ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૩.૦૮.૨૦૨૨

મોરીયા બનાસ મેડીકલ કોલેજ ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ૭૩મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ

ચોમાસાની ઋતુમાં આપણા ઘરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવાનું પવિત્ર કાર્ય કરવું જોઇએઃ પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર

(માહિતી બ્યુરો, પાલનપુર) 
          પાલનપુર તાલુકાના મોરીયા બનાસ મેડીકલ કોલેજ ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી. 
           આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે વન મહોત્સવની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ચોમાસાની ઋતુમાં આપણા ઘેરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવાનું પવિત્ર કાર્ય કરવું જોઇએ. તેમણે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો અને વૃક્ષોનું મહત્વશ સમજાવતાં જણાવ્યુંવ કે, વૃક્ષો મનુષ્યોના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. હજારો જીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિોના અસ્તિવત્વ માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો લીલોછમ્મ બનાવીએ. 
           મંત્રીશ્રીએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આપણે પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં વન મહોત્સવની માત્ર ગાંધીનગરમાં થતી હતી પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરાના લીધે છેલ્લા ૧૮ વર્ષમાં રાજ્યમાં ૨૧ જેટલાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. આ વર્ષે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દૂધરેજ ખાતે નર્મદા કેનાલની બાજુમાં વટેશ્વર વનનું લોકાર્પણ કરીને ૭૩ મા વન મહોત્સવની ઉજવણી કરાવી છે. તેમણે કહ્યું કે, આપણું ગુજરાત વન, રણ અને દરીયાકિનારાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતુ રાજ્ય છે. રાજ્યમાં વૃક્ષોની સંખ્યા વધારવા માટે વન વિભાગ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેના લીધે વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, વનો અને વન્યજીવ સૃષ્ટિ વિના માનવ જીવન શક્ય નથી એ બાબત આપણે કોરોનાના સમયમાં સારી રીતે સમજી શક્યા છીએ. વૃક્ષો આપણને ઓક્શીજન- પ્રાણવાયુ આપે છે ત્યારે વૃક્ષોને વાવી તેનું બાળકની જેમ જતન કરી ઉછેર કરીએ.      
                    આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વૃક્ષોના જતનને વરેલી આપણી મહાન સંસ્કૃતિમાં વૃક્ષ કાપવું એ પણ પાપ ગણાય છે ત્યારે વૃક્ષો વાવી તેની માવજત કરી ઉછેર કરીએ. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રહભાઇ મોદીએ રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજયભરમાં વિવિધ જિલ્લાડઓમાં કરવાની શરૂઆત કરતાં પ્રજા હવે ઉત્સાખહભેર આ કાર્યક્રમમાં સામેલ થાય છે. તેમણે કહ્યું કે ગુજરાતને હરીયાળું બનાવવા રાજય સરકાર ધ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
                  રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, વૃક્ષો વાવી તેની યોગ્ય માવજત અને જાળવણી કરી ઉછેર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં વન મહોત્સવ સાર્થક થશે. તેમણે કહ્યું કે, કોરોનામાં આપણને સૌને પ્રાણવાયુની કિંમત સમજાઇ છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જ પડશે. સરકારી પડતર જમીન પર વૃક્ષો વાવી જિલ્લાને હરીયાળો બનાવવા તેમણે અપીલ કરી હતી. 
              સીડ બોલ બનાવી વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસ ડેરી વતી એમ.ડી. શ્રી સંગ્રામસિંહ ચૌધરી તથા વન સંવર્ધન ક્ષેત્રે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બનાસકાંઠાના નાયબ વન સંરક્ષકશ્રી પી.જે.ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. 
             વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઇ પટેલ, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ, બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પરથીભાઇ ચૌધરી, ગુજરાત ઇકોલોજી કમિશનના એમ.ડી. શ્રી મહેશસિંઘ, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, અગ્રણીઓ સર્વશ્રી ભાવાભાઇ દેસાઇ, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ, ફતાભાઇ ધારીયા સહિત વન વિભાગના અધિકારીઓ, સરપંચશ્રીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પાલનપુર ખાતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચેરમેનશ્રી ર્ડા. અફરોજ અહેમદના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ડિસ્ટ્રીક્ટ એન્વાર્યમેન્ટ પ્લાનની ચર્ચા કરાઇ

