ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૫.૦૮.૨૦૨૨

પાલનપુરના કમાલપુરા ચોકમાં રોડ બેસી જતા ટ્રકનું ટાયર રોડમાં ખૂંપી ગયું
                                         (તસવીર: ઇમરાન સૈયદ)
ભૂગર્ભ ગટરની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ચલાવવામાં આવેલી લાલીયાવાડીના કારણે સમગ્ર શહેરના માર્ગો રમણ ભમણ

પાલનપુરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી જેમ તેમ પુરાણ કરીને રસ્તા યથાવત્ છોડી દીધા હોઇ આ વરસાદમાં ઠેર ઠેર માર્ગો ઉપર ભૂવા પડવાના તેમજ રોડ બેસી જતાં વાહનો ફસાવાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે ત્યારે ગુરુવારે શહેરના કમાલપુરા રોડ ઉપર પણ એક આવો જ બનાવો બનવા પામ્યો હતો. જેમાં કમાલપુરા રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ રોડ બેસી જતા ટ્રકનું આગળનું ટાયર રોડમાં ખૂંપી ગયું હતું. જાહેર માર્ગ ઉપર ટ્રક ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે ટ્રકચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. નગરપાલિકાએ સમગ્ર કોટ વિસ્તારના માર્ગોનો સર્વે કરાવી નવેસરથી દરેક માર્ગ ઉપર રોડનું સમારકામ અને નવીનીકરણ કરાવવું જરૂરી છે.
____________________________________________

પ્રાકૃતિક કૃષિ જન અભિયાનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય નવી ક્રાંતિનું સર્જન કરશેઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

(માહિતી બ્યુરો, પાલનપુર)
          ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, ખેતી અને ખડુતોની સમૃધ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે.  
          સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલનને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાતની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ- સામર્થ્યને દર્શાવી આપ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિ જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનું સર્જન કરશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડુતો સમૃધ્ધ બને અને ખેતી આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ પગલાં લીધાં છે એટલું જ નહીં તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડુતોને આહવાન કર્યુ છે. 
            રાજ્યપાલશ્રીએ સ્વતંત્રતા બાદ દેશની ખાદ્યાન્ન જરૂરીયાતની પૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા થયેલી હરિત ક્રાંતિને એ સમયની આવશ્યતા ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિનો ૨૪ ટકા ફાળો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ- જમીન અને પર્યાવરણ પ્રદુષિત થયા છે. જમીનની ફળદ્રુપતા દિન- પ્રતિદિન ઘટતી જાય છે જેના કારણે ખેત ઉત્પાદન પણ સતત ઘટતું રહ્યું છે. પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધતો રહ્યો અને ઉત્પાદન ઘટવાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. રાજ્યપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્પારિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા. 
           રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે પુરતું ઉત્પાદન મળે છે જેથી ખેડુતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ સરળ છે. જેમાં દેશી ગાયના છાણ- ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઘન જીવામૃત તૈયાર થાય છે જે ખેતી માટે પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે તેનાથી જમીનમાં સહાયકારી સૂક્ષ્મ જીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.
          રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના પાયાના સિધ્ધાંતો બીજામૃત, જીવામૃત- ઘન જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક નાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, ભારતીય નસલની દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુ આવેલા છે, એટલું જ નહીં દેશી ગાયનું ગૌ- મૂત્ર ખનીજોનો ભંડાર છે. તેની મદદથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે જમીનને પોષણ આપે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, જંગલના વૃક્ષો અને વનસ્પતિ કોઇ ખાતર કે જંતુનાશક વિના પણ પ્રાકૃતિક રીતે વિકાસ પામે છે, એ જ નિયમ ખેતરમાં અપનાવવો એ જ પ્રાકૃતિક કૃષિ છે. 
           રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગોનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને એકદમ અલગ ગણાવી જણાવ્યુ હતું કે, જૈવિક કૃષિમાં અળસિયાંનો ઉપયોગ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે જેના કારણે જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મીંગ ખેડુતો માટે જોઇએ તેટલું ફાયદાકારક નથી જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહિવત કૃષિ ખર્ચ સામે ઉત્પાદન ઘટતું નથી એટલું જ નહીં સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નની પ્રમાણમાં વધુ કિંમત મળતા સરવાળે ખેડુતોને ફાયદો થાય છે. 
           રાજ્યપાલશ્રીએ અળસિયાં જેવા મિત્ર જીવોને ખેડુતો માટે આશીર્વાદરૂપ ગણાવી પ્રાકૃતિક કૃષિથી આવા જીવોની વૃધ્ધિ થતી હોવાનું જણાવ્યુ હતું. તેમણે કૃષિ અવશેષોને સળગાવવાને બદલે આવા અવશેષોથી જમીનને ઢાંકવાથી પાકને ફાયદો થાય છે તેમ પણ જણાવ્યુ હતું. આચ્છાદનથી જમીનને ઉંચા તાપમાન સામે રક્ષણ મળે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. પાણીની ૫૦ ટકા જેટલી બચત થાય છે એટલું જ નહીં અળસિયાં જેવા મિત્રજીવોને કાર્ય કરવા વાતાવરણ પણ મળી રહે છે.
            રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ જન અભિયાન સાથે ગુજરાતમાં બે લાખ ખેડુતો જોડાયા હોવાનું જણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને દેશી ગાયનું પાલન કરવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આગ્રહ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનના આયોજન બદલ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 
આ કાર્યશાળામાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર. એમ. ચૌહાણે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનથી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ પર સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીના વિસ્તાર માટે આ યુનિવર્સિટીએ ૯૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જેના ખુબ સારા પરિણામો આવનારા સમયમાં મળશે, જે આપણો વિશ્વાસ અને જુસ્સો વધારશે તેમ તેમણે જણાવ્યુ હતું. 
આ પ્રસંગે રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સુભાષ પાલેકર પ્રેરીત પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવનાર મહિલા ખેડુતોનું સન્માન કરાયું હતું અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાકૃતિક કૃષિકારોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. 
          આ પ્રસંગે સુભાષ પાલેકર ખેતી જન આંદોલન સમિતિના રાજ્ય સંયોજકશ્રી પ્રફુલભાઈ સેજલીયા, બનાસકાંઠા જિલ્લા સંયોજકશ્રી ભીખાભાઈ ભુટકા, આત્માના સ્ટેટ ડાયરેક્ટરશ્રી પી.એચ.રબારી, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.
____________________________________________

પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ

કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી: જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે

¤ આ સમિતિ કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતાં બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરશે
¤ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર કે  રીસીડન્સીયલ એડીશનલ ક્લેકટર અને તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની સમિતિનું ગઠન: સમિતિની બેઠકનું કોરમ ત્રણ હાજર સભ્યોથી બનશે
¤ સમિતિના માત્ર બિનસરકારી સભ્યોને પ્રતિદિન રૂ.૧૫૦૦/- વધુમાં વધુ પ્રતિમાસ રૂ.૮૦૦૦/-  માનદ વેતન મળવાપાત્ર રહેશે.
¤ સમિતિ સમક્ષ પક્ષકારે કરેલ રજુઆત ખાનગી રખાશે: આ કાર્યવાહીનો કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહીમાં પુરાવા કે અન્ય કોઇ રીતે ઉપયોગ થઇ શકશે નહી.

કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ મીડિયાના મિત્રોને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ કર્યો છે.  આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘ફેમીલી ફર્સ્ટ - સમજાવટનું સરનામું’ નો રાજ્ય સરકારનો અભિગમ જળવાય તે હેતુ કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. કામગીરી નિભાવતા પક્ષકારોની પારિવારીક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન  મર્યાદા જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસનો નિકાલ કરાશે. પરિવાર કાયદાકીય પ્રક્રિયાઓ આધિન હેરાન પરેશાન થાય નહિ તે  ધ્યાને રાખી સુલહ કરાવવાના બને તેટલા પ્રયત્નો કરવાના રહેશે. કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતાં બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરાશે. જરૂર જણાય તો તત્કાલ આશ્રય સહિત જરૂરી કાળજી અને રક્ષણની પણ ચોકસાઇ કરાશે. સમિતિ સમક્ષ આવેલ દરેક કેસોનું દસ્તાવેજીકરણ કરીને જે તે કેસોની સવિસ્તાર અને સંક્ષિપ્ત નોંધ પણ રાખવામાં આવશે. પારિવારીક વિવાદોમાં સ્ત્રી અને બાળકોના હિતો જળવાય તે માટે જરૂર જણાય ત્યાં સરકારી-બિનસરકારી સંસ્થાઓ તથા સંગઠનોની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાજિક તપાસ, પુન:વસવાટ અને પુન:સ્થાપનનું પણ ધ્યાન રાખવામાં આવશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના લોક કલ્યાણને ઉત્તેજન આપવા તથા સામાજીક દૃષ્ટિએ ન્યાય ઉપલબ્ધ થઇ શકે તેવી અસરકારક સામાજીક વ્યવસ્થાનું સર્જન કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

