ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૨.૦૮.૨૦૨૨

"સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ"ની થીમ પર જિલ્લાભરમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે

પોષણ પંચાયત, રેલી, પ્રભાત ફેરી, ગૃહ મુલાકાત, ક્વિઝ અને વીડિયો કાઉન્સેલિંગ જેવા કાર્યક્રમો યોજાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
          વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૨ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તા. ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ સુધી વિવિધ સ્તરે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન, અને છ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. ચાલુ વર્ષે "સ્તનપાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ" ની થીમ પર જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
          એક બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ (કોલસ્ટ્રોમ) અતિ આવશ્યક હોય છે. જે નવજાતને રોગ પ્રતિકારક શક્તિ આપે છે તેમજ બાળકને ૬ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવુ જોઈએ. બાળકોને ૬ માસ પુરા થતાં તરત જ સ્તનપાન સાથે ઘરે ઉપલબ્ધ પૌષ્ટિક, નરમ ખોરાક અને પોચા ખોરાકની શરૂઆત કરાવવી જોઈએ.
          તા. ૧ લી ઓગષ્ટથી શરૂ થયેલા વિશ્વ સ્તનપાન સપ્તાહ હેઠળ ગ્રામ્ય પંચાયત સ્તરે સરપંચની અધ્યક્ષતામાં 'પોષણ પંચાયત' રેલી, પ્રભાત ફેરી, એ.એન.સી અને પી.એન.સી માતાઓની ગૃહ મુલાકાત, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સુપોષણ સંવાદ, સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિ વિશે સમજ અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ, ૬ મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન અને તેનું મહત્વ, પરિવારના સભ્યોની ભૂમિકા, આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન પર કવિઝ સ્પર્ધા, સ્તનપાન અંગે લાભાર્થીઓનું ટેલિફોનિક/ વિડિઓ કાઉન્સેલિંગ, THR, MMY, અને PSY (આદિવાસી બ્લોકમાં) પ્રચાર પ્રસાર, સોશિયલ મીડિયા ગ્રુપમાં સંદેશાઓની વહેંચણી જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી થકી સ્તનપાનનું મહત્વ સમજાવી સ્તનપાનને સમર્થન આપવા માટે પ્રતિજ્ઞા લેવડાવવા જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ પાલનપુરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે
____________________________________________

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ

લમ્પી વાઇરસને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતાં પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરી ગુનો કરતા કાર્યવાહી કરાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)  
          બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાની કડક અમલવારીના પગલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની સુચના મુજબ ડીસા રૂરલ પોલીસ દ્વારા પશુઓની હેરફેર કરતાં ઇસમો સામે ફરીયાદ દાખલ કરીને જાહેરનામાના ભંગ બદલ ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાબરભાઇ સાંકાભાઇ રબારી ઉ.વ-૪૨ ધંધો- ખેતી રહે. જાખા તા. સરસ્વતી જી. પાટણ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મહીન્દ્રા બોલેરો મેક્સી ડાલા નં.જીજે-૧૮-એટી-૧૫૧૯ ના ચાલકે હાલમા પશુઓમા ફેલાયેલ લમ્પી વાઇરસ ચાલતો હોઇ જેને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતા પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરતો પકડાઇ જઇ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમની વિરૂધ્ધમાં ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 
            ફરીયાદની હકીકત એવી છે કે, આજે પ્રધાનજી ધારસીજી અ. હેડ.કો બ.નં.૧૦૩૯ વિગેરે પોલીસ સ્ટાફના માણસો નવા ચેક પોસ્ટ ખાતે પાસે લમ્પી સ્કીન વાઇરસને લગતા જાહેરનામાના અમલીકરણ માટે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન પાટણ તરફથી એક મહીન્દ્રા બોલેરો ડાલા નં.જીજે-૧૮.એટી-૧૫૧૯ વાળા ડાલામા એક ઇસમ ગાય ભરીને પાટણથી ડીસા તરફ લઇ જતો હોઇ, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું અમલમાં હોઇ જેમાં હાલમાં પશુઓમા લમ્પી વાઇરસનું સંક્રમણ ચાલતું હોઇ, આ બાબતે પશુઓની એક ગામથી બીજા ગામ કે બીજા તાલુકા કે જિલ્લા કે રાજ્યમા હેરફેર કરવા પ્રતિબંધ મુકેલ છે. જેથી આ બાબતે આ પશુની હેરફેર બાબતે કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી લીધેલ છે કે કેમ જેથી આ ઇસમ પાસે આવી કોઇ પરવાનગી લીધેલ ન હોઇ અને જાહેરનામાનો ભંગ કરેલ હોઇ તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે તેમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે.
____________________________________________

