ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૮.૦૭.૨૦૨૨
ધી મેસેજ દ્વારા જાન્યુઆરીમાં વ્યક્ત કરવામાં આવેલ દહેશત આખરે સાચી પડી...
ભૂગર્ભ ગટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ચલાવેલી લાલીયાવાડીના કારણે મીરાગેટ પાસે ફરી ભૂવો પડ્યો
કોન્ટ્રાકટર પાસે ત્રણબત્તીથી મીરાગેટ ચાર રસ્તા સુધીની લાઈન ફરીથી ખોદાવી અંદર થઇ રહેલ પાણીના લીકેજનું સમારકામ કરાવવામાં આવે તે જરૂરી
વર્તમાન સ્થિતિ....
જાન્યુઆરીની તસ્વીર....
પાલનપુરમાં કરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભૂગર્ભ ગટરની આ કામગીરી દરમિયાન ભ્રષ્ટ અને અણઘડ કોન્ટ્રાક્ટરે પાલનપુર નગરપાલિકાએ બનાવેલ પાલનપુર નગરપાલિકાની માલિકીના રોડ-રસ્તા આડેધડ રીતે તોડીને રમણ ભમણ કરી નાખ્યાં હોવા છતાં ભ્રષ્ટાચારી બાંધકામ એન્જિનિયર અર્ચિત પટેલ અને પૂર્વ ભ્રષ્ટ ચીફ ઓફિસર સતીષ પટેલ એક જ વાતનું ગાણું ગાતા આવ્યાં હતાં કે, ભૂગર્ભ ગટરની આ કામગીરી સાથે નગરપાલિકાને કોઈ લેવાદેવા નથી. ભૂગર્ભ ગટરની કામગીરીના લાપરવાહ અને બેજવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તા તોડી નાખવામાં આવ્યા બાદ હજુ સુધી ઘણા વિસ્તારોમાં તૂટેલા રોડ-રસ્તાઓનું સમારકામ પણ કરાવેલ નથી. ભૂગર્ભ ગટરની કામગીરીના આ કૉન્ટ્રાક્ટરે ગત જાન્યુઆરી માસમાં મીરા ગેટ ચાર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરની કામગીરી કરીને કામ આટોપી લીધા બાદ અગમ્ય કારણોસર મીરા ગેટ બહાર ચાર રસ્તા પાસે ફરી કામગીરી શરૂ કરી હતી. તેણે ફરીથી ચાર રસ્તાની વચ્ચોવચ ઊંડો ખાડો ખોદીને કામ શરૂ કરાવ્યું હતું. એ વખતે લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, કૉન્ટ્રાક્ટરે એવો તે કેવો લોચો માર્યો કે એક વખત કામ થઈ ગયાં પછી ફરીથી ઊંડો ખાડો ખોદવાનો વારો આવ્યો? મીરા ગેટ બહાર ફરીથી શરૂ થયેલી કામગીરીને કારણે રાહદારીઓ, વાહનચાલકો અને શાળાએ જતા આવતાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન આ કોન્ટ્રાક્ટરે ભારે લાલિયાવાડી ચલાવી હોઇ નગરપાલિકાની માલિકીની પાણીની પાઈપલાઈનોમાં ઠેર ઠેર ભંગાણ થયેલું છે. દરમિયાન એ વખતે મીરા ગેટ પાસે જ તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ પાણીની પાઇપલાઇનમાં ફરી ભંગાણ થતાં એ અરસામાં જ બનાવેલો સીસી રોડનો શરૂઆતનો કેટલોક ભાગ તૂટી જવા પામ્યો હતો. અધૂરામાં પૂરું નગરપાલિકાના પાણી પુરવઠા શાખાના કામદારોએ આ લીકેજનું સમારકામ કરવા માટે એ જ દિવસે બુધવારે સાંજે મીરા ગેટથી સોનબાગ તરફ જતાં સીસી રોડનો આગળનો ભાગ તોડીને સમારકામ કર્યું હતું. એ વખતે ધી મેસેજે અહેવાલ પ્રસિધ્ધ કરી કોન્ટ્રાક્ટરની લાલીયાવાડીનો પર્દાફાશ કર્યો હતો અને દહેશત વ્યક્ત કરી હતી કે, આગામી સમયમાં અહીં ફરી ભૂવો પડશે અને ત્રણ દિવસ અગાઉ એટલે કે ૬ જુલાઈએ એ જ જગ્યા ઉપર ભૂવો પડતા ધી મેસેજે વ્યકત કરેલી દહેશત સાચી પડી છે. ભૂગર્ભમાં પાણીના લીકેજની આવી જ પરિસ્થિતિ સોનલ સ્વીટ પાસેના રસ્તા ઉપર પણ રોજ સર્જાય છે તે જોતાં ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાકટર પાસે ત્રણબત્તીથી મીરાગેટ ચાર રસ્તા સુધીની લાઈન ફરીથી ખોદાવી અંદર થઇ રહેલ પાણીના લીકેજનું સમારકામ કરાવવામાં આવે તે જરૂરી છે.