મંત્રી શ્રી ત્રિવેદીએ સમિતિના માળખા સંદર્ભે જણાવતા કહ્યું કે, સ્થાનિક કક્ષાએ આ યોજનાના સુગમ અમલીકરણ હેતુ સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે.જિલ્લા કક્ષાએ હોદાની રૂએ જિલ્લા કલેકટર કે  જિલ્લા ક્લેકટર દ્વારા રીસીડન્સીયલ એડીશનલ ક્લેકટર અને તાલુકા કક્ષાએ હોદ્દાની રૂએ મામલતદાર આ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજીક દૃષ્ટિએ પ્રતિષ્ઠતા અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો, સ્થાનિક કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધીનો તથા કાયદાના જાણકાર વ્યક્તિનો  સમાવેશ કરાશે. જેમાં ઓછામાં ઓછા બે અધિવક્તા સભ્ય હશે તેમજ સમિતિમાં શક્ય હોય ત્યાં સુધી એક મહિલા સભ્યની પણ નિમણૂંક કરાશે. વધુમાં, બે આમંત્રિત સભ્ય તરીકે ચૂટાંયેલા પ્રતિનિધિ બોલાવી શકાશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ સમિતિ સંદર્ભે વધુ માહિતી આપતા કહ્યું કે, સંબધિત જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા અને તાલુકા સમિતિના સભ્યોની નિમણૂંક કરાશે. જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિના કાર્યો માટે જરૂરી જણાયે સ્ટાફની વ્યવસ્થા તથા સમિતિમાં આકસ્મિક રીતે કોઇ જગ્યા ખાલી પડે તો તાત્કાલિક નિમણૂંક સમિતિના અધ્યક્ષે કરવાની રહેશે. સમિતિના અધ્યક્ષની ભલામણને આધારે કે કાયદા વિભાગ પોતાની જાતે કોઇ પણ સભ્યની તેની મુદત પૂર્ણ થતા પહેલા સભ્ય પદે થી દૂર કરી શકશે, જેને દૂર કરવાના કારણો આપવાના રહેશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ કહ્યું કે, જિલ્લા કક્ષાની સમિતિનું કાર્યક્ષેત્ર જિલ્લા મથકનો વિસ્તાર રહેશે અને તાલુકા કક્ષાની સમિતિનું કાર્યક્ષેત્ર તાલુકા મથકનો વિસ્તાર રહેશે. સમિતિના સભ્યોનો કાર્યકાળ સભ્ય તરીકે હોદ્દો ધારણ કરે તે તારીખથી એક વર્ષનો રહેશે. જિલ્લા કલેકટર હોદાની રૂએ કોઇ પણ સભ્યનો વધુ મુદત માટે પુન: નિયુક્ત કરી શકશે. પરંતુ સમિતિના સભ્યના કાર્યકાળની મુદ્દત એક વર્ષથી વધુ નિયુક્ત કરવાની સત્તા કાયદા વિભાગની રહેશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ કહ્યું કે, સમિતિના માત્ર બિનસરકારી સભ્યોને દરેક કેસને સાંભળવા માટે આયોજીત કરેલ હોઇ તેના પ્રતિદિન રૂ.૧૫૦૦/- મળવાપાત્ર થશે, જેમા વધુમાં વધુ પ્રતિમાસ રૂ.૮૦૦૦/-  સુધી જ બિનસરકારી સભ્યોને માનદ વેતન મળવાપાત્ર રહેશે. આ સમિતિ કેસોના ભારણના આધારે માસમાં જરૂર જણાય તેટલી વાર મળી શકશે. સમિતિના બેઠકની તારીખ અને સમય અગાઉથી નક્કી કરીને અરજદાર/પક્ષકારોને જાણ કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ સમિતિની બેઠક વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા સેવા સદનમાં કરવાની રહેશે. જ્યારે તાલુકા કક્ષાની સમિતિની બેઠક વ્યવસ્થા તાલુકા મામલતદાર દ્વારા તાલુકા સેવા સદનમાં કરવાની રહેશે. 