પાલનપુર સ્વસ્તિક મહિલા કોલેજમાં યુવક સહકારી શિક્ષણ તાલીમ શિબિર યોજાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)
            ગુજરાત રાજય સહકારી સંઘની શિક્ષણ તાલીમ પ્રચાર યોજના અન્વયે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ દ્વારા ઓયોજીત યુવક સહકારી શિક્ષણ વર્ગ શ્રી સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તા. ૨૫ થી ૩૦ જુલાઇ દરમ્યાન યોજાઇ હતી. તાલીમાર્થી વિધાર્થીનીઓને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી અભ્યાસ પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એમ. પી. ઓ. વિભાગમાંથી શ્રી કલ્પેશભાઇ ચૌધરી દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
        તા.૩૦ જુલાઇ-૨૦૨૨ના રોજ યુવક વર્ગ પુર્ણાહુતી પ્રસંગે સ્વસ્તિક કેળવણી મંડળના પ્રમુખ તેમજ બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના મેનેજરશ્રી રમેશભાઇ એમ. પટેલે પોતાના વક્તવ્યમાં જિલ્લા સંઘની ઉત્કૃષ્ઠ કામગીરી વિશે તેમજ બનાસકાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃતિનો સિંહ ફાળો રહેલો તેની અગત્યતા ઉદાહરણ સહિત સમજાવવાનો ઉમદા પ્રયત્ન કર્યો હતો.
       સ્વસ્તિક કેળવણી મંડળના માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલના પ્રિન્સીપાલશ્રી મણીલાલ મેવાડાએ દીકરીઓ સહકારી પ્રવૃત્તિ સાથે કઇ રીતે જોડાયેલી છે તેના પર વિશિષ્ટ ભાર આપ્યો હતો તેમજ શ્વેતક્રાંતિમાં દીકરીઓ તથા મહિલાઓનું મોટું યોગદાન છે તેમ જણાવ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશનમાંથી મહેમાન તરીકે આવેલ જીગીસાબેન પરમારે દીકરીઓ માટે અગત્યની કલમોની ઉપયોગીતા પર પ્રકાશ પાડ્યો હતો.
        સ્વસ્તિક કોલેજના પ્રિન્સીપાલશ્રી નેહલબેન પરમારે જણાવ્યું હતું કે, યુવક સહકારી શિક્ષણ વર્ગનો પ્રથમ અનુભવ ખુબ જ સારો રહ્યો છે. ઉપરાંત આવા વર્ગો દર વર્ષે અમારી કોલેજમાં યોજી દીકરીઓને માર્ગદર્શન પુરું પાડવા તેમણે જણાવ્યું હતું.
        વર્ગમાં કુલ ૬૨ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વર્ગનું તમામ સંચાલન ફાલ્ગુનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું તથા નીરૂબેન ચૌધરીએ સહયોગ પુરો પાડ્યો હતો.
____________________________________________

"નારી વંદન ઉત્સવ" અંતર્ગત મહિલા સુરક્ષા દિન નિમિતે પાલનપુર સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો

(માહિતી બ્યુરો, પાલનપુર)
        તારીખ-૦૧/૦૮/૨૦૨૨ થી ૦૭/૦૮/૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ તરીકે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં નિયત થયેલ થીમ મુજબ તારીખ-૦૧/૦૮/૨૦૨૨ ના રોજ પાલનપુર સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજ ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરી બનાસકાંઠા, ગૃહ વિભાગ બનાસકાંઠા તેમજ સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા દિન નિમિતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં મહિલા બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી રમીલાબા ચાવડા, સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલશ્રી નેહલબેન પરમાર, સ્વતિક સ્કુલના પ્રિન્સીપાલશ્રી મણીભાઈ મેવાડા તેમજ શ્રી મહેન્દ્રભાઈ પંચાલ, સ્વસ્તિક સ્કુલના પ્રમુખશ્રી રમેશભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ, ગૃહ વિભાગમાંથી નરેશભાઈ પ્રજાપતિ, એડવોકેટશ્રી હેતલબેન જોષી તેમજ અંજલિબેન રાણા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 
          આ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માહિતી અન્ય મહિલાલક્ષી કાયદાકીય માહિતી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, મહિલાલક્ષી યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજની દીકરીઓને સ્વ-બચાવના કરાટેનું નિદર્શન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલશ્રી નેહલબેન પરમાર દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહલબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.
____________________________________________

