ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૩.૦૯.૨૦૨૨
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કિરણબેન રાવલ ચૂંટાયા
પાલનપુર નગરપાલિકાના પ્રમુખપદેથી હેતલબેન રાવલે અચાનક રાજીનામું આપી દેતા આગામી સવા વર્ષ માટે પ્રમુખ તરીકેની વરણી કરવા માટે પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં પાલનપુર પ્રાંત ઓફિસર દ્વારા સોમવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા કિરણબેન દેવેન્દ્રકુમાર રાવલને જ્યારે કોંગ્રેસ દ્વારા અંકિતાબેન ઠાકોરને પ્રમુખપદના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. દરમિયાન પ્રમુખપદના આ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાતા કિરણબેન રાવલ બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલને ભાજપના સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખ તરીકે ચૂંટાયેલા કિરણબેન રાવલ ભાજપના સંનિષ્ઠ કાર્યકર અને બે ટર્મ સુધી નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ નોંધપાત્ર કામગીરી કરનાર દેવેન્દ્રભાઈ રાવલના ધર્મપત્ની છે. દેવેન્દ્રભાઈ રાવલને તેમની સભ્ય તરીકેની ટર્મ દરમિયાન જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી ન હતી ત્યારે આખરે મોડે મોડે પણ પાર્ટીએ તેમની કદર કરીને તેમના ધર્મપત્નીને પ્રમુખપદનો કાર્યભાર સોંપતા દેવેન્દ્રભાઈ રાવલ અને નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલ દ્વારા ભાજપ મોવડી મંડળનો આભાર માનવામાં આવ્યો હતો.
____________________________________________
વિપક્ષ કોંગ્રેસે ધરણાં કરી ચીમકી આપી હોવા છતાં..
રાજગઢી વિસ્તારમાં શાળાઓ અને મંદિર સામેની નર્કાગાર પરિસ્થિતિ યથાવત
શાળાના બાળકો અને લોકોને ચાલવાના માર્ગ ઉપર જાણે કચરાની જાજમ પાથરી હોય એવા દ્રશ્યો....
આ કચરામાં ખોરાક શોધતા ભૂંડ, કૂતરા અને ગાય-આખલા જેવા પ્રાણીઓ ક્યારેક નાના બાળકો સહિત કોઈને પણ અડફેટે લઇ ઇજા પહોંચાડે તેવી ભીતિ...
પાલનપુરમાં રાજગઢી વિસ્તારમાં આવેલ ત્રણ શાળા અને નાગણેજી માતાના મંદિર પાસે પાલનપુર નગરપાલિકા દ્વારા બિન અધિકૃત રીતે જાહેર માર્ગ ઉપર કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવેલ છે. જ્યાં નગરપાલિકાના સફાઈ કામદારો આજુબાજુના વિસ્તારની ગટરોમાંથી નીકળતો કાદવ-કીચડ અને પ્લાસ્ટિક- કાગળ સહિતનો કચરો ફેંકીને જાય છે. નગરપાલિકા દ્વારા આ કચરો અઠવાડિયામાં માત્ર એક-બે વખત જ સાફ કરવામાં આવતો હોય બાકીના દિવસો દરમિયાન આ કચરામાં ભૂંડ, કુતરા અને ગાય,આખલા જેવા પ્રાણીઓ ખોરાક શોધવા માટે રોજ ઉમટતા હોવાથી અહીં આવેલી ત્રણ શાળાઓના બાળકો ઉપર ખતરો મંડાય છે. આ કચરાના સ્ટેન્ડમાં ફેંકાતા કાદવ-કીચડમાંથી એટલી દુર્ગંધ ફેલાય છે કે, શાળામાં ભણતા બાળકો અને શાળાના શિક્ષકો તેમજ આજુબાજુથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. આ કચરા સ્ટેન્ડ દૂર કરવા અંગે સ્થાનિક મ્યુ. સભ્ય દ્વારા અસંખ્ય વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે તેમજ ધી મેસેજ દૈનિક સહિત અન્ય અખબારો દ્વારા પણ આ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમ છતાં નગરપાલિકાના શાસકોના પેટનું પાણી હાલતું નથી અને અહીં શાળાઓ અને મંદિર સામે નર્કાગાર પરિસ્થિતિ સર્જાય છે.
દોઢ મહિના અગાઉ પાલનપુર નગરપાલિકામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અંકિતા ઠાકોર અને આ વિસ્તારના મ્યુ. સભ્ય તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કચરાના સ્ટેન્ડની જગ્યા ઉપર ધરણાં કરીને પાલનપુર નગરપાલિકાની વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને અહીંથી આ કચરાનું સ્ટેન્ડ હટાવવા માટે માંગ કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષ કોંગ્રેસના ધરણાંના કાર્યક્રમ પછી પણ એની એ જ નર્કાગાર પરિસ્થિતિ યથાવત છે. નગરપાલિકાના સફાઈ કામદારો રાબેતા મુજબ એ જ સ્થળ ઉપર કચરો અને કાદવ-કીચડ ફેંકીને જાય છે. જેના કારણે શાળાઓ અને મંદિર સામે ફરી એ જ નર્કાગાર પરિસ્થિતિ સર્જાઈ છે. જાહેર માર્ગ ઉપર કચરાનો ખડકલો કરાતા એક તરફનો આખો માર્ગ કચરાથી ઢંકાઈ જાય છે અને લોકોને ચાલવાના માર્ગ ઉપર જાણે કચરાની જાજમ પાથરી હોય એવા દ્રશ્યો સર્જાય છે. આ કચરામાં ખોરાક શોધતા ભૂંડ, કૂતરા અને ગાય-આખલા જેવા પ્રાણીઓ ક્યારેક નાના બાળકો સહિત કોઈને પણ અડફેટે લઇ ઇજા પહોંચાડે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલ આ જગ્યાની રૂબરૂ મુલાકાત લઇ શાળાઓ અને મંદિર સામેથી કાયમી ધોરણે ગંદકી દૂર કરાવે તે ઇચ્છનીય છે.
