ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૦.૦૯.૨૦૨૨
દાંતા તાલુકાના પેથાપુર ગામના બાળભક્ત પ્રિયાંશ રાવલની અનન્ય માઇભક્તિ : ૨૨ કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી આવીને માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી
(માહિતી બ્યુરો, પાલનપુર)
શક્તિપીઠ અંબાજીમાં મા અંબેનું હૃદય બિરાજમાન છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તો પદયાત્રા કરી માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે.
મહિલાઓ, યુવાનો, વડીલોથી લઇને નાના બાળકો પણ મેળા પ્રસંગે ચાલતા અંબાજી આવીને માતાજીના દર્શન કરે છે. આવો જ એક બાળભક્ત દર વર્ષે અંબાજી મેળામાં ચાલતા અંબાજી આવીને માતાજીના દર્શન કરે છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પેથાપુર ગામનો ૬ વર્ષની નાની ઉંમરનો બાળભક્ત પ્રિયાંશ આશિષકુમાર રાવલ પોતાના ગામથી ૨૨ કિ.મી. ની પદયાત્રા કરી અંબાજી આવીને માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી છે. પ્રિયાંશ અને તેમના માતા શ્રીમતી હેતલબેન રાવલે તા. ૮ સપ્ટેમ્બર -૨૦૨૨ના રોજ પદયાત્રા શરૂ કરી હતી. આ નાના બાળભક્તે પોતાના ઘરે સ્વ. દાદા શ્રી કનુભાઈ રાવલ દ્વારા સાચવેલી ધજા જોઈને દાદીશ્રી વિમળાબા સમક્ષ અંબાજી પદયાત્રા કરી અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવવાની જીદ કરી હતી. માતાએ બાળકની ધાર્મિક શ્રધ્ધાથી પ્રેરીત થઇ જ્યાં સુધી બાળક ચાલી શકે ત્યાં સુધી પદયાત્રા કરવાની શરૂઆત કરી. બાળભક્ત અને તેની માતા અંબાજી સુધી પદયાત્રા કરી માતાજીના શિખરે ધજા આરોહણ કર્યું હતું. બાળભક્ત પ્રિયાંશની આટલી નાની વયે ૨૨ કિ.મી.ની પદયાત્રા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની રહી છે. પ્રિયાંશના માતાશ્રી જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય, મોટાસડા તા. દાંતામાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. નાનો બાળભક્ત પ્રિયાંશ પેથાપુર પ્રાથમિક શાળામાં ધોરણ- ૨ માં અભ્યાસ કરે છે.
આજના આધુનિક સમયમાં શહેરી વિસ્તારના બાળકો મોબાઇલમાં ગેમ રમીને આંખોને પણ નુકશાન પહોંચાડે છે તથા બેઠાડું જીવન જીવવાના કારણે મેદસ્વીતા સહિત અનેક રોગોનો ભોગ પણ બને છે ત્યારે પ્રિયાંશ જેવી માતાજીની ભક્તિ, ભક્તિની સાથે શારીરિક તંદુરસ્તીનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
____________________________________________
છેલ્લા ૩૭ વર્ષથી આઇ.ટી.આઇ.ની ચાનો કેમ્પ માઇભક્તોની સેવામાં કાર્યરત
(માહિતી બ્યુરો પાલનપુર)
ચા એ આપણા જીવનમાં વણાયેલી અણમોલ ચીજ છે. ચા થી આપણી સવાર પડે છે. ચા એકબીજાને પ્રેમથી પીવરાવવામાં આવતું પીણું છે. ચા ની ચુસ્કી ભરતા ગરમ- ગપાટા મારતા, પોલીટીક્સ અને દુનિયાભરની વાતો કરવાની કડી એટલે ચા. ચા વિશે ઘણાં શાયરો અને કવિઓએ શેર પણ લખ્યા છે.
