ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૬.૦૯.૨૦૨૨

પાલનપુરની જમીન દફતરની જિલ્લા નિરીક્ષકની કચેરીના જાહેર માહિતી અધિકારીને રૂ.૨૫ હજારનો દંડ



તેનીવાડાની વિવાદાસ્પદ જમીન મામલે થયેલી આરટીઆઇમાં અરજદારને માહિતી ન આપતા રાજ્ય માહિતી આયોગે દંડ ફટકાર્યો

પાલનપુર ખાતે આવેલ જમીન દફતરની જિલ્લા નિરીક્ષકની કચેરીના જાહેર માહિતી અધિકારીને રાજ્યના માહિતી આયોગ દ્વારા અરજદારને માહિતી ન આપવાના કેસમાં રૂ. ૨૫ હજારનો દંડ ફટકારતા ડી.આઈ.એલ.આર.ની કચેરીમાં વર્ષોથી ચલાવાતી લાલીયાવાડીનો ઓન રેકર્ડ પર્દાફાશ થવા પામ્યો છે. 

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના તેનીવાડાની જમીનના રસ્તા બાબતે ચાલતા વિવાદ અંગે થયેલ કાર્યવાહી અંગે ડી.આઇ.એલ.આર કચેરીના રેકર્ડ મુજબ માપણી સીટમાં સુધારો કરવા બાબતે કાર્યવાહીની માહિતી અરજદાર દ્વારા માંગવામાં આવી હતી. જે અંગેની માહિતી જાહેર માહિતી અધિકારીએ અરજદારને ના આપતા મામલો માહિતી આયોગમાં પહોંચ્યો હતો. જયાં માહિતી આયોગને જમીન દફતરની જિલ્લા નિરીક્ષકની કચેરીના જાહેર માહિતી અધિકારીની નિષ્કાળજી જણાતા તેમને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો અને તેની ખાતાકીય તપાસ માટે વિભાગને પત્ર દ્વારા જાણ કરી છે.

વડગામ તાલુકાના તેનીવાડા ગામમાં આવેલ જમીનના રસ્તાના વિવાદ બાબતે અરજદાર હિતેન્દ્રભાઈ લવજીભાઈ પરમાર (રહે.પાલનપુર)એ માહિતી અધિકાર હેઠળ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીમાંથી રસ્તાના ઉલ્લેખ બાબતે કરેલ કાર્યવાહી અંગે માપણી નોંધ લીધી હતી અને આ બાબતે પાલનપુર ખાતે સીટમાં સુધારો કરવાની કાર્યવાહી બાબતે માહિતી અને માપણી સીટમાં સુધારો કરવાનો નાયબ કલેક્ટરનો હુકમ અને તેની નકલ માંગી હતી. જેમાં જમીન દફતર કચેરી દ્વારા નાયબ કલેક્ટરનો હુકમ તેમની કચેરીને ન મળેલ હોવાથી માપણી સીટમાં સુધારો કરેલ ન હોવાનું જણાવાયું હતુ. 

જેથી અરજદાર હિતેન્દ્રભાઈ પરમારે માહિતી આયોગને ફરીયાદ કરી હતી. જે અંગે માહિતી આયોગે માહિતી અધિકારીની સ્પષ્ટતા માંગી જણાવ્યું હતું કે તમે નાયબ કલેક્ટર પાસેથી હુકમની નકલ મેળવી શક્યા હોત. પરંતુ નકલ મેળવેલ નથી અને નિષ્કાળજી રાખી અરજદારને હેરાન કરેલ હોવાનું માહિતી આયોગના ધ્યાને આવતા આયોગે જમીન દફતરની જિલ્લા નિરીક્ષકની કચેરીના જાહેર માહિતી આયોગ અધિકારી એલ. એ. ઠાકોરને રૂ.૨૫ હજારનો દંડ કરવાનો આદેશ કરી જો દંડની રકમ ભરપાઈ ન કરે તો તેમના પગાર ભથ્થામાંથી કપાત કરીને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં અહેવાલ મોકલી આપવા જણાવી જાહેર માહિતી અધિકારીની બેદરકારી બદલ તેમને કડક સજા કરવા માટે પણ સેટલમેન્ટ કમિશ્નરને ભલામણ કરી છે.
____________________________________________

શંકાસ્પદ મોત થયું હોવાની રજૂઆત થતાં...

