ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૧.૦૮.૨૦૨૨
પાલનપુરમાં નવો રેલવે બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરાયો
પાલનપુરમાં છેલ્લા ઘણાં સમયથી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું. જેથી માત્ર એક રેલવે ઓવરબ્રીજ ઉપરથી જ વાહન વ્યવહાર ચાલુ હોઇ રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેના કારણે વાહન ચાલકોને ઘણાં સમય સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડતું હતું. દરમિયાન બાજુના જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું તે પૂર્ણ થતા રવિવારે આ બીજા રેલવે ઓવરબ્રીજ ઉપરથી પણ વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોએ આનંદની લાગણી અનુભવી હતી અને હવે ટ્રાફિક જામમાં રોકાવું નહીં પડે એવું કહી રાહતનો શ્વાસ લીધો હતો.
____________________________________________
યાત્રાધામ અંબાજી ખાતે સ્વચ્છતા અભિયાનના ધજાગરા : ઠેર ઠેર ખદબદતી ગંદકી
દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદસભ્યને અંબાજીના લોકોની સમસ્યા જાણવાનો કે તેનો ઉકેલ લાવવામાં રસ નથી
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એક બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ભાદરવી પૂનમના મહામેળાની તૈયારી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર અંબાજીમાં ઠેર ઠેર ગંદકી ખદબદતી જોવા મળી રહી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં અંબાજીમાં દરેક વિસ્તારોમાં કચરાના ઢગલા તૂટેલા રસ્તા અને ગટરની ચેમ્બરો ચોકઅપ જોવા મળી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઇભક્તોનો મહેરામણ ઉમટે ત્યારે આવી નર્કાગાર પરિસ્થિતિને કારણે યાત્રિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ જાગૃત નાગરિકોમાં સેવાઈ રહી છે. લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાંથી ચૂંટાયેલા દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યને અંબાજીની મુલાકાત લેવાનો સમય મળતો નથી. કોઈક વખત વીઆઈપી મહાનુભાવ આવે ત્યારે અંબાજીની ઉડતી મુલાકાત લેનારા દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદસભ્યએ કોઈ દિવસ અંબાજી નગરમાં ફરીને અંબાજીની પરિસ્થિતિનો અનુભવ કર્યો નથી કે લોકોને મળીને તેમની ફરિયાદો જાણી નથી. દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યએ અંબાજીના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી કેટલી ગ્રાન્ટ ફાળવી એ બાબતનો હિસાબ તેમણે અંબાજીના લોકોની જાણ માટે જાહેર કરવો જરૂરી છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા સમગ્ર અંબાજી ગામનો સર્વે કરાવી અંબાજીમાં ઠેર ઠેર જોવા મળતી ગંદકીની સફાઈ કરવા માટે તેમજ તૂટેલા રસ્તાનું સમારકામ કરવા અને ચોકઅપ થયેલી ગટરની ચેમ્બરોની સફાઈ કરાવવા માટે જવાબદાર તંત્રને આદેશ કરવો જરૂરી છે.
____________________________________________
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે
આગામી ૧૫ મી ઓગષ્ટની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લારકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગરીમાભેર ઉજવણી કરવામાં આવશે. આગામી ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨ની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળે સાફ- સફાઇ અને પાણીનો છંટકા, ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, પ્રોટોકોલ મુજબ આમંત્રિતોને બેસાડવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સરકારી કચેરીઓમાં સાફ- સફાઇ અને શણગાર તથા રંગરોગાન, વૃક્ષારોપણ, રમત- ગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત દાંતીવાડા તાલુકા અને જિલ્લાના દરેક ઘર, સરકારી કચેરી તથા દુકાનો પર તિરંગો લહેરાવવામાં આવે તેની વ્યવસ્થા સુનિશ્વિત કરવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ અને સ્ટાફને ફરજીયાત હાજર રહેવા પણ સુચના આપવામાં આવી છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પ્રાયોજના વહીવટદારશ્રી એમ.બી.ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. કે. પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિ્ત રહ્યા હતા.
ટિપ્પણીઓ