मायूस चेहरे उस वक्त खिलेंगे,
जब सारे दोस्त एक साथ चाय पर फिर मिलेंगे।
જ્યારે ચા ની કીટલી પર મિત્રો મળે એટલે દુનિયાભરની વાતો કરે છે. આ ઉપરાંત આપણે કોઇને મળવા બોલાવીએ તો પણ આવો જોડે ચા પીશું. આમ ચા એ સંબંધ જોડવાની જગતમાં સૌથી શ્રેષ્ઠ કડી છે.
હાલ આદ્યશક્તિ મા અંબેની આરાધાના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. આ માઇભક્તોની સેવા અને સુશ્રુષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પો યોજીને માઇભક્તોની સેવા કરે છે આજે એમાં ચા ના સેવા કેમ્પની વાત કરવી છે.
અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરું લાગતુ હોય તો તે ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા ૩૭ વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષેાથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.
આ સેવાકેમ્પની ચા નો લાભ લેનાર અમદાવાદના પદયાત્રી શ્રી જયેશભાઇ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૨૨ વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી અહીં આઇ.ટી.આઇ.ના સેવા કેમ્પની ચા પીવું છું. ૨૨ વર્ષથી ચા નો એ જ ટેસ્ટ છે જરાય બદલાયો નથી આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે.
બીજા પદયાત્રી શ્રી રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, હું પાટણથી અંબાજી ચાલતો આવું છું. ત્રિશુળીયા ઘાટ ચડતી વખતે થાકી જાઉં છું પરંતુ અહીં ચા પીધા પછી મારા શરીરમાં તાકાત આવે છે અને ફટ કરતો થાક ઉતરી જાય છે એટલે આ ચા પદયાત્રિકો માટે ટોનીક સમાન પુરવાર થઇ રહી છે. આ ચા યાત્રિકોને જાણે રિચાર્જ કરવાનું કામ કરે છે.
શ્રી જય અંબે આઇ.ટી.આઇ. સેવા કેમ્પના આયોજકશ્રી જે. ડી. પટેલે જણાવ્યું કે છેલ્લા ૩૭ વર્ષથી અમે આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્રો મળીને આ સેવા કેમ્પ ચલાવીએ છીએ અત્યારે ૩૮ મું વર્ષ ચાલી રહ્યું છે અને ૭૫ મી પૂનમ છે. અમે વર્ષમાં બે વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા આવીએ છીએ એટલે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ.
____________________________________________
મતદાર જાગૃતિ વધારવાના ભાગરૂપે બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા MOU કરાયા
(માહિતી બ્યુરો, પાલનપુર)
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલ ચાલુ છે તે અંતર્ગત મતદાર યાદીમાં ૧૮ વર્ષથી વધુ વયના નાગરીકો પોતાના નામ દાખલ કરાવી શકે છે. દેશના મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે.
મતદાર જાગૃતિ વધારવાના ભાગરૂપે ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાલનપુર એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ -૨૦૨૨ અંતર્ગત નીચે મુજબ MOU કરવામાં આવ્યાં છે.
આ MOU મુજબ ઔધોગિક વસાહતોમાં કામ કરતા તમામ કામદારોની મતદાર તરીકે નોંધણી થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ મતદાનના દિવસે તેઓ તમામ દ્વારા મતદાન કરવામાં આવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિવિધ કામદારો પાલનપુર તાલુકામાં વસવાટ કરતા હોય અને અહીંયા મતદાર તરીકે નોંધણી કરાવવા ઈચ્છતા હોય તો તેની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાર જાગૃતિ માટે SVEEP એક્ટીવીટીના કાર્યક્રમો જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કરવા માટે સહયોગ આપવામાં આવશે. મતદાર જાગૃતિ ફોરમ (VA) ની રચના કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલ ઈલેક્શન કાર્ડ સાથે આધારલીંક કરવા માટેના કાર્યક્રમોમાં પણ સહયોગ આપવામાં આવશે.
મતદાર જાગૃતિ માટેના તમામ કાર્યક્રમોમાં સહભાગી થવા પ્રમુખશ્રી ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાલનપુરે "લોકશાહીના રાષ્ટ્રીય મૂલ્યનું જતન કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા તમામ પ્રકારનાં સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. તેમ બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરશ્રી યોગીરાજસિંહ ગોહિલે જણાવ્યું છે.