પાલનપુરમાં મહંમદ રફીની પુણ્યતિથિ નિમિત્તે ગીત સંગીતનાં કાર્યક્રમ યોજાયા



                                     (તસવીર: બિપીનચંદ્ર જોષી)
પાલનપુરમાં સુપ્રસિદ્ધ ગાયક મહંમદ રફીની પુણ્યતિથિ નિમિત્તે ગીત સંગીતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦.૦૭.૨૨ના રોજ વિશ્રામ ગૃહ ખાતે એનડીઆરએફની ટીમ માટે દિનેશ પંચાલ અને મલ્હાર બીટ્સના મનોજ કુંવારિયા દ્વારા એક શામ રફી કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોજ કુંવારિયા, સંગીતા પ્રજાપતિ, નિકિતા જોશી અને મુકેશ મહેતા જેવા કલાકારોએ ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે પાલનપુરના અગ્રણી પ્રકાશભાઈ અગ્રવાલ, એલ. એ. ગઢવી, મહેશભાઈ ઠક્કર, અશોકભાઈ મહેશ્વરી અને એનડીઆરએફના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

બીજો કાર્યક્રમ ૩૧ જુલાઈના રોજ પાલનપુરમાં વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે એકતા ગ્રુપ, પાલનપુર દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઈકબાલ ખામોશ, યુનુસ સોલંકી, અબ્બાસ બલોચ, સાદાબ સલાટ, પરવેઝ છુવારા, ઈકબાલ સલાટ, હનીફ કુરેશી, સત્તાર મીર, શિરીન મીર, નૂરભાઈ મીર, જાકિર શેખ વિગેરે સ્થાનિક કલાકારોએ ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સમીઉલ્લાહ સૈયદે કર્યું હતું. જ્યારે હંગામા બીટ્સના વિકાસ, કપિલ અને સતીશ વિગેરે દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન કરેણ અને કોંગ્રેસ અગ્રણી જાકીર ચૌહાણ વિગેરે હાજર રહ્યા હતા.
_____________________________________________
પર્યુષણ પ્રસંગે કતલખાનાં બંધ રાખવા મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને આવેદનપત્ર આપ્યું

શ્રી ઠોકરદ્વાર જૈન સંઘ મુંબાઈમાં પૂ. આ. ભગવંત શ્રી કીર્તિપ્રભ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલી શિબિરની ઓલ ઈન્ડિયા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રશાંત ઝવેરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી. આ પ્રસંગે મુંબઈ જૈન પત્રકાર સંઘના જયંતિલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં મહારાષ્ટ્ર રાજ્યના સ્પીકર શ્રી રાહુલજી નાર્વેકર તથા સ્થાનિક નગરસેવિકા રીટાબેન મકવાણાએ ઉપસ્થિત રહી ગુરુ ભગવંતના આર્શીવાદ લીધા હતા. ત્યારબાદ સંધના ટ્રસ્ટી હસમુખભાઈ તથા ટ્રસ્ટીઓએ શાલ, હાર અને શ્રીફળ આપી તેમનું સન્માન કર્યુ હતું.

યુવા પ્રવચનકાર મુનિરાજ શ્રી સંયમપ્રભ વિજરાજી મહારાજ સાહેબે પોતાના પ્રવચનમાં કહ્યું કે, જૈનોનું મહાપર્વ પર્યુષણ હોય છે. આ પર્યુષણના આઠ દિવસ જૈનો ઉપવાસ કરે છે. આખા વર્ષ દરમિયાન થયેલી ભૂલોનું પ્રશ્નાતાપ કરે છે અને “મિચ્છામી દુક્કડમ” કહે છે. આવા પવિત્ર તહેવારમાં આખા મહારાષ્ટ્રમાં કતલખાનાં બંધ રાખવા અપીલ કરી હતી. તેમને લેખિતમાં આવેનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી રાહુલજી નાર્વેકરે પોતાના પ્રવચનમાં કહ્યું કે, ભારત આર્યોનો દેશ છે, અહીંયા ગાયમાતાની પૂજા કરવામાં આવે છે. હું સ્પીકર બન્યા પછી બકરી ઈદના દિવસે કતલખાનાં બંધ રાખવા માટે કમિશનરને કહ્યું હતું. મહાવીર ભગવાને કહ્યું છે કે, "અહિંસા પરમો ધર્મ' છે અને જીઓ અને જીને દો તેમનું સ્લોગન હોવાથી દરેક જીવોને જીવવાનો હક્ક છે. પર્યુષણ નિમિત્તે કતલખાનાં બંધ રાખવા માટે કોશિશ કરીશ તેવું આશ્વાસન આપ્યું હતું.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