ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૬.૦૯.૨૦૨૨
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ
બે વર્ષ બાદ યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખ જેટલાં પદયાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ કરાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા.
ત્યારબાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું અને આરોગ્ય વિભાગ, કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરશ્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને કલેકટરશ્રીએ આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ.
આ પ્રસંગે પ્રદર્શન ડોમમાં બનાવેલ મંદિરમાં કલેક્ટરશ્રી આનંદ પટેલે માતાજીની પૂજા- અર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
____________________________________________
પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલાશિક્ષક નયન ચત્રારિયા બન્યા પેડમેન
(માહિતી બ્યુરો, પાલનપુર)
"શિક્ષક કભી સાધારણ નહિં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતેં હૈ." ચાણકયની આ ઉકિત ખરેખર સાર્થક કરી છે, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુરના કલાશિક્ષક નયન ચત્રારિયાએ...!
પ્રવર્તમાન સમયમાં હાઇજેનિક ખોરાકના કારણે માસુમ દિકરીઓ ઘણીવાર ૧૨ વરસની નાની ઉંમરે પણ માસિક ધર્મ (પિરિયડ્સ) ના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના હોવાથી માસિક ધર્મ (પિરિયડ) નું દર્દ, સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ પણ અનુભવતી હોય છે.
આ દર્દને પોતાની શાળા સહિત આસપાસના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની દિકરીઓમાં અનુભવાતી આ વેદનાએ કલાશિક્ષક નયન ચત્રારિયાને આ દિકરીઓ માટે એક પુરુષ થઇને પણ આવી બાબતો માટે વાત કરતાં કરી દિધાં.
દિકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય શાળાઓમાં જઇ દિકરીઓના માતા-પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા કલાશિક્ષક નયન ચત્રારિયા એક અનોખી ફરજ અદા કરી રહ્યાં છે. સાથે જરુરિયાતમંદ દિકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જુની પ્રણાલી નાબુદ કરવા "સમસ્યા નહિં, સમાધાન" નામે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નયન ચત્રારિયા પોતે કલાશિક્ષક સાથે ઉત્તર ગુજરાતનાં જાણિતા એન્કર અને ફિલ્મ મેકર હોઇ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. તેમણે આ માસુમ દિકરીઓના માસિક ધર્મ બાબતે લોકોને માહિતગાર કરવા અંધશ્રદ્ધા નિર્મુલન અભિયાન અંતર્ગત નિર્માણ પામેલ "પાખંડ" વેબ સિરિઝમાં "એક સમસ્યા" નામના એપિસોડનું દિગ્દર્શન કરી દિકરીઓની વેદના અને સંવેદનાને તેમાં દર્શાવી વૈજ્ઞાનિક અભિગમ દાખવવા સૌને હાકલ કરી હતી.
દિકરીઓ માટે કરવામા આવતી આવી નિરપેક્ષ અને સેવાકિય પ્રવૃત્તિની જાણ થતાં આ અભિયાન ને સાથ આપવા તેમના મિત્રો અને શુભેચ્છકોએ તેમને મદદ કરી 'સેનેટરી પેડ' લાવવા માટે આર્થિક સહયોગ પણ આપ્યો છે. જેનાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જરુરિયાતમંદ દિકરીઓને અત્યાર સુધી બે લાખ ઓગણીસ હજાર રૂપિયાના ખર્ચે ૧ લાખ થી પણ વધુ સંખ્યામાં મફત સનેટરી પેડ આપી યુવા કલાશિક્ષક નયન ચત્રારિયાએ વાસ્તવિક જીવનમાં ' પેડમેન' બની આજના યુવાનોને અને સમાજને એક અનોખું ઉદાહરણ પુરુ પાડયું છે.
તેમના આ કાર્યમાં તેમના ધર્મપત્નિ મધુ ચત્રારિયા અને બાર વર્ષના પુત્ર કુમાર ચત્રારિયા પણ આ સેનેટરી પેડનાં પેકિંગથી લઇ વિતરણમાં સહયોગી થાય છે.
