ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૯.૦૭.૨૦૨૨
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો ચોથો દિવસઃ બનાસકાંઠા જિલ્લામાં ચાર રથોનું પરિભ્રમણ
ધાનેરા તાલુકાના આલવાડા અને લાખણી તાલુકાના ચાળવા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સામૈયા કરી ભવ્ય સ્વાગત કરાયુઃ રથ યાત્રાના આગમન સમયે ગામોમાં ઉત્સાહભર્યો માહોલ
(માહિતી બ્યુરો, પાલનપુર)
તા. ૫ જુલાઇથી શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજના ચોથા દિવસે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા, લાખણી તાલુકાના ચાળવા, પાલનપુર તાલુકાના તાલેપુરા અને કાંકરેજ તાલુકાના મોટા જામપુરા ખાતે રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોથી લોકોને વાકેફ કરવા યોજાયેલ વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ગામડાઓ ઠેર ઠેર સામૈયું કરી સ્વાગત કરવામાં આવે છે. રથયાત્રાના આગમન સમયે ગામોમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાય છે.
છેલ્લા ૨૦ વર્ષ, એટલે કે બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં સિધ્ધિઓના સોપાનો સર કરીને નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહી છે ત્યારે આ વિકાસયાત્રાની જન જનને પ્રતિતિ થાય તે માટે ગામે ગામે જઇને લાભાર્થીઓને લાભોનું વિતરણ આપવામાં આવે છે. સરકારશ્રીની નીતિઓને કારણે લોકોના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે.
____________________________________________
નાણાં ધિરધાર કરનારા માટે નવીન અને રિન્યુઅલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાની જાહેર જનતાને જણાવાયું છે કે, ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૧૩માં થયેલ જોગવાઈઓને આધીન રાજ્યમાં નાણાં ધિરધારની પ્રવૃત્તિનું નિયમન કરવામાં આવે છે. જે અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. જે કામગીરી ઝડપી તેમજ સરળ બને તથા ડીજીટલ (પેપરલેસ) વહીવટના ભાગરૂપે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૨ના રોજ રાજ્યમાં ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૧૩ ની જોગવાઈ ઓનો અસરકારક અમલ માટે E- COOPERATIVE PORTAL લોન્ચ કરવામાં આવેલ છે.
રજીસ્ટ્રાર જનરલ ઓફ મની લૅન્ડર્સ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા.૧૭/૦૬/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક: વહટ/૦૧/ક/ધિરધાર/૩૨૬/૨૦૨૨થી થયેલ સૂચના મુજબ આ પોર્ટલ અન્વયે હવે પછી બનાસકાંઠા જિલ્લામાં રજીસ્ટ્રાર ઓફ મની લેન્ડર્સ કક્ષાએ ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૧૩ હેઠળ નાણાં ધિરધાર કરનારાઓના નવીન રજીસ્ટ્રેશન તેમજ રિન્યુઅલની અરજીઓ ઓનલાઈન (online) જ સ્વીકારવાની રહેશે. રજિસ્ટ્રેશન માટેની વેબસાઈટ :- www.ecooperative.gujarat.gov.in છે તેમજ હેલ્પડેસ્ક નંબર-૦૨૭૪૨-૨૫૩૭૦૫ છે. રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ સહિત તમામ પ્રક્રિયા ઓનલાઈન (online) જ રહેશે તેમ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, પાલનપુરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
દિયોદર તાલુકામાં મધ્યાન ભોજન યોજના કેન્દ્રો પર વ્યવસ્થાપકની ખાલી જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર)
દિયોદર તાલુકામાં સને.૨૦૨૨/૨૩ ના શૈક્ષણિક સત્ર માટે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો કુવાતા- કેન્દ્ર નં ૪૫, ઓઢા-કેન્દ્ર નં ૬૬, સણાદર-૧ કેન્દ્ર નં ૭૬, ફુલપુરા (કોતર વાડા)- કેન્દ્ર નં ૯૪, સોનપુરા (ધ્રાંડવ)-કેન્દ્ર નં ૧૧૬ ઉ૫૨ વ્યવસ્થાપકની ફ૨જો બજાવવા સરકારશ્રીએ નિયત કરેલ ઉચક રૂ.૧૬૦૦/-ના માનદવેતનથી ખંડ સમય માટે તદૃન હંગામી ધોરણે નિયુકિત ક૨વાની હોઈ ઉમેદવારો પાસે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉમેદવારે નિયત નમુનાનું અરજીફોર્મ વિનામૂલ્યે દિયોદર મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૬/૦૭/૨૦૨૨ સુધી કચેરીના કામકાજના દિવસે, કચેરી સમય દરમિયાન મેળવી લઈ તમામ વિગતો સંપૂર્ણભરી જરૂરી આધાર પુરાવા સાથે કચેરીની મધ્યાહજ ભોજન યોજના શાખામાં મોડામાં મોડા તા.૧૬/૦૭/૨૦૨૨, ૧૭=૦૦ કલાક સુધીમાં રૂબરૂ આપી પહોંચ મેળવી લેવાની રહેશે. અથવા તો ટપાલમાં ફક્ત આર.પી.એડી.થી મોકલવાની રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમ દિયોદર મામલતદાશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.
