ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૨.૦૯.૨૦૨૨

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ રાજય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાયમરી પ્રોસેસિંગ કેન્દ્રોનું ખાતમુર્હૂત કરાયું


સરકારશ્રીની વિવિધ સહાય અને લાભ મેળવી સમૃદ્ધિ તરફ આગળ વધવા અનુરોધ કરતા મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા

(માહિતી બ્યુરો, પાલનપુર)
             મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી સમગ્ર રાજ્યમાં રૂ.૩૧૦૦ લાખના ખર્ચે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેના ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે શિક્ષણ રાજય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાયમરી પ્રોસેસિંગ કેન્દ્રોનું ખાતમુર્હૂત કરાયું હતું. તેમજ નવી યોજનાઓ મિશન કમલમ (ડ્રેગન ફ્રુટ) કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તથા મધમાખી મિશન કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
            આ પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ સરકારની વિવિધ કૃષિવિષયક યોજનાઓના લાભ થકી ખેડૂતોને સમૃદ્ધ બનવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર બનાસકાંઠામાં પહોંચાડી અહીંના ખેડૂતોની સમૃદ્ધિની કેડી કંડારી હતી. જેને રાજ્યના હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ વિષયક યોજનાઓ અને લાભો થકી નવી દિશા આપી છે. જેના લીધે પ્રધાનમંત્રીશ્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થવા પામ્યું છે. આપણો ખેડૂત પુરુષાર્થમાં પાવરધો છે એમ જ જણાવી મંત્રીશ્રીએ આજથી ૨૦ વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતીની કલ્પના કરવી મુશ્કેલ હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ ખેડૂતહિતલક્ષી યોજનાઓ શરૂ કરી આર્થિક સહાય કરતા આજે બનાસકાંઠા જિલ્લામાં પપૈયાં, દાડમ, ખારેક, શક્કરટેટી, તડબૂચ સહિતની બાગાયતી ખેતી થઈ રહી છે. કમલમ અને દ્રાક્ષ જેવા પાકોની ખેતીએ જિલ્લાને આગવી ઓળખ આપી છે. જ્યારે શાકભાજીના ઉત્પાદનમાં બનાસકાંઠા હબ બની રહ્યું છે એમ જણાવી સરકારની ખેડૂતલક્ષી નીતિઓને લીધે ખેડૂતોની પ્રગતિમાં પરિવર્તન આવ્યું હોવાનું ઉમેરી ઉપસ્થિત ખેડૂતોને સરકારની વિવિધ સહાય અને લાભ મેળવી સમૃદ્ધિ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.
             આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઈ અનવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જાગૃતિ માટે સરકારે ગામે ગામ કૃષિરથ ફેરવ્યા છે જેના થકી ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ થયા છે. ખેડુતોની આવક વધે એવી અનેકવિધ યોજના અને સહાય અમલી બનાવી ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું કામ આ સરકારે કર્યું છે. કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ. ૬૦૦૦/- જમા કરાવવામાં આવે છે. ખેડૂતો કઈ રીતે આગળ વધે અને પ્રગતિ કરે એની ચિંતા સરકાર કરે છે એમ જણાવી સાંસદશ્રીએ સરકારની તમામ યોજનાઓનો લાભ લઇ ખેતીને ઉત્તમ ખેતી બનાવવા આહવાન કર્યું હતું.
            આ પ્રસંગે સરકારની વિવિધ કૃષિવિષયક સહાય મેળવનાર લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને બાગાયતી યોજનાઓની માહિતી સાથે બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી, આયાત નિકાસ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાના સફળ બાગાયતદારોએ પોતાના અનુભવ જણાવી અન્ય ખેડૂતોને બાગાયતી ખેતી અપનાવવા અપીલ કરી હતી.
           આ પ્રસંગે ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના વાઇસ ચાન્સેલર ડૉ.આર.એમ.ચૌહાણ, ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઇ, ડીસા એપીએમસી ચેરમેનશ્રી માવજીભાઈ દેસાઈ, બાગાયત અધિકારીશ્રી ડૉ.રજનીભાઈ ઠક્કર, પદ્મશ્રી ખેડૂત ગેનાભાઈ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી ઈશ્વરભાઈ સોલંકી, રમેશભાઈ દેસાઈ, અર્જુનભાઇ, બાબરસિંહ, પ્રગતિશીલ ખેડૂતો, લાભાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________

