ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૪.૦૮.૨૦૨૨
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરાશે
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખાતે કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨, સોમવારના રોજ સવારે- ૯.૦૦ કલાકે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જેનું આજે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી કલ્પેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને એન.સી.સી.ના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
ગઢ ગામના મહિલા સરપંચ શ્રીમતી ગીતાબેન ભુટકાએ પોતાના ખર્ચે 1100 તિરંગાની ખરીદી કરી વિતરણ કર્યુ
(માહિતી બ્યુરો, પાલનપુર)
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે અને સમગ્ર દેશ હાલ દેશભક્તિના રંગે રંગાયો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા "હર ઘર તિરંગા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રા અને તિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ગઢ ગ્રામ પંચાયત ખાતેથી સરપંચ શ્રીમતી ગીતાબેન ભુટકાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ગઢ ગ્રામ પંચાયત અને વિમલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, આશાવર્કર બહેનો, હોમગાર્ડ જવાનો અને ગ્રામજનો હાથમા તિરંગો લઈ જોડાતા સમગ્ર ગામમાં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. દેશ ભક્તિના નારાઓ સાથે નીકળેલી તિરંગા યાત્રા ગામના વિવિધ માર્ગો પરથી નીકળી રાયકાદાદા નગર સુધી પહોંચી હતી અને ત્યાંથી પરત ગ્રામ પંચાયત ખાતે આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢ ગામના મહિલા સરપંચ શ્રીમતી ગીતાબેન ભુટકાએ સ્વખર્ચે 1100 તિરંગાનું ગામમાં વિતરણ કરાવ્યું હતું જેના પરિણામે ગામમાં હર ઘર પર તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો.
____________________________________________
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા સંઘો અને બનાસકાંઠા જિલ્લાની હદમાં થતા સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર- ૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. મેળા પ્રસંગે લાખો માઈભક્તો પદયાત્રા કરીને માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થાઓ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન મુજબ જિલ્લા કક્ષાની વિવિધ ૨૮ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ વર્ષે ડિઝીટલ ઇન્ડિયા અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાતભરના પદયાત્રી સંઘો તેમજ માત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થતા સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેમાં નીચે મુજબની પ્રક્રિયા કરી ઓનલાઈન નોધણી કરવાની રહેશે. ભાદરવી પુનમીયા પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન
• સૌ પ્રથમ વેબસાઈટ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in ઓપન કરવી.
• ત્યારબાદ ભાદરવી પૂનમ સંઘ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું.
• ઓનલાઈન નીચે મુજબ માંગેલ ફોર્મની વિગતો ભરવી
સંઘનું નામ, આયોજકનું નામ, આયોજકનો સંપર્ક નંબર, આયોજકનું ઈ- મેઇલ એડ્રેસ, આયોજકનું સરનામું, ગામ, તાલુકો, જીલ્લો, સંઘ પ્રસ્થાન તારીખ, સંઘની અંબાજી ખાતે પહોંચવાની તારીખ, સંઘનું અંબાજી ખાતે રોકાણ, સંઘમાં આવનાર યાત્રિકોની સંખ્યા, રૂટ, સંઘના સીધા સામાન માટેના વાહનની સંખ્યા, વાહન નંબરની વિગતો ભરી રજીસ્ટર/Register ઉપર ક્લિક કરવું.
ઉપરોક્ત વિગતો ભર્યા બાદ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
• આપેલ વિગતોની પ્રાંત અધિકારીશ્રી દાંતા દ્વારા ચકાસણી કરવામાં આવશે.
• ચકાસણી કર્યાબાદ ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
• ફોર્મમાં દર્શાવેલ ઈ-મેઇલ અડ્રેસ ઉપર ઓનલાઈન વાહન પાસ આપવામાં આવશે.
• ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વાહન સિવાયના વાહન માટે પાસ મળશે નહિ.
• સંઘદીઠ વધુમાં વધુ ૪ વાહન પાસ પ્રાપ્ત થશે.
• વાહન પાસ માત્ર ઓનલાઈન પદ્ધતિથી ઈ-મેલ અડ્રેસ ઉપર જ મોકલવામાં આવશે.
• પદયાત્રી સંઘો માટે અન્ય કોઈપણ રીતે વાહન પાસ આપવામાં આવશે નહિ.
• ઓનલાઈન મંજુરી માટે કોઇપણ માહિતી માટે પ્રાંત કચેરી દાંતા , જીલ્લો– બનાસકાંઠા ફોન નંબર– ૦૨૭૪૯-૨૭૮૦૬૩ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન- માત્ર બનાસકાંઠા જિલ્લાની હદ માટે જ
• સૌ પ્રથમ વેબસાઈટ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in ઓપન કરવી.
• ત્યારબાદ ભાદરવી પૂનમ સેવા કેમ્પ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું.
