ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૯.૨૦૨૨
અમદાવાદના ડૉ. પંકજ નાગરની ૩૪ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન
(માહિતી બ્યુરો પાલનપુર)
શક્તિપીઠ અંબાજી ખાતે તા. 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. માં અંબામાં અતૂટ આસ્થા શ્રદ્ધા ધરાવતા લગભગ 25 લાખ જેટલા માઇભક્તોએ મેળા દરમિયાન માં ના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે કેટલાક માઇ ભક્તો એવા છે કે જેમણે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરી બતાવી છે. આવા માઇ ભક્તોએ એકધારી અવિરત અને વણથંભી અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે. આવા માઇ ભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઊંચું સ્થાન આપી અનેક માઇભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ માં અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા આસ્થા ડગી નથી. અને જગત જનની માં અંબાએ પણ પોતાના ભક્તો પર કૃપા વરસાવતા તેમની આ શ્રદ્ધાનું ફળ તેમને આપ્યું છે. આવા જ એક માઇ ભક્ત એટલે અમદાવાદના ડૉ. પંકજભાઈ નાગર...કે જેઓ સતત 34 વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવે છે. માં અંબા પ્રત્યેની તેમની આ અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. તેમની આ અદભુત અને વિરલ સિદ્ધિ ને પંકજભાઈએ પણ માં અંબાના આશીર્વાદ ગણાવી જ્યાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજી માના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
તેમણે પોતાની 34 વર્ષની પદયાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે છેક ૧૯૮૮ થી પોતાની પ્રથમ પદયાત્રા તેમણે પત્ની ગીરા નાગર અને મિત્ર કૌશિકભાઈ ઉપાધ્યાય સાથે શરુ કરેલી. ત્યારબાદ તેમની આ અવિરત આસ્થારૂપી પદયાત્રામાં તેમનો ડોકટર પુત્ર રોહન નાગર , પુત્રી રચના , અને લગભગ ૧૫ મિત્રોનું ગૃપ જોડાયેલુ. સમયાંતરે કેટલાક પદયાત્રી છુટા પડયા/બદલાયા અને નવા જોડાયા પરંતુ માત્ર ડો.પંકજ નાગરની અંબાજી પદયાત્રા અવિરત રહી. 34 વર્ષના વહાણા વાઈ ગયા જેમાં કેટલીયવાર પ્રતિકૂળ સંજોગો સર્જાયા, માં એ પરીક્ષા કરી અને યાત્રા ન થઈ શકે એવા સંજોગો ઉભા થયા પરંતુ તેમણે માં અંબા પ્રત્યેની ભક્તિ ટકાવી રાખી. કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન અંબાજી ખાતે મેળો યોજાઈ શક્યો ન હતો. પણ ડૉ. પંકજ ભાઈની પદયાત્રા ચાલુ રહી હતી. અને માનવ કલ્યાણ તેમજ વિશ્વ ને કોરોના જેવી મહામારીમાંથી ઉગારવા માં અંબાને પ્રાર્થના કરવા તેઓએ કોરોનાના સમયમાં પણ તેમની પદયાત્રા ચાલુ રાખી માં ના દર્શને આવ્યા હતા. ચાલુ વર્ષે 34 મી અંબાજી પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી શ્રદ્ધા આસ્થાનું હિમાલય શિખર સર કર્યું છે. ત્યારે તેમની આ વિરલ સિદ્ધિની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે. તેમણે પોતાના આ સન્માનને માં અંબાના આશીર્વાદ ગણ્યા હતા અને માં અંબાએ જ આટલા વર્ષ સુધી તેમની શ્રદ્ધા ટકાવી રાખી છે તેમ કહ્યું હતું.
