ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૩.૦૮.૨૦૨૨
પ્રભારી સચિવશ્રી વિજય નહેરાએ જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝની પરિસ્થિતિની સમીક્ષા કરી
વિજય નહેરાએ પશુપાલન વિભાગના અધિકારીઓને રસીકરણની કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ જોવા મળી રહ્યો છે. જેની અટકાયત માટે રાજ્ય સરકાર સતર્ક રહી પગલાં ભરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પશુધનમાં ઉદભવેલ આ રોગ અને તેની પરિસ્થિતિની માહિતી બનાસકાંઠાના પ્રભારી સચિવશ્રી વિજય નેહરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ પ્રભારી સચિવને વર્તમાન સ્થિતિથી વાકેફ કરીને જિલ્લા વહીવટીતંત્રએ કરેલ કામગીરી જણાવી હતી.
સચિવશ્રી વિજય નેહરાએ બનાસકાંઠા જિલ્લાના વધુ અસરગ્રસ્ત તાલુકાઓ, તેમાં થયેલ કામગીરી, પશુઓમાં આ રોગ થતો અટકાવવા માટે રસીકરણ અને તેના માટે ઉપલબ્ધ ટીમ, પાંજરાપોળ અને ગૌશાળામાં વધુ પશુધનની સ્થિતિ વગેરે વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેઓએ જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી યોગ્ય આયોજન કરીને ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. જગદીશ મજીઠીયા, પશુપાલન વિભાગના અધિકારીઓ અને બનાસ ડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
પાલનપુર નગરપાલિકા ખાતે પશુઓમાં લમ્પી વાઇરસને ફેલાતો અટકાવવા બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
પશુઓમાં આવેલ લમ્પી વાઇરસ ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલના અધ્યક્ષસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી લમ્પી સ્કીન ડીસીઝને ફેલાતો અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પશુપાલકોને અપીલ કરવામાં આવી કે જો તેમના પશુધનને લમ્પી વાઇરસની અસર હોય તો તે પશુને સત્વરે સારવાર અપાવવી. બીજા પશુથી અલગ રાખવું અને ચરવા માટે ખુલ્લું ન છોડવું. જેથી અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. આ રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, માખી - મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો. પોતાના પશુઓને ઝડપથી રસીકરણ કરવું. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નગપાલિકા ઉપપ્રમુખશ્રી હસમુખ પઢિયાર, ચીફ ઓફિસરશ્રી ગૌરાંગ પટેલ, માલધારી સમાજના આગેવાનો અને પશુપાલન વિભાગના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ દર માસના પહેલા બુધવારે કરવામાં આવશે
(માહિતી બ્યૂરો, પાલનપુર)
નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જી.બનાસકાંઠા દ્વારા આયોજીત ડાયાબીટીસ નિવારણ કેમ્પ નિશુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવશે. જેમાં (૧) ડાયાબિટીસની મફત આયુર્વેદિક/હોમિયોપેથીક નિદાન તથા ઔષધીય સારવાર (૨) ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પધ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે (૩) ડાયાબિટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉપલ્બધ રહેશે. કેમ્પનું સ્થળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ દર મહિનાનો પહેલો બુધવાર તા.૦૩/૦૮/૨૦૨૨, સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ વાગ્યે છે. સર્વ લાભાર્થીઓએ કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. તેમ વૈદ્યપંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જિલ્લો-બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત
વિદ્યાર્થીઓ, ખેડુતો સહિત બનાસવાસીઓને પોતાના ઘર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર. એમ. ચૌહાણની અપીલ
(માહિતી બ્યુરો, પાલનપુર)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તારીખ ૧૩, ઓગષ્ટ-૨૦૨૨ થી ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨ સ્વાતંત્ર્ય પર્વ દરમ્યાન સમગ્ર ભારત વર્ષમાં હર ઘર ત્રિરંગા અભિયાન યોજાઇ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર.એમ.ચૌહાણે દરેક બનાસવાસીઓ, વિદ્યાર્થીઓ, યુવાનોને પોતાના ઘર, ઓફીસ, દુકાન, છાત્રાલય અને ખાસ કરીને ખેડૂતો ભાઈ બહેનોને પોતાના ઘર અને ખેતર પર ત્રિરંગો લહેરાવવા અપીલ કરી છે.
આઝાદીના ૭૫ માં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહીક રીતે ધ્વજને ઘરે લાવવો તે માત્ર ત્રિરંગા સાથેના વ્યકિતગત જોડાણની ક્રિયાનું પ્રતિક નથી પણ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબધ્ધતાનું મૂર્ત સ્વરૂપ છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશ ભક્તિની ભાવના જગાડવાનો અને આપણા રાષ્ટ્ર ધ્વજ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે તેમ તેમણે જણાવ્યું છે.
____________________________________________
“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત
પાલનપુર ખાતે જય હિંદ ખાદી ગ્રામોધોગ સંઘ અને નવજીવન ખાદી ગ્રામોધોગ ખાતે રાષ્ટ્ર ધ્વજનું વેચાણ તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૨ સુધી કરાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
આગામી તા. ૧૩, ૧૪ અને ૧૫ ઓગષ્ટ દરમ્યાન “હર ઘર તિરંગા” કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી ઊજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની શાનદાર ઉજવણી માટે તમામ કચેરીઓને રાષ્ટ્રધ્વજ સહેલાઇથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર કુટીર અને ગ્રામોધોગ વિભાગના હસ્તકના ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ૧૪ એમ્પોરિયા ખાતે તા.૧૫ જુલાઇ થી તા.૧૫ ઓગષ્ટક-૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે (૧) જય હિંદ ખાદી ગ્રામોધોગ સંઘ, આવકાર સોસાયટી, ગણેશપુરા રોડ, પાલનપુર શ્રી નારણભાઇ પાતળીયા મો.૯૯૨૫૦ ૦૮૦૪૭ અને (૨) નવજીવન ખાદી ગ્રામોધોગ સેવા સંઘ, જુના માર્કેટ યાર્ડ, સ્ટેટ બેન્ક સામે, પાલનપુર શ્રી અચળભાઇ ચૌધરી મો.૯૪૨૬૦ ૬૫૫૩૦ પર સંપર્ક કરીને રાષ્ટ્રાધ્વજ વેચાણથી મેળવી શકાશે.
ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ સાથે સંકળાયેલી ૧૪ એમ્પોરિયાની અને ૨૧ ખાદી સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ છે. ખાદીના રાષ્ટ્રીય ધ્વજ “ખાદી અને ગ્રામોધોગ આયોગ (KVIC)ની વેબસાઇટ www.khadiindia.gov.in અને www.kviconline.gov.in પોર્ટલ પર “Buy khadi products” ઓપ્શનમાં વેચાણના હેતુસર ઉપલબ્ધ છે.
ટિપ્પણીઓ