જોરાપુરા ગામમાં દફનાવેલા માતા-પુત્રીના મૃતદેહને બહાર કઢાયા

ધાનેરા તાલુકાના જોરાપુરા ગામમાં એક અઠવાડિયા અગાઉ એક મહિલા અને તેની દીકરીના મૃતદેહ પાણી ભરેલા હોજમાંથી મળી આવ્યા હતા. પરંતુ મહિલાના ભાઈએ બંનેનું મોત શંકાસ્પદ હાલતમાં થયેલ હોવાની રજૂઆત પોલીસ મથકે કરી હતી. જેના કારણે ગુરૂવારે બંનેના મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ધાનેરાના રહીશ પોપટભાઈ ભટોરની પુત્રી હેતલના લગ્ન ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે કિરતભાઇ ગલચર સાથે થયા હતા. જેમને એક દીકરી પણ થઈ હતી. દરમિયાન ગત તા. ૬.૯.૨૦૨૨ દિવસે માતા- પુત્રીના મૃતદેહ પાણીના હોજમાંથી મળી આવતા તેમના સાસરિયા દ્વારા મૃતદેહો સ્મશાનમાં દફન કરાયા હતા.

આ દરમિયાન મૃતક મહિલાના પિયરપક્ષના ધ્યાને એક વિડિયો આવતા મહિલાના ભાઇએ બંનેના મોત શંકાસ્પદ હોવાની ધાનેરા પોલીસ મથકે રજૂઆત કરી હતી. આથી ગુરૂવારે થરાદ એ.એસ.પી. પૂજા યાદવ, ધાનેરા પ્રાંત અધિકારી સહિતની ટીમે માતા- પુત્રીના મૃતદેહો જમીનમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે અમદાવાદ ખાતે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
____________________________________________

પોતાના ન્યાય માટે આંદોલન ચલાવતી મહિલાઓને આંગળી પણ અડાડી તો આંગળી કાપી નાખવાનો વાવ ધારાસભ્ય દ્વારા પોલીસને પડકાર

પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલી થરાદ તાલુકાના બંન્ને ઘટકોની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ફરજ પર હાજર થવાના તેમના વિભાગના આદેશને ગણકાર્યા વગર ગુરુવારે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં વાવ તાલુકાની કાર્યકર બહેનો પણ જોડાતાં તેમના સંખ્યાબળમાં વધારો થયો હતો.

આ પ્રસંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા અને તેમણે પોલીસને ઉદ્દેશીને ચીમકી ઉચ્ચારી હતી કે, વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું, તમો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છો. પોતાને ન્યાય મળે તે માટે આંદોલન ચલાવતી મહિલાઓ પર અત્યાચાર કરવાની તમારી ડ્યુટી નથી, છતાં પણ કોઈ પોલીસવાળા વહીવટી તંત્રના કહેવાથી કાર્યકરોને હેરાન કરતા હશે તો અમે તમારી સાથે છીએ. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ અગ્રણીઓએ પણ કાર્યકરોની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ આ અંગે સરકારને આંગણવાડી કાર્યકરોની માંગણીઓ સત્વરે પૂર્ણ કરવા માટે લેખિતમાં પત્ર લખી રજૂઆત પણ કરી છે.
____________________________________________

પાલનપુર કલેકટર કચેરી ખાતે "દિશા" કમિટીની બેઠક યોજાઇ

પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-૨૦૨૨-૨૩ના ૩૧ ઓગસ્ટ-૨૦૨૨ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
____________________________________________

જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમતની કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાની રજૂઆતનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટ અને વધુમાં વધુ ૪૫ મિનિટ રહેશે. (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખીને ભાગ લેનારની ઉંમર ૭ વર્ષથી ઓછી અને ૧૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.) આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, એસ-૨૧, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, પાલનપુર ખાતેથી પ્રવેશપત્ર મેળવી તારીખ: ૨૩/૦૯/૨૦૨૨ સુધીમાં ભરીને જમા કરાવવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવ્યું છે.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