માસિક ધર્મ બાબતે દિકરીઓ સાથે આભડછેટ અને ઓરમાયું વર્તન ના થાય તેમજ આ બાબતે સમાજના કહેવાતા સુધરેલા પરિવારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દુર થાય અને લોકો વૈજ્ઞાનિક અભિગમ દાખવે એ બાબતે નયન ચત્રારિયા સમગ્ર ગુજરાતની દિકરીઓ માટે આજીવન પ્રયત્નશીલ રહેશે એવો નિર્ધાર કર્યો છે. ____________________________________________
પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ૨૬ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાયા
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના ઉપક્રમે 5 મી સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના રાજય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકો, તાલુકા કક્ષાના 23 શિક્ષકો મળી કુલ-26 શિક્ષકોને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના 2 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદ ખાતે રાજયકક્ષાના પારિતોષિકથી પણ આજના દિને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી માંગીલાલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાકારીશ્રી સંજયભાઇ પરમાર, બી.આર.સી, સી.આર. સી. કોર્ડિંનેટરશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યામંદિર શાળા પરિવારના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
જેમાં પાક કૃષિ વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, ગ્રામ અને લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, આદિજાતિઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર સક્રિયપણે સંકલ્પબધ્ધ છે ત્યારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે અને ટ્રાયબલ વિસ્તાર અન્ય વિસ્તારોની હરોળમાં આવે તેવા કામોને અગ્રતા આપી આદિજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે મંજુર કરવામાં આવેલ કામો સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરી અંતરીયાળ વિસ્તારો સુધી વિકાસના ફળ પહોંચાડવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ, રોડ, પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપીએ. જે પણ કામો હાથ ધરવામાં આવે તે અધૂરા ન રહે તેવી રીતે આયોજન કરી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા મંત્રીએ સુચના આપી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે આદિજાતિ માટે ફળવાયેલી ગ્રાન્ટના પડતર કામોનું તાત્કાલીક અમલીકરણ શરૂ કરવા જે તે વિભાગને તાકીદ કરી હતી.
આ બેઠકમાં લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી રીટા પંડ્યા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
____________________________________________
અંબાજી મેળામાં પરિવારથી વિખુટા પડેલા કે ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માતૃ મિલન- પ્રોજેક્ટ હેઠળ વિશેષ વ્યવસ્થા
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ખાતે બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.૦૫-૦૯-૨૦૨૨ થી તા.૧૦-૦૯-૨૦૨૨ દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવે છે. આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવારની શોધખોળ તેમજ ગુમ થયેલ બાળકોની શોધખોળની કામગીરી તથા વિખુટા પડેલ બાળકને પરિવાર ન મળે ત્યાં સુધી બાળકને સલામત કસ્ટડીમાં રાખવાની કામગીરી માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘મેળામાં બાળકની સુરક્ષા જવાબદારી આપણા સૌની સ્લોગન સાથે માતૃ મિલન-પ્રોજેક્ટની રચના જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮, પોલીસ વિભાગ અને વોડાફોનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી છે. માતૃ મિલન-પ્રોજેક્ટ અંતર્ગત બાળકની સુરક્ષા માટે સૌ પ્રથમ તો બાળક મેળામાં પરિવારથી વિખુટુ પડે જ નહીં તે માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે જેમ કે, અંબાજી જતા તમામ માર્ગો પર જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ દ્વારા બાળક માટે રાખવાની સલામતિ તથા બાળક ખોવાયેલ કિસ્સામાં ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર-૧૦૯૮ અને અંબાજી મુખ્ય પોલીસ કંટ્રોલ પોઈન્ટના ફોન નંબર-૦૨૭૪૯ ૨૬૨૦૩૧/૩૨ પર સંપર્ક કરવા માટેની જાહેરાતના હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે તથા રેડીયો F.M. 90.4 ઉપર પણ વારંવાર બાળકને મેળામાં સાચવવા અંગેની જાહેરાત સતત કરવામાં આવી રહી છે.