____________________________________________
માનવતાની દિવાલના ખાનામાં માણસોની બેઠક
લોકોની જરૂરિયાત માટે મુકાતા કપડાં દિવાલ પાસે ખુલ્લામાં વરસાદમાં પલળે છે...
પાલનપુરમાં પથિક આશ્રમ પાસેના ફૂટપાથ ઉપર ગુરુ કૃપા સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની દિવાલ નામે એક કેબિન મૂકવામાં આવેલ છે. આ ટ્રસ્ટનો આશય એવો હતો કે, કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ માટે કોઈપણ દાતા અહીં કપડાં અને બુટ-ચંપલ જેવી જરૂરિયાતની વસ્તુઓ મુકી જાય અને કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ પોતાની જરૂરતની વસ્તુઓ અહીંથી લઈ જાય. પરંતુ જેમ દરેક જગ્યાએ બને છે તેમ લોકો કોઈપણ સુવિધાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે તેનો દુરુપયોગ વધુ કરતા હોય છે. આ તસવીરમાં પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે. સોમવારે આ તસવીર લેવામાં આવી ત્યારે માનવતાની દીવાલના ખાનામાં કેટલાક માણસો આરામથી બેઠેલા અને વાતોના ગપાટા મારતા જણાયા હતા. જ્યારે કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ માટે કોઈ દાતાએ મુકેલા કપડાંનો ઢગલો દિવાલની પાસે પડેલો જોવા મળ્યો હતો. કપડાંના ઢગલાની નજીકમાં જ કૂતરાં ફરતા પણ જોવા મળ્યા હતા એટલે કપડાં ઉપર કૂતરાં મુતરે તો કપડાં બગડી પણ શકે. ઉપરાંત વરસાદના કારણે આ કપડાં પણ પલળી ગયા હતા ત્યારે કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ આવા કપડાં કેવી રીતે લઈ શકે? એ સ્વાભાવિક છે.
અહીં ગુરુ કૃપા સેવા ટ્રસ્ટ દ્વારા કેબિન મુકતા તો મૂકી દીધું પરંતુ તેનું ધ્યાન રાખવાની પણ જવાબદારી ટ્રસ્ટની બની જાય છે. જો તંત્ર દ્વારા આ જાહેર સ્થળનું ધ્યાન રાખવામાં નહીં આવે તો થોડા સમય પછી ક્યાંક આ માનવતાની દિવાલ હટાવીને એની જગ્યાએ કોઈ ભેજાબાજ દબાણ કરીને ચા નાસ્તાનો સ્ટોલ કે પાનના ગલ્લાનું દબાણ કરી દે એવું પણ બની શકે છે તે જોતાં વહીવટી તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
____________________________________________
પાલનપુર પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમની ઉજવણીમાં રૂ. ૫૨૩ લાખના ૧૨૩ કામોનું ઇ- ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર તાલુકાના જગાણા ગામે એસ. કે. મહેતા હાઇસ્કુલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે પાલનપુર પ્રાંતમાં સમાવિષ્ટ પાલનપુર અને વડગામ તાલુકામાં કુલ- ૫૨૩.૩૭ લાખ રૂપિયાના ૧૨૩ કામોનું ઇ- ખાતમૂર્હત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વનીકરણ, તળાવો ઉંડા કરવાના કામો, ચેકડેમ, પંચાયત ઘર અને આંગણવાડીના મકાનો, બોર અને કુવા રિચાર્જ સ્ટ્રક્ચર, ગટરલાઇનના કામો, પેવર બ્લોક, પૂર સંરક્ષણ દિવાલ, પાણીની પાઇપલાઇનો, સી.સી રોડ, સામૂહિક શૌચાલય, સ્નાનઘાટના કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ગુમાનસિંહ ચૌહાણ, ગિરીશભાઇ જણાણીયા, લાલજીભાઇ કરેણ, લાલજીભાઇ પ્રજાપતિ, મોતીભાઇ પાળજા, પરથીભાઇ ગોળ, અશ્વિનભાઇ સક્સેના, રતિભાઇ લોહ, સરપંચ પ્રહલાદભાઇ પરમાર, નિવાસી અધિક કલેકટર રીટાબેન પંડ્યા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમાર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
પાલનપુર સહિત જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં તા.૧૨/૧૧/ર૦રરના રોજ સને-૨૦૨૨ની ચોથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કેસો જેવા સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વિજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે. જે કોઈપણ પક્ષકાર ભાઇ- બહેનો તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય, તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહીત સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર, ટેલીફોન.નં. ૦૨૭૪૨-૨૬૧૪૯૫ ના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફીસનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી પી. પી. શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/ કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
(માહિતી બ્યુરો, પાલનપુર)
સરકારશ્રી દ્વારા ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/ કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના અમલમાં મુકેલ છે. કાંટાળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/ કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં.
સોલાર પાવર યુનિટ/ કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાંથી નિયત થયેલ ગુણવત્તાવાળી કિટની ખરીદી કરી શકશે. લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. આ કીટ માટે ૧૦ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનામાં આઈ- ખેડૂત પોર્ટલ પર તા.૧૦/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ સુધી અરજી કરી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ટિપ્પણીઓ