____________________________________________
ભારતીય ટપાલ વિભાગમાં પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI) અને રુરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) માટે એજન્ટ તરીકે કામ કરવાની સુવર્ણ તક
(માહિતી બ્યુરો, પાલનપુર)
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI)/ રુરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) અંતર્ગત એજન્ટ તરીકે કામ કરવા ઈચ્છતા ઉમેદવારો એ પોતાના બાયોડેટા સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા , ઉંમર નું પ્રમાણપત્ર , શૈક્ષણિક લાયકાત અંગેના અસલ પુરાવા અને દરેકની ખરી નકલ સાથે તા.-૨૩/૦૯/૨૦૨૨ ના રોજ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા વિભાગ, જોરાવર પેલેસ પાઉન્ડ, હેડ પોસ્ટ ઓફીસ પાલનપુરની કચેરી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે હાજર રહેવું શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૦ પાસ ઉંમર : ૧૮ થી ૫૦ વર્ષ - બનાસકાંઠા જીલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ ધરાવનાર, કમ્પ્યુટરની જાણકારી ધરાવનાર , સ્થાનિક જગ્યાઓના જાણકારને પ્રાથમિકતા આપવામાં આવશે. કોઈપણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા એજન્ટને તથા સરકારી કર્મચારીને પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સની એજન્સી મળવા પાત્ર નથી. પસંદગી થયેલ એજન્ટ રૂ.૫૦૦૦ /- (NSC/KVP) સિક્યુરિટી ડીપોઝીટ પેટે ભરવાની રહેશે. તેમ અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા વિભાગ, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
દાંતા તાલુકા પંચાયતના મુખ્ય કંટ્રોલ પોઇન્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં વિખુટા પડેલા 227 બાળકો અને અન્ય 942 લોકોનું પરિવારજનો સાથે સુખદ મિલન કરાવાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકોને મેળા અંગે જરૂરી માહિતી, માર્ગદર્શન અને મદદ એક જ સ્થળેથી મળી રહે એ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત દાંતા દ્વારા સંચાલિત મુખ્ય કન્ટ્રોલ પોઇન્ટની સુવિધા અંબાજી સર્કલ ખાતે ઉભી કરવામાં આવી છે. આ સુવિધા યાત્રિકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત સતત 24 × 7 કલાક લાઉડ સ્પીકર પર એનાઉન્સ કરી યાત્રિકોને વિવિધ માહિતી અને માર્ગદર્શન સાથે યાત્રાળુઓને નાની મોટી મદદ આપવામાં આવી રહી છે. તો મેળામાં પોતાના સ્વજનોથી વિખુટા પડી ગયેલા લોકોનું પોતાના પરિવાર અને સ્વજનો સાથે પુનઃ મિલન કરાવવાનું માનવીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.
તાલુકા પંચાયત દાંતા દ્વારા કાર્યરત કન્ટ્રોલ રૂમ પર વિવિધ વિભાગો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. તો એસ.ટી. વિભાગ દ્વારા લોકોને અવરજવર માટે બસોના રૂટની જાહેરાત કરવામાં આવે છે જેથી મુસાફર યાત્રાળુઓને સરળતા રહે છે.તો લોકો દ્વારા પણ કન્ટ્રોલ પોઇન્ટ દ્વારા કોન્ટેક્ટ કરી તેનો મહત્તમ લાભ લેવામાં આવી રહ્યો છે.
કન્ટ્રોલ પોઇન્ટની મુખ્ય સુવિધા થકી મેળામાં અત્યાર સુધી પોતાના પરિવાર સ્વજનોથી છુટા - વિખુટા પડી ગયેલા 227 બાળકોનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. તો અન્ય 942 લોકોને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યુ છે. આજરોજ કન્ટ્રોલ પોઇન્ટ પર 2 વર્ષની અને 4 વર્ષ ની બાળકી મળી આવી હતી જેનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવતા પરિવારજનોએ સરકારની આ સુવિધા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
____________________________________________
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં...
