ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૫.૦૯.૨૦૨૨


પાલનપુર અને વડગામની આંગણવાડી કાર્યકરોની વિશાળ રેલી નીકળી

આંગણવાડી કાર્યકરોએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે રેલી કાઢી પોતાની પડતર માંગોના મુદ્દે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

પાલનપુર શહેરમાં બુધવારે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની એક વિશાળ રેલી હતી. જેમાં પાલનપુર અને વડગામની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો સાથે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાયા હતા અને આ બહેનોની સાથે પદયાત્રા કરી ક્લેક્ટર કચેરી સુધી જઈ નાયબ ક્લેક્ટરને મળી આવેદનપત્ર આપી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની પડતર માંગો સંતોષવા માટે સરકાર સુધી વાત પહોંચાડવા રજૂઆત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બુધવારે સમગ્ર વડગામ તાલુકાની આંગણવાડી અને તેડાગર બહેનોએ વડગામ તાલુકા સંઘના હોલ ખાતે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે મીટીંગ યોજી હતી. જેમાં તેઓએ પોતાની વિવિધ માંગોની લેખિત રજૂઆત ધારાસભ્યને કરી હતી. ત્યારબાદ તેઓએ વડગામ તાલુકા સંઘના હોલથી વડગામ-પાલનપુર હાઇવે ઉપર આવેલ વી.જે. પટેલ હાઇસ્કુલ સુધી ધારાસભ્ય સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ પાલનપુર પહોંચી પાલનપુરની આંગણવાડી બહેનો સાથે મળીને પાલનપુરના જહાંઆરા બાગથી રેલી શરૂ કરી સરકાર વિરુધ્ધ નારા લગાવી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ નાયબ કલેકટર રીટાબેન પંડ્યાને આવેદનપત્ર આપી પડતર માંગોના મુદ્દે રજૂઆત કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકરો પોતાની પડતર માંગોના મુદ્દે છેલ્લા ૧૫ દિવસથી આંદોલન ચલાવી રહી છે. જેના કારણે જિલ્લાની તમામ આંગણવાડીઓ બંધ છે. જેને લઇ જિલ્લાના પ્રોજેક્ટ ઓફિસરે વિવિધ તાલુકાની સીડીપીઓને લેટર મોકલ્યા છે અને સીડીપીઓએ તેમના હાથ નીચેની સુપરવાઈઝરોને એ લેટર મોકલ્યા છે અને આ સુપરવાઇઝર બહેનોએ પોતપોતાના સેજાના વોટસએપ ગ્રુપમાં ઉપરથી આવેલા આ લેટર મૂક્યા છે. જે લેટરમાં લખ્યું છે કે, આ પત્ર મળ્યા બાદ તાત્કાલિક ધોરણે પોતાની ફરજ પર હાજર થવાનું રાખજો. અન્યથા સંદર્ભ ૨ના ગાંધીનગરના ઠરાવ મુદ્દા નંબર ૧૫.૬ને ધ્યાને લઇ તમારી ફરજ પરની સેવા સમાપ્ત કરવામાં આવશે. જેના જવાબમાં આ આંગણવાડી કાર્યકરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને કાલે છુટા કરતા હોય તો આજે છુટા કરી દો પણ જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. આમ, હવે સરકાર દ્વારા પહેલ કરીને આ આંગણવાડી કાર્યકરો સાથે એમની માંગોના મુદ્દે વાટાઘાટો કરી એમની માંગ સંતોષવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો જ આ આંદોલન સમેટાશે તેવું આંગણવાડી કાર્યકર બહેનોનો ઉગ્ર મિજાજ જોતા જણાઈ આવે છે.
____________________________________________

પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો


પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરણબેન દેવેન્દ્રભાઈ રાવલે બુધવારે સવારે ૧૧.૧૫ કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પદગ્રહણ કરી પ્રમુખપદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે શાસક પક્ષ ભાજપના સભ્યો અને પાલનપુર શહેર ભાજપના હોદ્દેદારો તથા શુભેચ્છકોએ ઉપસ્થિત રહી તેમને ફુલહાર પહેરાવી પાલનપુર શહેરનો વિકાસ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલે પણ પોતાની અંદર વિશ્વાસ મૂકી પોતાને પ્રમુખપદની જવાબદારી સોંપવા બદલ મોવડી મંડળનો આભાર માની પાલનપુરના રોડ-રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટના કામોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
____________________________________________

મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કર્યાં


ગુજરાતની જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. જેના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણાં ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજી વાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે.
____________________________________________

પાલનપુરના કાંતિભાઈ પરમારે દેહદાનનો સંકલ્પ કર્યો

પાલનપુરની બનાસ ડેરીમાં પરચેઝ વિભાગથી નિવૃત્ત થયેલા કાંતિભાઈ લવજીભાઈ પરમાર લોકસેવા અને જનસેવાના વિવિધ કામો કરે છે. આ કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન, અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે. મૃત્યુ બાદ દેહદાન કરવાથી પોતાનો દેહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈનો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાનએ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે એવું વિચારી પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમણે દેહદાન, અંગદાન અને ચક્ષુદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ, પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભર્યું હતું. જનસેવા ગ્રુપે કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