આ વર્ષે મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોડાફોન સાથે કોલોબ્રેશન કરી વોડાફોન દ્વારા અંબાજીમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ પ્રવેશ દ્વાર દાંતાથી અંબાજી રોડ પર વેલકમ ડોમ નજીક, હડાદથી અંબાજી પ્રવેશદ્વાર પર પ્રજાપતિ ભવન પાસે તથા આબુરોડ થી અંબાજી પ્રવેશદ્વાર ગજરાજ પ્રવેશદ્વાર નજીક તથા મુખ્ય કંટ્રોલ પોઇંટ ખોડિવલ્લી સર્કલ પાસે અને એક ડોમ અંબાજી મંદિરમાં લગાવવામાં આવેલ છે. જેમાં પગપાળા આવતા યાત્રાળુઓના બાળકોને એક RFID કાર્ડ પહેરાવવામાં આવે છે. જેમાં બાળકનું નામ, સરનામું, વાલીનું નામ તથા સંપર્ક નંબરની વિગતો લેવામાં આવે છે. જ્યારે આવુ RFID કાર્ડ પહેરેલ બાળક મેળામાં ગુમ થાય અને કોઈને મળી આવે તો તે બાળકને અંબાજી ખાતે વિવિધ જગ્યાએ ઉભા કરેલ વોડાફોનના સ્ટોલમાં લઈ જવામાં આવે છે. જ્યાં બાળકનું RFID કાર્ડ વોડાફોનના કર્મચારીઓ દ્વારા સ્કેન કરવામાં આવે છે. જેમાં બાળકની સંપૂર્ણ વિગતો મળી આવશે તથા બાળકના વાલીના મોબાઈલ નંબર પર બાળક જ્યાં હશે તે જ્ગ્યા સાથેનો મેસેજ પણ જશે. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈન -૧૦૯૮ નો સ્ટાફ ૨૪ કલાક મેળામાં ડ્યુટી સંભાળે છે તથા આવા ખોવાયેલ અને મળી આવેલ બાળકને સાચવવા તથા બાળકના પરિવારને શોધીને બાળકને તેમના પરિવાર સાથે મિલન કરી આપવાની કામગીરી કરવામાં આવે છે.
આવા બાળકનું મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપરથી સતત એનાઉસીંગ કરવામાં આવે છે તથા બાળકને અંબાજીમાં લગાવેલ તમામ LED સ્ક્રીન પર મળી આવેલ બાળકના નામ સાથેની વિગતો સાથે સતત લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. જેથી મેળામાં રહેલ બાળકના વાલી બાળકને જોઈ બાળકને લેવા માટે આવી જાય આ ઉપરાંત બાળકને જ્યાં સુધી તેના વાલી/ માતા પિતા મળી આવે નહીં ત્યાં સુધી બાળકને સાચવવા માટે કેરટેકર બહેનોની સુવિધા સાથેનો એક અલગ રૂમ ફાળવવામાં આવેલો છે. જેમાં બાળકો માટે ટી.વી./રમકડાં વગેરેની મનોરંજનની સુવિધા તથા ખાવા- પીવાની વ્યવસ્થાઓ અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ, અંબાજી મેળા દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નાગરિકોના સહયોગથી બાળકોની સુરક્ષા માટેની ખૂબ જ સુંદર અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
____________________________________________
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ખાતે નિઃશુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન સારવાર સલાહ કેમ્પનું આયોજન
(માહિતી બ્યુરો, પાલનપુર)
નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ જી- બનાસકાંઠા ખાતે દર માસના પહેલા બુધવારે ડાયાબીટીસ રોગના નિવારણ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આગામી તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી 12.30 કલાક દરમિયાન નિઃશુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન સારવાર સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડાયાબીટીસની મફત આયુર્વેદ/ હોમિયોપેથીક નિદાન તથા ઔષધિય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી જીવન પદ્ધતિ તેમજ આહાર વિહાર અને ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમ વૈદ્ય પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામની અખબારી યાદીમાં જણાવાયુ છે.
____________________________________________
રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા થયેલી તૈયારીઓની સમીક્ષા કરી
મેળા દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને કાયમી સ્વરૂપ આપવા અનુરોધ
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.
મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની અનુભૂતિ પણ કરે તે જરૂરી છે એટલે એ દિશામાં વ્યવસ્થાઓ ગોઠવવા મુખ્ય સચિવશ્રી એ તાકીદ કરી હતી.