• ઓનલાઈન નીચે મુજબ માંગેલ ફોર્મની વિગતો ભરવી
સેવા કેમ્પનું નામ, આયોજકનું નામ, સેવા કેમ્પ શરુ કરવાની તારીખ, સેવા કેમ્પ પૂર્ણ કરવાની તારીખ, સેવા કેમ્પ કરનાર ટ્રસ્ટનું નામ, સેવા કેમ્પ સ્થળનું સરનામું, ,સેવા કેમ્પના મુખ્ય વ્યક્તિનું નામ, સંસ્થા/વ્યક્તિનું સરનામું, આયોજકનો સંપર્ક નંબર, આયોજકનું ઈ મેલ એડ્રેસ, સેવા કેમ્પ પ્રકાર, સીધા સમાન માટે વાહન સંખ્યા. આઈ.ડી પ્રૂફ (પી.ડી.એફ.) કોપી અપલોડ કરી માંગેલ વિગતો ભરી રજીસ્ટર/Register ઉપર ક્લિક કરવું.
• આપેલ વિગતોની પ્રાંત અધિકારીશ્રી દાંતા દ્વારા ચકાસણી કરવામાં આવશે.
• ચકાસણી કર્યાબાદ ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
• ફોર્મમાં દર્શાવેલ ઈ-મેઇલ અડ્રેસ ઉપર ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
• ઓનલાઈન દર્શાવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
• ઓનલાઈન મંજુરી માટે જરૂરી માહિતી માટે પ્રાંત કચેરી દાંતા, જીલ્લો–બનાસકાંઠા– ફોન-૦૨૭૪૯-૨૭૮૦૬૩ નો સંપર્ક કરવાનો રહેશે.
• આ ઓનલાઈન મંજુરીના આધારે હંગામી વીજ કનેક્શન કે અન્ય જરૂરી મંજુરી આપવામાં આવશે.
• માત્ર બનાસકાંઠા જીલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થનાર સેવા કેમ્પ માટે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી આર. કે.પટેલે અખબારીયાદીમાં જણાવ્યું છે.
____________________________________________
શક્તિપીઠ અંબાજી દેશભક્તિના રંગમાં રંગાયું. તિરંગાયાત્રામાં સેંકડોની સંખ્યામાં લોકો સહભાગી બન્યા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગા અભિયાનની ગૌરવભેર ઉજવણી કરાઈ
દેવસ્થાનમાં દેશભક્તિનો રંગ ભળતા અનેક યાત્રિકો અને શ્રદ્ધાળુઓ પણ તિરંગાયાત્રામાં જોડાયા
(માહિતી બ્યુરો, પાલનપુર)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.લોકો ઉત્સાહપૂર્વક પોતાના ઘર પર,ધંધા વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સમગ્ર દેશ અને ગુજરાત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે.સરહદી વિસ્તારથી માંડી શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આઝાદીની ઉજવણીના માહોલ સાથે લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા અંબાજી ખાતે પણ રાષ્ટ્રીય પર્વની હર્ષભેર ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે આજે અંબાજી યાત્રાધામ તિરંગા યાત્રામાં રંગાઈ ગયેલું જોવા મળ્યું હતું.શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના રંગમાં તિરંગાનો દેશભક્તિનો રંગ ભળતા દેવસ્થાન દેશભક્તિના રંગમાં રંગાયેલુ જોવા મળ્યું હતું. હર ઘર તિરંગા અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંબાજીમાં આયોજિત તિરંગા યાત્રામાં સેંકડોની સંખ્યામાં આબાલવૃદ્ધ સૌ કોઈ તિરંગયાત્રામાં જોડાયા હતા. દેશની આન બાન અને શાનના પ્રતીક સમા તિરંગાને સલામી આપી આમ જનતાએ પણ રાષ્ટ્રધ્વજ પ્રત્યેની પોતાની દેશદાઝને પ્રદર્શિત કરી હતી. અંબાજીના માર્ગો પર આ તિરંગાયાત્રા પ્રસ્થાન પામતા યાત્રિકો, દુકાનદારો, સ્થાનિકો રહીશોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
____________________________________________
જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ સાહેબ પોતાના નિવાસસ્થાને સપરિવાર તિરંગો લહેરાવી 'હર ઘર તિરંગા' અભિયાનમાં સહભાગી થયા. તથા તેઓએ જિલ્લાના સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.
____________________________________________
રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક સ્થળ પર તિરંગો ફરકાવવા દેશના નાગરીકોને અપીલ કરીને 'હર ઘર તિરંગા'અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. જેના ભાગરુપે જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાને સંપૂર્ણ ગૌરવ સાથે ફરકાવવામાં આવ્યો હતો.
ટિપ્પણીઓ