વેંડચા ગ્રે- વોટર ટ્રીટમેન્ટ પ્લા્ન્ટ મોડેલનું પ્રેઝન્ટેશન નિહાળી NGT એ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરી

વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નર્સરીઓ વિકસાવી પર્યાવરણની સુરક્ષામાં ગુજરાત અગ્રણી ભૂમિકા અદા કરે- NGT ચેરમેનશ્રી ર્ડા.અફરોજ અહેમદ

(માહિતી બ્યુરો, પાલનપુર) 
           બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચેરમેનશ્રી ર્ડા. અફરોજ અહેમદના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રીક્ટ એન્વાર્યમેન્ટ પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જિલ્લાનો એન્વાર્યમેન્ટ પ્લાન રજૂ કરી પર્યાવરણની સુરક્ષા તથા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે ટ્રીબ્યુનલને માહિતી આપી હતી. 
            બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ અને ૬ નગરપાલિકા વિસ્તારમાં સૂકો અને પ્રવાહી કચરાનો નિકાલ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રીક વેસ્ટ મેનેજમેન્ટ, ડસ્ટ અને એર પોલ્યુશન અટકાવવા, વોટર ક્વોલીટી મેનેજમેન્ટ અને માઇનીંગ તથા અવાજ અને ટ્રાફિક પ્રદુષણના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાલનપુર તાલુકાના વેડંચા ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરીને ઘરોમાંથી આવતા ગ્રે- વોટર (બાથરૂમ અને રસોડામાંથી આવતા ગંદા પાણી) ની ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રિ-ચાર્જ કરવાનું જે મોડેલ વિકસાવવામાં આવ્યું છે તેનું પ્રેઝન્ટેશન નિહાળી ગ્રીન ટ્રીબ્યુનલના ચેરમેનશ્રી ર્ડા. અફરોજ અહેમદે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુબ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે આ મોડેલની સફળતા જોઇ બીજા રાજ્યોમાં પણ લાગુ કરવા ટ્રીબ્યુનલ દ્વારા આદેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લો રણ, પર્વતો, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલો વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવતો જિલ્લો છે છતાં પણ પર્યાવરણના જતન માટે ખુબ સરસ કામ કરવામાં આવી રહ્યું છે. 
             ચેરમેનશ્રી ર્ડા. અફરોજ અહેમદે જણાવ્યું કે, શહેરોની સાથે ગ્રામિણ વિસ્તારની પંચાયતોને પણ ડિસ્ટ્રીક્ટ એન્વાર્યમેન્ટ પ્લાન સાથે જોડવામાં આવે તથા વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ નર્સરીઓ વિકસાવીને પર્યાવરણની સુરક્ષામાં ગુજરાત અગ્રણી ભૂમિકા અદા કરે તે જરૂરી છે. તેમણે ગુજરાતની પ્રશંસા કરતાં કહ્યું કે, ગુજરાત હંમેશા દેશને માર્ગદર્શન આપતુ આવ્યું છે ત્યારે પર્યાવરણની સુરક્ષા અને જતન માટે પણ ગુજરાત લીડ લઇને ક્યાંય કચરો ન દેખાય, જ્યાં પણ જમીન હોય ત્યાં બાગબગીચા બનાવી વાતાવરણને સ્વચ્છ અને સુંદર બનાવીએ.    
    આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી પી. જે.ચૌધરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીશ્રી જે.એમ.ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એન.દેવ, ભૂસ્તરશાસ્ત્રીશ્રી સુભાષ જોષી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