ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૧.૦૯.૨૦૨૨
અંબાજી ભાદરવી મહામેળો સુખરૂપ સંપન્ન
અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મેળાના સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે ૨૪ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી મંદિરના ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રીએ સેવા કેમ્પોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, સેવા સંઘોએ માઇભક્તોની ખુબ સરસ સેવા કરી છે. આ વખતે તંત્ર દ્વારા સફાઇ બાબતે ખુબ કાળજી રાખીને સ્વચ્છતા રાખવામાં આવી છે હજી પણ બે દિવસ સફાઇની કામગીરી સઘન રીતે કરીને અંબાજીના રસ્તાઓ અને અંબાજીને સ્વચ્છ, સુંદર બનાવી દેવાશે. તેમણે કહ્યું કે, સેવા કેમ્પોની સેવાભાવનાને નત મસ્તકે વંદન કરું છું.
કલેક્ટરશ્રીએ કહ્યું કે મેળા દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓની માઇભક્ત યાત્રિકોએ ખુબ સારી પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મા અંબાની કૃપાથી મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે.
આ પ્રસંગે અગ્રણીશ્રી કે. સી. પટેલ, વહીવટદારશ્રી આર. કે. પટેલ સહિત ભાદરવી સંઘ સેવા કેમ્પોના સંચાલકો અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશાળ જન સમુદાય સુધી પહોંચાડવાનો માહિતી ખાતાનો ઉત્તમ પ્રયાસ
(માહિતી બ્યુરો, પાલનપુર)
અરવલ્લીની ગિરીકંદરાઓમાં પ્રતિ વર્ષ ભરાતા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા રાજ્યના માહિતી ખાતા દ્વારા અદ્યતન માહિતી સાથેનું પ્રદર્શન યોજવામાં આવે છે. મેળાના પ્રારંભના દિવસે તા. ૫ સપ્ટેમ્બર-૨૦૨૨, સોમવારના રોજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ડિસ્ટ્રીક્ટ જજશ્રી પી. પી. શાહ, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીની ઉપસ્થિતિમાં આ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેને લાખો માઇભક્તોએ રસપૂર્વક નિહાળીને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાત માહિતી મેળવી છે.
આ પ્રદર્શનના માધ્યમથી રાજ્ય સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ વિશાળ જન સમુદાય સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ માહિતી ખાતા દ્વારા કરવામાં આવ્યો છે. માહિતી ખાતાના આ પ્રદર્શનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની જોડીની ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામો, આ સરકારે લીધેલા અગત્યના પ્રજાહિતના નિર્ણયો અને એ નિર્ણયોથી સમાજ જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનની ઝાંખી કરાવતું આ પ્રદર્શન માઇભક્તો માટે સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે ગુગલ સમાન સાબિત થયું છે.
____________________________________________
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ: માઇભક્તો મહાઆરતીમાં મગ્ન બની ઝુમ્યા
હજારો દિવડાઓની ઝગમગાટ અને શક્તિની આરાધનાના સ્વરથી ગબ્બર તળેટી ગુંજી ઉઠી
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાના ઉપક્રમે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ગબ્બર તળેટી ખાતે ગુજરાતની વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કિંજલ દવે એ માં અંબાની આરતીના સુર રેલાવતા હજારોની સંખ્યામાં ઉમટેલા માઇભક્તો મહાઆરતીમાં મગ્ન બની ઝૂમી ઉઠ્યા હતા. સુર, શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમથી ગબ્બર તળેટી જીવંત થઈ ઉઠી હતી અને સમગ્ર અંબાજી પરિસર ભક્તિમય માહોલમાં ગરકાવ બની ગયું હતું. મહાઆરતી દરમિયાન એક સાથે હજારો દિવડાઓ ઝગમગી ઉઠતા સમગ્ર પરિસર દૈદીપયમાન બન્યુ હતું.
મહાઆરતીના આ મનભાવન પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિર દેવસ્થાનના વહીવટદાર આર.કે પટેલ સહિત હજારો ની સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 જેટલા સંઘો માં અંબેના દર્શનાર્થે ઉમટ્યા
(માહિતી બ્યુરો, પાલનપુર)
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલા મેળા ને લીધે માઇ ભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ હતો જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય મહોલ વચ્ચે જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 જેટલા માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતા. જેમાંથી 224 કરતા વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી આસપાસના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.