પાલનપુર તાલુકાના કુશ્કલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
            રાજય સરકારશ્રીની પ્રજાલક્ષી વ્યકિતગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે, વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાઈ રહે તે માટે વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે, તેજ દિવસે મળી રહે તેવા હેતુથી તાલુકા કક્ષાએ ‘‘સેવા સેતુ કાર્યક્રમ’’ તા. ૩ સપ્ટેમ્બર-૨૦૨૨, શનિવારના રોજ સવારે- ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી કુશ્કલ પ્રાથમિક શાળા, મુ. કુશ્કલ, તા. પાલનપુર ખાતે રાખવામાં આવેલ છે. 
           આ કાર્યક્રમમાં ચંડીસર, વાધણા, મડાણા(ડાં), મોટા, બાદરપુરા(ખો), કોટડા(ભા), જોરાપુરા(ભા), નાની જુઓલ, આકેડી, ભુતેડી, ચડોતર, આકેસણા, બાદરપુરા(ભુ), એગોલા અને કુશ્કલ ગામોના લોકોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ- જુદા જુદા જાતિ, આવક, નોન - ક્રિમીલીયર વિગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસૂલી સેવાઓ વિગેરે જેવી વિવિધ પ૬ સેવાઓનો ઉપરના ગામોના લોકોને લાભ લેવા નાયબ કલેક્ટરશ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
____________________________________________

સીબીઆઈ દ્વારા દીવ ખાતે ભ્રષ્ટાચાર ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે

આગામી તા. ૦૩/૦૯/૨૦૨૨ અને ૦૪/૦૯/૨૦૨૨ના રોજ સી.બી.આઈ.,ગાંધીનગર કચેરીના અધિકારીઓ દીવ સર્કિટ હાઉસ ખાતે ભ્રષ્ટાચાર ફરિયાદ નિવારણ કેમ્પ યોજવાના છે. આ બંને દિવસે સવારે ૧૦-૦૦ કલાકથી ૧૮-૦૦ કલાક દરમિયાન જાહેર જનતાને કોઈપણ પ્રકારની ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ હોય તો રૂબરૂ મળીને આપી શકે છે એમ સીબીઆઈની યાદીમાં જણાવાયું છે. 
____________________________________________

મગરવાડા નજીક આવેલ ચૌધરી સમાજની વાડી ખાતે યોજાનાર સહજ યોગ સેમીનાર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

(તસવીર: યાકુબ બિહારી)

વડગામ તાલુકા મગરવાડા નજીક આવેલ ચૌધરી સમાજની વાડી ખાતે તારીખ 2-9-2022 થી તારીખ 4-9-2022 સુધી સહજ યોગ આજનો મહાયોગ સેમીનાર યોજાનાર છે જેની માહિતી આપવા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, સહજ યોગ દ્વારા અત્યારે લોકો નીતનવા રોગોથી પીડાઈ રહ્યા છે ત્યારે મનની શાંતિ માટે યોગ કરવા પણ જરૂરી હોય ત્યારે માનસિક તણાવમાંથી મુક્તિ અને શાંતિની અદ્ભુત અનુમતિનો સેમીનાર તાલુકાના ઘર આંગણે યોજાઈ રહ્યો છે ત્યારે સહજ યોગ દ્વારા મેડિટેશન નિષ્ણાત ડોકટરો યોગ વિષે જાણકારી આપશે તો સૌ તાલુકાની જનતાએ ત્રણ દિવસ યોજાનાર સહજ યોગ સેમિનારમાં ભાગ લઇને યોગથી થતા ફાયદા વિષે માહિતી મેળવવી જોઈએ. આ સહજ યોગ સેમિનાર તારીખ 2-9-2022 થી તારીખ 3-9-2022 સુધી બહારથી આવતા મહેમાનશ્રીઓ માટે છે અને તારીખ 4-9-2022ના રોજ સાંજે પબ્લીક પ્રોગ્રામ હોય ત્યારે વડગામ તાલુકા અને પાલનપુર તાલુકાના લોકોએ સહજ યોગ સેમિનારમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગ વિષે જાણકારી લેવા જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના ખરોડીયા ગામ નજીક પાલનપુર સહજ યોગ દ્વારા આશ્રમનું  નિર્માણ જવા થઈ રહ્યું છે ત્યારે તારીખ 3-9-2022 નારોજ સહજ યોગ સંપાદિત જગ્યા ઉપર હવન કરવા કરવામાં આવશે તેવું સહજ યોગના સંચાલક શામળભાઈ ચૌધરી અને ડો. રમેશભાઈ દ્વારા વડગામ પ્રેસ મીડીયાને જણાવ્યું હતું.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