ધી મેસેજ દૈનિક, સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૬.૦૭.૨૦૨૨

કપરા સંજોગોમાં ફરીથી જીવનદાતા બની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા 

પાલનપુર ૧૦૮ની ટીમે ૧ કિલોમીટર ચાલીને સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

પાલનપુર ૧૦૮ની ટીમને ગત રાત્રે સદરપુર ગામે અંદાજે ૦૩:૩૦ વાગ્યાની આસપાસ ડિલિવરીનો કૉલ મળતા ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા ૧૦૮ એમ્બ્યુલન્સના તાલીમબધ્ધ કર્મચારીઓ એક ક્ષણનો પણ વિલંબ કર્યા  વગર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચતા દર્દીના સગા જોડે વાત કરતા તેમને ખબર પડી હતી કે, દર્દી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નથી અને દર્દીને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. જેથી ૧૦૮ના EMT ધવલભાઈ અને તેમના સાથી પાઇલોટ મહેન્દ્ર ભાઈ જરૂરી સ્ટ્રેચર ( સ્પાઇન બોર્ડ , ઝોલી સ્ટ્રેચર , ડિલિવરી કીટ ) લઈને રાત્રીના સમયે અંદાજે  ૧ કિલોમીટર ચાલી ને ખેતરમાં પહોચ્યા હતા અને દર્દી રવીબેન જયંતી ભાઈ (ઉં. ૨૬) ને પ્રસુતિ પીડા નો દુખાવો ખૂબ જ હોવાથી તેમની ઘટના સ્થળ પર જ ડિલિવરી કરાવી પડે એવી હતી. જેથી તેમણે તાત્કાલિક ૧૦૮ હેડ ઑફિસ  અમદાવાદ સ્થિત ERCP ડૉ. શ્રીની સૂચના હેઠળ સફળ પ્રસૂતિ કરાવી હતી દરમિયાન બાળક રડતું ન હોવાથી તેનામાં ઓક્સિજન ઓછું હોવાથી તેને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. બાળકના મોઢામાં વધુ  પ્રવાહી હોવાથી તેને સકશન વડે સાફ કરીને તાત્કાલિક ૧૦૮ના પાઈલોટ મહેન્દ્રભાઈની મદદથી સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સમાં લીધા બાદ સારવાર આપીને બંનેને પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડયા હતા.
____________________________________________
ચંડીસર ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવતાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે: કુબેરભાઇ ડિંડોર

(માહિતી બ્યુરો, પાલનપુર) 
         ગુજરાતના ૨૦ વર્ષના વિકાસ અને વિશ્વાસને વંદન કરવા આજથી સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ચંડીસર ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડુતોને પાક સંરક્ષણ સાધનોના મંજુરી પત્રો, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી બહેનોને કીટ, સો ટકા વેક્શીનેશન કરનાર ચંડીસર ગામના સરપંચ શ્રીમતી રશ્મિકાબેન છાપીયાનું સન્માન કરાયું હતુ. 
આ પ્રસંગે મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું કે, ૨૦ વર્ષનો વિકાસ અને ૨૦ વર્ષના પ્રજાના વિશ્વાસનો સંદેશો લઇને આજથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આપણી આઝાદીના ૭૫ વર્ષ થઇ રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી પછી ૪૫ વર્ષમાં ન થયો હોય તેટલો વિકાસ છેલ્લા ૨૦ વર્ષમાં થયો છે જે આ સરકારની નીતિઓને અભારી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં વોટબેંકની રાજનીતિના આધારે સરકારો ચાલતી હતી, આજે વિકાસની રાજનીતિના લીધે વિકાસના ફળ છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ વિકાસકૂચના લીધે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં આમૂલ અને ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળીને દેશનું ભાગ્ય બદલ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વગુરૂ બનવા તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે.
           મંત્રીશ્રીએ કહ્યું કે, આજથી શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટો અને ૬ નગરપાલિકા વિસ્તારમાં તા. ૧૯ જુલાઇ સુધી પરિભ્રમણ કરશે. આ દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગરીબોની ચિંતા કરી તેમને રહેવા માટે પાકા ઘર, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે પુરી પાડી છે. તેમણે શિક્ષણ પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનના લીધે દિકરીઓ ભણી- ગણીને આગળ વધી રહી છે. તેમણે વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દિકરા- દિકરી વચ્ચે ભેદ રાખ્યા સિવાય તેમને ઉચ્ચ શિક્ષણ અપાવીએ. તેમણે ઉમેર્યુ કે, ઉચ્ચ શિક્ષણ માટે આ વર્ષથી તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસમાં મુસાફરીની યોજના અમલી બનાવી છે. આમ, દરેક વ્યક્તિ અને સમાજના સર્વાગી વિકાસ માટે આ સરકાર કટીબધ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતુ.    
           આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલે છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા વિકાસની વાત કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લાનો પશ્વિમ વિસ્તાર પીવાના પાણી માટે વલખાં મારતો હતો. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠામાં નર્મદાના નીર લાવીને હરીયાળી ક્રાંતિ લાવી છે. નર્મદાના નીર આવવાથી લોકોની સમસ્યાઓ દૂર થઇ છે. તેમણે કહ્યું કે, આજથી ૨૫ વર્ષ પહેલાં શાળાઓની કેવી દુર્દશા હતી, બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં રાજ્યમાં સૌથી છેલ્લે હતો, આજે આ જિલ્લાએ શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગામડાઓમાં ૨૪ કલાક વીજળી એ આ સરકારની દેન છે તેમ તેમણે જણાવ્યું હતુ. 
            આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં જે વિકાસ થયો છે તેની યાદ અપાવવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ગામડાઓને જોડતા પાકા રસ્તાઓ, નલ સે જલ યોજનામાં ઘર સુધી નળ કનેક્શન, શિક્ષણ માટે સુંદર શાળાઓ, વીજળી સહિત નરી આંખે જોઇ શકાય તેવો વિકાસ આ સરકારે છે.  
          આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ચંડીસર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના શેડનું ખાતમૂર્હત અને શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી મોતીભાઇ પાળજા, શ્રી ભગુભાઇ કુગશીયા, શ્રી મેરૂજી ધુંખ, શ્રી ગણેશભાઇ પટેલ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ

• ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું

• States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' જાહેર થયુ

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, તાજેતરમાં જાહેર થયેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ બન્યુ છે. નોંધનીય છે કે, ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું છે. એટલુ જ નહિ, States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' જાહેર થયુ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપુર્ણ બાબત છે.
મંત્રી શ્રી વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બિઝનેશ રિફોમ્સ એકશન સ્ટેટ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. ૯૦ ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાત સમગ્ર દેશભરમાં દ્વિતિય નંબર હાંસલ કર્યો છે. આ ક્ષેત્રમાં આગામી સમયમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સઘન અને સમયબધ્ધ આયોજન થકી અસરકારક કામગીરી કરશે.
તેમણે ઉમેર્યુ કે, આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરવા નિયમોનાં સરળીકરણ થકી રોકાણોને પ્રોત્સાહન આપવા ડીપીઆઇઆઇટીની પાંચમી આવૃત્તિમાં દેશનાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૦૧ રિફોર્મ્સ સુચવવામાં આવ્યા હતા. ૧૫ જેટલા જુદા જુદા ક્ષેત્રોને આવરી લેતા આ રિફોર્મ્સમાં રોકાણની ક્ષમતા, ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા અને વાણિજિયક વિવાદ લવાદનું નિવારણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. એક્ષપોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્સ ૨૦૨૦ અને ૨૦૨૧માં ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે. એટલુ જ નહિ, ગુજરાત વિદેશી મુડીરોકાણમાં પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ડોમેસ્ટીક મુડીરોકાણમાં પણ ગુજરાતે ૧.૦૫ લાખ કરોડનું મુડીરોકાણ કરી, દેશમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. આ બધી પહેલનાં પરિણામે રાજયને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કીંગમાં ટોપ એચિવર તરીકે સ્થાન પ્રાપ્ત થયુ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
મંત્રીશ્રી વાઘાણીએ કહ્યુ કે, States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' જાહેર થયુ છે તે બદલ કેબિનેટ બેઠકમાં ટીમ ગુજરાતને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ. ગુજરાતને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં પણ 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
____________________________________________
રાજયમંત્રી મંડળની બેઠકમા લેવાયેલ મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે બનાસકાંઠાના કરમાવત તળાવને રૂ.૫૫૦ કરોડના ખર્ચે પાઈપ લાઈનથી ભરવા સૈધ્ધાંતિક મંજૂરી

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ૯ તાલુકાના ૯૭ ગામે નર્મદાના નીર પહોંચાડવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. રૂ.૫૫૦ કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામના કરમાવત તળાવને નર્મદાના નિરથી ભરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
પ્રવકતા મંત્રીશ્રી ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ત્રણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના લોકોની તથા ભારતીય કિસાન સંઘ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા નર્મદાના નીરથી જલોત્રા ગામના કરમાવદ તળાવ ભરવાની રજુઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, કરમાવદ તળાવમાં નર્મદાના નીર પહોંચાડવા માટે નર્મદા મુખ્ય નહેરની સાંકળ-૩૧૧ કિ.મી. પરથી ઓફટેક થતી મોઢેરાથી મોટીદાઉ સુધીની એમ.એસ પાઇપલાઇનને મુકતેશ્વર જળાશય સુધી લંબાવીને મુકતેશ્વર જળાશય તથા ત્યાંથી કરમાવત તળાવને જોડતી પાઇપલાઇનની અંદાજીત રૂ.૫૫૦કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત મહેસાણા તાલુકાના મોટીદાઉથી વડગામ તાલુકાના કરમાવદ તળાવ સુધી આશરે ૭૦ કિ.મી. લંબાઇની એમ.એસ. પાઇપલાઇન નાંખવામાં આવનાર છે. જે પૈકી મુક્તેશ્વર જળાશય સુધી ૨૦૦ ક્યુસેક વહનક્ષમતા ધરાવતી પાઇપલાઇન તથા ત્યારબાદ કરમાવદ તળાવ સુધી ૧૦૦ ક્યુસેક વહનક્ષમતા ધરાવતી પાઇપલાઇન નાંખવાનું આયોજન કરાયું છે. આ પાઇપલાઇન થકી મોટીદાઉ થી આશરે ૨૮૦મીટરની ઉંચાઇ પર નર્મદાનું પાણી લીફ્ટ કરી કરમાવદ તળાવ સુધી પહોંચાડવામાં આવશે.
તેમણે કહ્યુ કે, આ પાઇપલાઇન યોજનાથી કરમાવદ તળાવ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