટદારશ્રી આર.કે.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