મંત્રી શ્રી ત્રિવેદીએ સમિતિ સંદર્ભે જણાવતા કહ્યું કે, સમિતિની બેઠકનું કોરમ ત્રણ હાજર સભ્યોથી બનશે. સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય અન્ય સભ્યો પાસે અનુમોદીત કરાવવો જરૂરી રહેશે. સમિતિ સમક્ષ પક્ષકારે કરેલ રજુઆત ખાનગી રાખવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહીનો કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહીમાં પુરાવા કે અન્ય કોઇ રીતે ઉપયોગ થઇ શકશે નહી. કેસના આખરી નિકાલ અંગેની માહિતી માસિક રિપોર્ટમાં કાયદા વિભાગને મોકલવાની રહેશે.આ સમિતિ જરૂર જણાય તો પોલીસની મદદ લઇ શકશે અને સંબધિત જિલ્લાના પોલીસ અધિક્ષકે સમિતિને જરૂરી મદદ મળી રહે તેની ખાત્રી કરવાની રહેશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ કેસ રજીસ્ટર કરાવાની પધ્ધતિ જણાવતાં કહ્યું કે, અરજદાર/પક્ષકારની  અરજીનું  રજીસ્ટરમાં પક્ષકારની પૂર્ણ વિગત સાથે નોંધવાનું રહેશે.અરજીનું જે પણ પરિણામ આવેલ હોય તે પણ ટુંકી વિગત સાથે નોંધવાનું રહેશે. સંબધિત જિલ્લાના પોલીસ અધિક્ષક અથવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી સામાજિક પ્રશ્ન સમજાવટ માટે મોકલી શકશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, સમિતિ સંદર્ભે કરવામાં આવતો ખર્ચ જિલ્લા અને તાલુકા કક્ષાએ વખતોવખત ફાળવેલ ગ્રાન્ટની રકમમાં ઉધારવાનો રહેશે. સરકારશ્રીના વર્તમાન નિતિ નિયમ પરિપત્ર તથા નાણાં વિભાગે બહાર પાડેલ માર્ગદર્શિકાઓનું પાલન કરી નાણાંકીય ઔચિત્ય જળવાય તે રીતે નાણાં ખર્ચ કરવા અને તેનો હિસાબ સમિતિના અધ્યક્ષે રાખવાનો રહેશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, કૌટુંબિક વિવાદો ટળે અને રાજ્યના નાગરીકોની માનસિક અને શારીરિક સ્વસ્થતા જળવાઇ રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારે ફેમીલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું યોજનાની પહેલ કરી છે.જે ધ્યાને રાખીને પારિવારીક વિવાદો લઇને આવેલ પરિવારના સભ્યો તેમજ બાળકોને કેસ ચાલે ત્યાં સુધી બેસાડવાની તેમજ અન્ય વ્યવસ્થા કરવાની રહેશે. 
____________________________________________

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીઓના હિતમાં ૧૪ જેટલા મહેસૂલી નિયમોમાં મહત્ત્વના નીતિવિષયક સુધારા કર્યા

વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને પ્રાથમિકતા આપતા મુખ્યમંત્રીશ્રી

 સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે
 ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે
 રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ
 ગુડ ગવર્નન્સની આ આગવી પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે
 ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં નમૂના નં.૭માં સ્પષ્ટતા કરવાનો નિર્ણય
 સ્ટે-ઓર્ડર ન હોય તેવા પડતર દાવાની નોંધ નમૂના-૭માં ન કરવા તેમ જ લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય
 સિટી સર્વે રેકર્ડ-હક્કચોકસી-પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભુલસુધારણાની સમયમર્યાદા તા. ૩૧ ડિસેમ્બર-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. 

સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે. 

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયોની વિસ્તૃત ભૂમિકા આપી હતી. 
આ સુધારાને પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં.

એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના ૪.૯૦ ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૩૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ-૩૬ તથા મહેસૂલ વિભાગ/સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવાપાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં.૭માં કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

નવી શરતની/સાંથણીની/ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી(રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ તલાટી દ્વારા ગ્રામ્ય/શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે. વ્યક્તિનું અવસાન રહેણાંક/વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા બાદ, પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે તેવો જનહિતલક્ષી નિર્ણય પણ તેમણે કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીનના હક્ક દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ ટાળવા, આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે-ઓર્ડર ન હોય ત્યારે, પડતર દાવા(લીસ પેન્ડેન્સી)ની નોંધ ગામ નમૂના-૭માં નોંધ ન કરવા અને સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ફળઝાડ તથા અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે આપેલ જમીનોનો મહત્તમ ઉપયોગ થાય તથા પટ્ટેદારની આજીવિકામાં વધારો થાય તે હેતુસર આવી જમીનો ઉપર ખેતી કરવાની મંજૂરી આપવાનો રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેના પરિણામે ખેત ઉત્પાદન વધશે, અને જમીન કે જે મર્યાદિત કુદરતી સ્ત્રોત છે તેનો મહત્તમ ઉપયોગ શકય બનશે. આ જમીન પર ખેતી કરવાના કારણે પટ્ટેદારને ખેડુતનો દરજજો મળશે નહીં. 

આ ઉપરાંત સિટી સર્વે રેકોર્ડ, હક્કચોક્કસી, પ્રમોલગેશન ક્ષતિ સુધારણાની મુદ્દત, ૩૧/૧૨/૨૦૨૩ સુધી લંબાવવાનો નિર્ણય તેમણે કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ હિસ્સા માપણીના પેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટાવિભાગ અર્થાત્ હિસ્સા માપણીના કિસ્સામાં સહકબ્જેદારો વચ્ચે જ્યારે સહમતિ સધાતી ન હોય તેવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને બે વખત દસ-દસ દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય, તો સર્વે નંબરની હિસ્સામાપણી કરી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે.

મુખ્યમંત્રીશ્રીએ મહેસુલી સેવાઓમાં સુશાસનનો અભિગમ અપનાવતા અન્ય પણ બે મહત્વના નિર્ણયો કર્યા છે. 

તદઅનુસાર ગણોતધારાની કલમ ૪૩/૬૩ ની મંજૂરી બાદ એન.એ બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારીને પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો પ્રજાલક્ષી નિર્ણય શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. 
આ ઉપરાંત ગણોત કાયદાની ૩ર એમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા તા. ૩૧-૧ર-ર૦ર૪ સુધી લંબાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શહેરોમાં સીટી સર્વે છે ત્યાં બિનખેતીની મિલકતોના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત પુરાવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અર્થે રાજય સરકારે હકારાત્મક નિર્ણય કર્યો છે. જેમાં બિનખેતીનો હુકમ, બી.યુ. પરમિશન, લે-આઉટ પ્લાન વગેરે દસ્તાવેજી પુરાવાના દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત ગણાશે નહીં.  વધુમાં, ગામતળની જમીનમાં બિનખેતી કરવાની જોગવાઇ ન હોઇ, આવી જમીનનો બિનખેતી હુકમ ઉપલબ્ધ ન હોય તેથી તેમાં પણ છૂટછાટ અપાશે. જેના નિરાકરણ અર્થે આ પુરાવા જુના મકાનોના સંદર્ભે ફરજિયાત ગણાશે નહીં.
____________________________________________

ટુ વ્હીલર વાહનોની પેન્ડિંગ સીરીઝ GJ 08 માં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરો માટેની હરાજી

(માહિતી બ્યુરો, પાલનપુર)
           પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી પાલનપુર ( બનાસકાંઠા ) દ્વારા ટુ વ્હીલર વાહનોની પેન્ડીંગ સીરીઝ GJ 08 માં ગોલ્ડન/સીલ્વર નંબરો માટેની હરાજી તા.૧૪/૦૮/૨૦૨૨ ના ખોલવામાં આવશે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ–૭ માં કરાવી ONLINE https://parivahan/gov .in/fancy  ૫૨ ૨જીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.
(૧) તા.૧૦/૦૮/૨૦૨૨ થી તા.૧૨/૦૮/૨૦૨૨ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન ક૨વાની ૨હેશે.
(૨) તા.૧૨/૦૮/૨૦૨૨ થી  તા.૧૪/૦૮/૨૦૨૨ ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે.
(૩) તેમજ તા. ૧૪/૦૮/૨૦૨૨ ના રોજ હરાજીમાં સફળ થયેલ અરજદારોને નંબરની ફાળવણી કરવામાં આવશે.
વાહન સેલ લેટ૨માં સેલ તારીખથી ૬૦ દિવસ અંદરના જ અ૨જદારોએ હરાજીમાં ભાગ લેવો સમય બહારની અરજીઓ રદ ક૨વામાં આવશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
____________________________________________