____________________________________________
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પોલીસ વિભાગની માઈભક્તોની સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી
અંબાજી ભાદરવી પૂનમ મેળા ૨૦૨૨ ના ૦૬ દિવસ દરમિયાન ગુજરાત તથા વિશ્વભરમાંથી દર્શનાર્થે પધારેલ તમામ માઇ ભક્તોને પોલીસ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાથી ખૂબ જ સંતોષ થયો. જેમા ખાસ કરીને પદયાત્રીઓ અને સંઘો શાંતિ થી ચાલી શકે અને અકસ્માતની સંભાવના નિવારી શકાય તે માટે અંબાજી તરફ જતા રસ્તાની ડાબી લેનમાં માત્ર પદયાત્રીઓ જયારે બાકીના વાહનો રસ્તાની જમણી તરફ ચાલી શકશે તેવું આયોજન કરવામાં આવેલ અને સાથે સાથે કોઈ પણ પદયાત્રીને રોડ ક્રોસ કરવાની જરૂર પડે નહિ એ માટે તમામ સેવા સંઘો પણ રસ્તાની ડાબી તરફ જ રખાવવામાં આવ્યા જેના કારણે ભક્તો ઝડપથી અંબાજી આવી શક્યા, દર્શન કરી શક્યા અને પરત પણ જઇ શક્યા અને કોઇ પણ પ્રકારની ભીડભાડનો અહેસાસ થયા વિના હેરાનગતિ વગર યાત્રા પૂર્ણ કરી શક્યા.
____________________________________________
અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન્ન થતા સમગ્ર વહીવટીતંત્રની ટીમ વતી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે પ્રથમવાર માં અંબા ના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2022 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહા મેળો સુખરૂપ સંપન્ન થયો છે ત્યારે મેળાના ઇતિહાસમાં પ્રથમવાર જ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા માતાજીને મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં ધજા ચડાવી સમગ્ર વહીવટીતંત્ર "ટીમ બનાસકાંઠા" અને લાખો શ્રદ્ધાળુઓ વતી માં અંબા પ્રત્યે ધન્યતા અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
બે વર્ષ બાદ યોજાઈ રહેલો ભાદરવી પૂનમનો આ વખતે વહીવટીતંત્ર માટે એક પડકાર સમાન હતો. શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળા માં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ, આરોગ્ય, સુરક્ષા અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. નોંધનીય છે કે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા માટે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની જવાબદારી પ્રથમવાર તેમના શિરે હતી પરંતુ ટીમ બનાસકાંઠાના સંયુક્ત પ્રયાસોથી અને તંત્રના સુચારુ આયોજન વ્યવસ્થા થકી આ મેળો એક યાદગાર મેળો બની રહયો છે. "ટીમ બનાસકાંઠા" એ અંબાજી મેળાને માંના આશીર્વાદ ગણી માં અંબાનો અવસર સુખરૂપ પાર પાડ્યો છે. મેળા દરમિયાન લાખો ભક્તો શ્રદ્ધાળુઓએ મેળામાં પુરી પાડવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે સરકારશ્રી અને વહીવટીતંત્રનો આભાર માન્યો છે ત્યારે આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે મેળો સુખરૂપ સંપન્ન થતા સમગ્ર વહીવટીતંત્રની ટીમ બનાસકાંઠા વતી જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે પ્રથમવાર માં અંબા ના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. તેમણે માના આશીર્વાદથી જ મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ટિમ બનાસકાંઠાની દ્વારા મેળા માં કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.
____________________________________________
ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદના એક માઇ ભક્તે અંબાજી મંદિરમાં 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું
(માહિતી બ્યુરો, પાલનપુર)
શક્તિપીઠ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભક્તિમય માહોલમાં યોજાઈ ગયો. મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજીમાં સુવર્ણ દાનનો વિશેષ મહિમા રહેલો છે, માઇભક્તો દ્વારા સુવર્ણદાનનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે.લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબાના ધામને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનો મનોરથ કર્યો છે. ત્યારે આજે અમદાવાદના એક માઇ ભક્તે 500 ગ્રામ સુવર્ણદાનની ભેટ માના ચરણોમાં ભેટ ધરી ધન્યતા ની લાગણી અનુભવી હતી. શક્તિપીઠ અંબાજીમાં લાખો માઇભક્તો માનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે અને માના દરબારમાં સોના ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરતા હોય છે.
આજે ભાદરવી પૂનમને દિવસે માના દર્શનનો વિશેષ મહિમા હોઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો. જેમાં અમદાવાદના એક માઇભક્તે આજે 500 ગ્રામ સુવર્ણ દાન કર્યું હતું.
____________________________________________
અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તોએ ગરબાની રમઝટ બોલાવી
આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે સાંજની આરતી પહેલાં માઇભક્તોએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. મેળો સુખરૂપ સંપન્ન થતા સેવા કેમ્પના આયોજકો માથે ગરબો લઇને ગરબે ઝુમ્યા હતા.
____________________________________________
ભાદરવી પૂનમના પવિત્ર દિવસે રેન્જ આઈ.જી શ્રી જે.આર.મોથલિયા અને એસ.પી. શ્રી અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં બનાસકાંઠા પોલીસ પોલીસ પરિવારે અંબાજી મંદિરે ધજા ચઢાવી સૌની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરી
ટિપ્પણીઓ