____________________________________________
વંદે ગુજરાત વિકાસ યાત્રા:
બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં જઈને સરકારશ્રીની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત સરકાર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તારીખ ૦૫ જુલાઈ થી ૧૯ જુલાઈ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિકાસ યાત્રા દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં ચાર રૂટ પ્રમાણે ચાર રથ મૂકવામાં આવ્યા છે. જે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં જઈને સરકારશ્રીની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરશે. જે ગામમાં રથનું રાત્રિ રોકાણ થશે ત્યાં કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ કલાકારોને આવરી લઈ તેમના દ્વારા લોકડાયરા અને ભવાઈ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ એન. સોનીએ જણાવ્યું છે.
__________________________________________
તા.૨૫ થી ૨૯ જુલાઈ દરમ્યાન ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે ચિલ્ડ્રન પેંટિંગ વર્કશોપનું તારીખ ૨૫ થી ૨૯ જુલાઈ દરમ્યાન આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશૉપનો હેતુ બાળકોની ચિત્રકલામાં રુચિ વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈ ૬ થી ૧૪ વર્ષ સુધીના ૧૦૦ બાળકોએ ભાગ લેવાનો રહેશે. ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, S-21/૨જો માળ, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ પાલનપુર ખાતેથી તારીખ ૨૦/૦૭/૨૦૨૨ સુધીમાં ફોર્મ મેળવી તથા ભરીને જમા કરાવવાનું રહેશે. જેમના ફોર્મ મળેલ હશે તેમને વર્કશોપની જાણ કરવામાં આવશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ એન. સોનીએ જણાવ્યું છે.
__________________________________________
"નેત્રદાન મહાદાન"
તીર્થ મહેતાના અકાળે અવસાન બાદ નેત્રદાન કરી પરિવારે માનવતા મહેંકાવી
સ્વ. તીર્થના માતા-પિતા અને દાદીએ અગાઉથી જ અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરેલ છે
પાલનપુરમાં રહેતા જિજ્ઞાસુભાઈ મહેતાના સુપુત્ર તીર્થ મહેતાનું ૩૧વર્ષની નાની ઉંમરે અકાળે અવસાન થતાં તેમના પરિવારજનોએ તેમના નેત્રનું દાન કરી માનવતા મહેંકાવી છે. તેમણે એ માટે જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના જયેશભાઈ સોનીનો સંપર્ક કરી તેમના સ્વ. પુત્રના નેત્રનું દાન કરવા માટે ઇચ્છા વ્યક્ત કરતા જયેશભાઈ સોનીએ મેદાણી આઇ હોસ્પિટલ ખાતે આઈ ડોનેશન કાઉન્સિલર જયશ્રીબેનને આ અંગે જાણ કરી હતી. જેથી જયશ્રીબેને પોતાની ટીમ અને ડોક્ટર સાથે જિજ્ઞાસુભાઈ મહેતાના ઘરે જઈને તેમના સ્વ. પુત્ર તીર્થના નેત્રનું દાન લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ નેત્રદાનથી બે વ્યક્તિઓનો અંધાપો દૂર થશે તથા મેડિકલ સાયન્સમાં રિસર્ચ માટે પણ આ નેત્રો કામમાં આવશે. જન સેવા ગ્રુપે જિજ્ઞાસુભાઈ મહેતાના પરિવારને નેત્રદાન કરવાના તેમના મહત્વના નિર્ણય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જીજ્ઞાસુભાઈ મહેતા, તેમના પત્ની અને તેમના માતૃશ્રી દ્વારા તેમના દેહદાન અને અંગદાનનું સંકલ્પપત્ર આ અગાઉ જ જન સેવા ગ્રુપ ખાતે જમા કરાવવામાં આવેલ છે. જન સેવા ગ્રુપે તેમના કુટુંબની આ ઉદાર ભાવનાને બિરદાવી છે. આ સેવા કાર્ય દરમિયાન ગ્રુપના જયેશભાઈ સોની, રાજુભાઈ સૈની તથા આઇ હોસ્પિટલ દ્વારા જયશ્રીબેન, ડો. શ્રદ્ધાબેન ગુપ્તા અને તેમના સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.
ટિપ્પણીઓ