લાખણી તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-કમ-કુકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર)
            લાખણી તાલુકામાં ખાલી પડેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક) ની તદ્દન હંગામી ધોરણે માસિક ઉચ્ચક રૂ.૧૬૦૦/- ના ઉચ્ચક માનદવેતનથી સને.૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે અંશકાલીન સમય માટે સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક) ની જગ્યાઓ ભરવાની થાય છે. જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા અને લાખણી તાલુકાના જે તે ગામના મૂળ રહેવાસી હોય તેવા ફક્ત સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી પત્રક વિના મૂલ્યે મામલતદારશ્રીની કચેરી લાખણી મધ્યાહન ભોજન યોજના શાખામાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મળી શકશે. 
           આ અરજીઓ મોડામાં મોડા તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં કચેરી સમય સુધી સ્વીકારવામાં આવશે. સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક) માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી એસ.એસ.સી. પાસ જરૂરી છે. વધુ લાયકાત વાળા ઉમેદવારો ઉપલબ્ધ થશે તો ઓછી લાયકાતવાળા ઉમેદવારોની અરજી રદ્દ કરવામાં આવશે. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૦ વર્ષથી ઓછી નહીં તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. સ્થાનિક, વિધવા, ત્યકતા, વિકલાંગ મહિલાઓની  અગ્રતાક્રમ આપવામાં આવશે. 
           લાખણી મામલતદારશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે કે, લાખણી તાલુકાના કુડા કેન્દ્ર નંબર ૧૯ મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી સાથે અધિકૃત પૂરાવા આ પ્રમાણે છે. (૧) ઉમેદવારની ઉમર અંગે શાળા છોડ્યાના દાખલાની પ્રમાણિત નકલ (૨) ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની  માર્કશીટની પ્રમાણિત નકલ (૩) ઉમેદવારના ચૂંટણી, આધારકાર્ડની નકલ (૪) ઉમેદવારના રેશનકાર્ડની નકલ (૫) ઉમેદવાર સ્વતંત્ર અથવા સયુંક્ત ખાતે દુકાન/પ્લોટ/ખેતીની જમીન ધરાવતા હોય તો આધાર પુરાવાની નકલ રજૂ કરવી કરવી (૬) ઉમેદવાર કોઈ ગુનામાં સંડોવાયેલ નથી કે કોઈ કોર્ટ કેસ ચાલતો નથી તે અંગે પોલીસ અધિકારીશ્રીનો દાખલો (૭) ઉમેદવારના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અરજી પત્રક સાથે આપવાના રહેશે તેમ મામલતદારશ્રી લખણીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________

પાલનપુર તાલુકાના પીંપળી (ભાગળ) ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
            રાજય સરકારશ્રીની પ્રજાલક્ષી વ્યકિતગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે, વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાઈ રહે તે માટે વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે, તેજ દિવસે મળી રહે તેવા હેતુથી તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” તા.૬ ઓગષ્ટે-૨૦૨૨, શનિવારના રોજ સવારે-૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી પીંપળી (ભા) પ્રાથમિક શાળા, મુ. પીંપળી (ભા), તા.પાલનપુર ખાતે રાખવામાં આવેલ છે. 
           આ કાર્યક્રમમાં રતનપુર, સેમોદ્રા, કમાલપુર, લાલાવાડા, મેરવાડા, ફતેપુર, વાગદા, ગોળા, ઢેલાણા, રૂપપુરા, વિરપુર, અસ્માપુરા(ગો), સદરપુર, પીંપળી(ભા), ગોપાલપુરા, આંબેથા, ધનિયાણા, ખરોડિયા, જસલેણી, હુસેનપુરા, સેજલપુરા, સેદ્રાસણ, સોનગઢ, બાદરગઢ ગામોના લોકોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ-જુદા જુદા જાતિ, આવક, નોન - ક્રિમીલીયર વિગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસૂલી સેવાઓ વિગેરે જેવી વિવિધ પ૬ સેવાઓનો ઉપરના ગામોના લોકોને લાભ લેવા નાયબ કલેક્ટરશ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