____________________________________________
પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણ તેમજ મતદાન મથકોના પુનર્ગઠન અંગે બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
તારીખ ૦૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષો અને ધારાસભ્યશ્રીઓની બેઠક યોજાઇ હતી.
બનાસકાંઠા જિલ્લાના દરેક વિધાનસભા મત વિભાગમાંથી ચૂંટણી અધિકારીશ્રીઓ તરફથી પ્રાથમિક દરખાસ્ત મોકલી આપવામાં આવેલી છે. તે દરખાસ્ત જિલ્લાના નિયત સ્થળોએ તા.૨૯-૦૬-૨૦૨૨ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધ કરવામાં આવેલી છે. મતદાન મથક પુનર્ગઠન દરખાસ્ત અંગે ચૂંટણી પંચની સુચનાઓ અન્વયે સંસદ સંભ્યશ્રી/ ધારાસભ્યશ્રીઓ તથા માન્ય રાજકીય પક્ષોના સલાહ- સુચનો મેળવવા માટે તા. ૦૭/૦૭/૨૨ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સેક્શન સુધારા/ ફેરબદલી જેવી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની સુચના મુજબની કાર્યવાહી હાથ ધરવાની થતી હોઇ માન્ય રાજકીય પક્ષો તથા ધારાસભ્યશ્રીઓ સાથે સુધારા- વધારા કરવા પાત્ર મતદાન મથકો અંગે ચર્ચા કરવામાં આવી હતી તથા મળેલ વાંધા- સુચનો અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી જીગ્નેશભાઇ મેવાણી, શ્રી કાંતિભાઇ ખરાડી, શ્રી શિવાભાઇ ભૂરીયા, શ્રી મહેશભાઇ પટેલ અને માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાનો લાભ લેવા માટે ગ્રામ અને તાલુકા કક્ષાએ સંપર્ક કરવોઃ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વારસદારને રૂ. ૨ લાખની સહાય મળશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજય સરકાર દ્વારા ખાતેદાર ખેડૂતો માટે ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વિમા યોજના હેઠળ ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ / કાયમી અપંગતાના કિસ્સામાં વિમા રક્ષણ આપવાની ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના અમલમાં છે. જે અંતર્ગત ખેડૂત ખાતેદાર આકસ્મિક મૃત્યુ પામે તો તેમના વારસદારોને ૧૦૦ ટકા લેખે ૨.૦૦ લાખ રૂપિયાની વિમા સહાય આપવામાં આવે છે, જ્યારે ખેડૂત ખાતેદાર અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા લેખે રૂપિયા ૧.૦૦ લાખની સહાય આપવામાં આવે છે. જેના માટે ખાતેદાર ખેડૂત ના વારસદાર દ્વારા મૃત્યુ તારીખ બાદ ૧૫૦ દિવસમાં લગત સાધનીક કાગળો સાથે અરજી કરવાની હોય છે. જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિ.પં. બનાસકાંઠાની યાદી દ્વારા જણાવ્યું છે કે ખેડૂતોને તેમના ગામમાંથી જિલ્લા કક્ષાએ અરજી/સાધનિક કાગળો આપવા આવવામાં અગવડતા ન પડે અને સહેલાઈથી તાલુકા કક્ષાએ ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજનાનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી હવેથી આ યોજનાની અરજીઓ/સાધનીક કાગળો અંગે ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે અને આપી શકાશે અથવા તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરી ખેડૂતોએ ખેડૂત ખાતેદાર અકસ્માત વિમા યોજનાની અરજી/સાધનિક કાગળો આપવાના રહેશે. જેથી જિલ્લાના તમામ ખેડૂતોને જિલ્લા કક્ષાએ કેસો આપવા આવવાની જરૂરિયાત નથી તાલુકા કક્ષાએથી અરજીઓ ભલામણસહ જિલ્લાની કચેરીએ મોકલવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ટિપ્પણીઓ