અંબાજીના રસ્તાઓ ઉપર ચોમેર સ્વચ્છતા અને એસ.ટી.બસની સુવિધાની યાત્રિકોએ સરાહના કરી
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. તા. ૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આવતીકાલ તા. ૧૦ સપ્ટેમ્બર પુનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દુરદુરથી ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રધ્ધાળુઓ દુરદુરથી અંબાજી આવ્યા હતા.
બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અંબાજીમાં અને રસ્તાઓ ઉપર ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી એસ.ટી.બસોની સુવિધાઓ જોઇને યાત્રિકોને આનંદ થયો છે. કલેકટરશ્રીના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવા માટે પુરતી સંખ્યામાં બસો હોવાથી અંબાજીમાં અતિશય ભીડ નિવારી શકાઇ છે. આવી સરસ સુવિધાને લીધે યાત્રિકો કાયમી સંભારણા સાથે પોતાને વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે.
મંદિરની વિવિધ રોશનીથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ ૫૧ શક્તિપીઠોના દર્શન કરી માઇભક્તો ધન્ય બની રહ્યા છે.
આવતીકાલ તા.૧૦ સપ્ટેમ્બર પૂનમનો દિવસ ભાદરવા મેળાનો છેલ્લો દિવસ છે. જેમાં નિયમિત પૂનમ ભરતા શ્રધ્ધાળુઓ પણ ઉમટશે.
____________________________________________
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળામાં સ્વચ્છતાનું સઘન આયોજન: GMC/SMCની સફાઈ કામગીરીને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
માતાજીના પ્રસંગમાં સફાઈ થકી સેવાનો લ્હાવો મળ્યો એ બદલ ખુશી વ્યક્ત કરતી સ્વચ્છતાની ટીમો: જિલ્લા વહીવટીતંત્રનો માન્યો આભાર
(માહિતી બ્યુરો, પાલનપુર)
ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મેળા દરમિયાન અંબાજી સહિત આસપાસના વિસ્તારમાં પણ સફાઈનું ખાસ ધ્યાન રાખી સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે મેળામાં પ્રથમવાર દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવી છે. તો આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં સફાઈની કામગીરી 700 જેટલા સફાઈ કર્મીઓની સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સફાઈ સેવા સમિતિના અધ્યક્ષ સ્વપ્નિલ ખરે દ્વારા મેળામાં સફાઈની કામગીરીનું સીધુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સમગ્ર અંબાજીને ચાર ઝોનમાં વિભાજીત કરી તેમાં SMC અને GMC ના સફાઈ કામદારો કામ કરે છે. ચાર ઝોનમાં મુખ્ય અધિકારી પાલનપુર , મુખ્ય અધિકારી ધાનેરા , TDO ડીસા અને અમીરગઢની નિમણુંક કરવામાં આવી છે. મેળા દરમિયાન પાળીમાં સવારે 9 થી 1 અને બપોરે 2 થી 6 સુધી અને રાત્રે 10 કલાક થી 12 કલાક સુધી મેળામાં આંતરિક સફાઈ કરવામાં આવે છે જયારે મુખ્ય માર્ગ પર 24×7 સફાઇ કરવામાં આવે છે. આ સમગ્ર સફાઈ પર મુખ્ય અધિકારી ડીસા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નું મોનીટરીંગ છે. સમગ્ર શહેર માં ચાર ટાઇમ સફાઈ કરવામાં આવે છે. ઉપરાંત ટોયલેટ બ્લોકની અને ડ્રેનેજની પણ સતત સફાઈ ચાલુ છે.