____________________________________________
ધાનેરામાં એએસઆઈ વતી વચેટીયો રૂ. ૭૫ હજારની લાંચ લેતા ઝડપાયો
પાલનપુર એસીબીની ટીમે છટકું ગોઠવીને ઝડપી લીધો
પાલનપુર એસીબીની ટીમે ધાનેરા પોલીસ મથકના એએસઆઈ વતી તેના વચેટીયાને રૂ. ૭૫ હજારની લાંચ લેતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધાનેરા પોલીસ મથકમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ એક્ટ અનવ્યે ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ એએસઆઈ રવિકુમાર રમેશભાઈ સોલંકી કરી રહ્યા હતા. જેમાં પોઝિટિવ અભિપ્રાય આપવા તેમજ મારઝૂડ ન કરવા અને મુદ્દામાલ છોડવા માટે ફરિયાદી પાસે એએસઆઈએ રૂ.૭૫ હજારની લાંચની માગણી કરી હતી અને એ રૂપિયા તેના એક વચેટીયા ગનીભાઈ ભીખાજી મુસલાને આપી દેવા રૂબરૂમાં જણાવ્યુ હતું. પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી પાલનપુરનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જે આધારે એસીબી પાલનપુરના પીઆઇ એન. એ. ચૌધરીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતુ. જેમાં એએસઆઈના કહેવાથી તેના વતી વચેટીયો ગનીભાઈ મુસલા લાંચ પેટે રૂપિયા ૭૫ હજારની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેથી એસીબીએ એએસઆઈ અને ખાનગી વ્યક્તિની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
____________________________________________
વિશ્વભરના ૨૦ દેશોના ૨૭ લાખ માઇભક્તોએ ડિજિટલ પ્લેટફોર્મ થકી મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ
(માહિતી બ્યુરો,પાલનપુર)
રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની તમામ પ્રકારની સવલતો સુવિધાઓ સચવાય એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. જેના માટે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી યાત્રાળુઓને મેળા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહા મેળામાં સરકાર શ્રીના ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ . સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન, વાહન પાસ અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઘેર બેઠા માં અંબાના દર્શન કરી શકે એ માટે પ્રકારનું આયોજન કરી માઇભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
મેળા દરમિયાન સોશ્યલ મીડિયાનો અસરકારક ઉપયોગ
અત્યારનો સમય સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો છે. આંગળીના ટેરવે લોકોને મોબાઇલ સ્ક્રીન પર માહિતી મદદ અને જાણકારી મળી રહે એ માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી દર્શનાર્થીઓને વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં મેળામાં ઉમટેલા માઇભક્તોએ લાભ લીધો હતો. મેળા દરમિયાન જુદી જુદી જગ્યાએ જ્યાં યાત્રિકોનો મોટો ઘસારો રહેતો હોય એવા સ્થળોએ 12 જેટલી મોટી એલ.ઇ.ડી સ્ક્રીન અને 35 જેટલા ટીવી સ્ક્રીન માં દર્શન , આરતી , અગત્યની માહિતી , સરકારશ્રીની લોકકલ્યાણ માહિતીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
શક્તિપીઠ અંબાજી દેશભર અને વિશ્વમાં વસતા માઇભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક છે. ભાદરવી પૂનમના મેળાનો વિશેષ મહિમા હોઈ લાખો યાત્રાળુઓ માં અંબાજીના ધામમાં ઉમટી પડતા હોય છે.ત્યારે અંબાજી ન આવી શકનાર માઇ ભક્તો ઘેર બેઠા માતાજીના દર્શન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ર મેળાનું સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું .જે અંતર્ગત વિશ્વભરના 20 જેટલા દેશમાં 27 લાખ શ્રદ્ધાળુઓએ ડિજિટલ માધ્યમ ફેસબુક, યુ ટ્યુબ , ટ્વિટર , વેબસાઈટ ના માધ્યમથી મેળાનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ધન્યતા અનુભવી છે.તો આ વર્ષથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્રામ પેજ પણ શરૂ કરાયું છે.જેનો બહોળી સંખ્યામાં યુવાવર્ગે લાભ લીધો હતો.
____________________________________________
યાત્રાધામ અંબાજીમાં બે દિવસીય સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
સ્વચ્છતાની ખાસ ટીમોએ મા અંબાના ધામને ચોખ્ખું ચણાક કરવાની નેમ સાથે અંબાજી સહિતના આસપાસના રસ્તાઓ ઉપર સફાઈ કરી
(માહિતી બ્યુરો પાલનપુર)
ભાદરવી પૂનમનો મેળો માં અંબાના આશીર્વાદથી સુખરૂપ સંપન્ન થયો છે. 25 લાખ જેટલા માઇ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે. ત્યારે મેળા દરમિયાન અને મેળા બાદ યાત્રાધામ અંબાજીની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય એ પ્રકારનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળા બાદ બે દિવસ માટે અંબાજી અને અંબાજીને જોડતા રસ્તાઓની સાફ સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માં અંબાના ધામમાં 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મેળામાં 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતો હોય ત્યારે સ્વચ્છતા પણ જરૂરી છે. જેના માટે કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા યાત્રાધામની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય એ માટે મેળા દરમિયાન અને મેળા બાદ પણ સફાઈ અંગેની ખાસ તકેદારી રાખી તેમના સીધા માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાનું ખાસ આયોજન કરાયું હતું. સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતા કામગીરીમાં 700 જેટલા કર્મચારીઓ જોડાયા હતા જેમણે મેળા દરમિયાન યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવાની સુંદર કામગીરી બજાવી હતી. અને મેળા બાદ પણ બે દિવસ સ્વચ્છતાની કામગીરી કરી યાત્રાધામ અંબાજીને ચોખ્ખું ચણાક કરવાની નેમ સાથે સ્વચ્છતા ઝુંબેશને સફળ બનાવશે.
ટિપ્પણીઓ