જિલ્લા વિકાસ અધિકારીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન( SMC) અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC ) ના સફાઈ કર્મીઓની સાથે ગબ્બર ખાતે લેસર શૉ માણી માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મેળા દરમિયાન કરવામાં આવેલી સ્વચ્છતાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી સમગ્ર વહીવટીતંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો. તો SMC અને GMC ના અધિકારીશ્રી / કર્મચારીશ્રી / તથા સમગ્ર સ્વચ્છતા ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા જે રીતે સતત તેમની વચ્ચે રહી માર્ગદર્શન પૂરું પાડ્યું તથા તેમની સાથે માતાજીના દર્શનનો લહાવો લીધો તેના માટે તેઓશ્રીઓ દ્વારા પણ બનાસકાંઠા વહીવટી તંત્ર તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી નો હૃદયથી આભાર માની અંબાજીમાં માતાજીના પ્રસંગમાં સેવાનો મોકો મળ્યો એ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
____________________________________________
અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યોઃ માતાજીને ધજા ચડાવી સફાઇકર્મીઓનું સન્માન કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
તા. ૫ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન સ્વચ્છતાના સૈનિકો તરીકે સેવા આપીને મેળાના સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓ અને આ વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓનો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિવલ ખરેએ આભાર વ્યક્ત કરી તેમને માતાજીનો પ્રસાદ અને ફોટો આપી સન્માન કરાયું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મેળાની સફાઇ કામગીરી માટે સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આવતીકાલે આ સફાઇકર્મીઓ આપણી વચ્ચેથી વિદાય લેવાના છે ત્યારે આજે અમે માતાજીને ધજા ચડાવી છે અને તમામ પાયાના સફાઇ કર્મચારીઓનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું છે. તેમણે કહ્યું કે, ગઇકાલે અમે બધાએ સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓની ટીમ સાથે ગબ્બર ખાતે લેસર શૉ નિહાળ્યો હતો તથા માતાજીની સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો. સમગ્ર મેળા દરમિયાન સફાઇકર્મીઓએ અંબાજીમાં જે રીતે સારામાં સારી સફાઇની કામગીરી કરી છે તેના માટે સમગ્ર વહીવટી તંત્ર વતી તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇકર્મીઓ સાથે અંબાજી સર્કિટ હાઉસથી ચાલીને મંદિર પર માતાજીની ધજા ચડાવી હતી. સફાઇકર્મીઓએ પોતાની સેવાની કદર બદલ તંત્રનો આભાર વ્યક્ત કરી માતાજીના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.
____________________________________________
ભાદરવી મેળામાં પ્રથમ વખત નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ માટે 22 જેટલાં પાર્કિંગ પ્લોટની સુવિધા
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમનો મેળો પૂર્ણતા આરે છે. આવતીકાલે પૂનમ હોવાથી મેળામાં મોટી સંખ્યામાં માઇભક્તો પોતાના વાહનો લઇને આવવાની ધારણા છે. મેળા દરમિયાન આ વર્ષે પ્રથમ વખત અંબાજીમાં નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ માટે ૨૨ જેટલાં પાર્કિગ પ્લોટ બનાવાયા છે. દર મહિને પૂનમ ભરવા આવતા યાત્રાળુઓ યોગ્ય પાર્કિંગ કરી શકે, યાત્રિકો- દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય એ માટે અંબાજીમાં પ્રથમવાર નો વ્હીકલ ઝોન સાથેનો પાર્કિગ ઝોન નક્કી કરવામાં આવ્યો છે.
શક્તિપીઠ સર્કલથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની કોલેજ સુધી અંબાજી હાઇવે પર પ્રથમ પ્રયોગના ભાગરૂપે નો વ્હીકલ ઝોન બનવાયો છે. જેમાં અધિકૃત વાહનો સિવાય અન્ય કોઇ વાહનોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી છે. તો તમામ લોકો અંબાજીથી નજીકમાં નજીક વાહન પાર્ક કરી શકે એ પ્રકારના આયોજનના ભાગરૂપે 22 જેટલાં પાર્કિંગ પ્લોટ ડેવલોપ કરાયા છે. જે જગ્યાએ પાર્કિગ પ્લોટ બનાવાયા છે તે સંપૂર્ણ જગ્યા સીસીટીવીથી સજ્જ છે અને ડ્રાયવરો માટે ટોયલેટ બ્લોકની પણ સુવિધા ઉપલબ્ધ બનાવાયેલી છે. આ ઉપરાંત એનાઉન્સમેન્ટની પણ વ્યવસ્થા છે.
ટિપ્પણીઓ