મુખ્ય સચિવ શ્રીએ મા અંબાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે માર્ગદર્શક દિશાચિંહો મૂકવા તંત્રએ કરેલી કામગીરીને બીરદાવતા કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં હેલ્પ સેન્ટર તથા વોલેન્ટિયર ફોર્સ કાર્યરત કરવા ઉપરાંત વ્યવસ્થાઓનું મોનિટરિંગ મિકેનિઝમ ગોઠવવા પણ સુચન કર્યું હતું.
આ બેઠકમાં શ્રી પંકજ કુમારે કહ્યું કે, આ સમગ્ર મેળા દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુદઢ રીતે જળવાઈ રહે તે માટે આયોજન કર્તાઓએ સામાન્ય નાગરિકની દ્રષ્ટિએ વિચારીને પણ વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ જેને પગલે દર્શનાર્થીઓને સુગમતા રહે.
દર્શનાર્થે પગપાળા આવતા ભક્તો માટે રાત્રિના સમયે લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થવી જોઈએ જેના કારણે રાત્રિ દરમિયાન કોઇપણ દર્શનાર્થીઓને તકલીફ ન પડે તેમજ પાર્કિંગ વ્યવસ્થા સુદઢ થવી જોઈએ અને તેનું મોનેટરીટીંગ સતત થવું જોઈએ જેથી કરીને બહારગામથી આવતા વાહનચાલકોને અગવડ ન પડે તેમજ સંઘમાં આવતા વાહનોને સુનિયોજિત પાર્ક કરાવવા જેથી અવ્યવસ્થા ના સર્જાય તેવા સૂચનો મુખ્ય સચિવશ્રીએ વહિવટી તંત્રને આપ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, ભક્તોને લઈને આવન જાવન કરતી એસટી બસો સ્વચ્છ અને સુદ્રઢ રહેવી જોઈએ તેમજ એસટી બસોની આવન જાવનનું મોનીટરીંગ કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.
વન કુટીરોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, પદયાત્રાના માર્ગ પર જ્યાં વન કુટીરોમાં યાત્રિકો આશ્રય લે છે તેની સ્વચ્છતા પણ જળવાવી જોઈએ છે.
મેળા દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને કાયમી સ્વરૂપ આપવા અનુરોધ કરી આ વ્યવસ્થાઓમાં ગુણાત્મક સુધારો થાય તે પણ એટલું જ જરૂરી છે એમ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં સચિવશ્રી હારિત શુક્લા, શ્રી રાજકુમાર બેનીવાલ, શ્રી રૂપવંત સિંહ , આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________
મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે ભટ્ટજી મહારાજ ભરતભાઈના આશીર્વાદ મેળવ્યા
____________________________________________
બનાસકાંઠા જિલ્લાના ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય શ્રી રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત
(માહિતી બ્યુરો, પાલનપુર)
પ મી સપ્ટેમ્બર એટલે શિક્ષકો માટે જ ગૌરવનો દિવસ નહી, પરંતુ સમગ્ર લોકોનો પ્રેરણાસ્ત્રોત દિવસ ગણાય છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના શ્રી લાડુલા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નગવાડા ગામના વતની શ્રી રમીલાબેન ડી. મકવાણાને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ટ્રોફી, શાલ અને રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા તથા તથા શિક્ષણ સચિવશ્રી ર્ડા. વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને શિક્ષણપ્રેમીઓની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં અમદાવાદ પાલડી ટાગોરહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તાર ભાભર તાલુકાના લાડુલા જેવા નાના ગામમાં શ્રી રમીલાબેન મકવાણા એ શિક્ષણની સાથે સાથે અનેક લોકોની મદદ કરી છે તેમજ ગામમાં હવાડો, ચબૂતરા, વિધવા મહિલાઓને વિધવા સહાય અપાવવામાં મહત્વનું યોગદાન રહ્યું છે તેમજ કોરોનાના કપરા સમયમાં પોતાના સ્વખર્ચે સમગ્ર ભાભર તાલુકાના તમામ ગામોમાં રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. જનસેવા એ જ સાચી સેવા નો ભેખ તેઓ એ ધારણ કરેલો છે ધન્ય છે આવા કર્મનિષ્ઠ સારસ્વત રમીલાબેન મકવાણાને.
____________________________________________
ભજનાનંદી હસુ ગોવિંદ પાલનપુરી બારોટની પૌત્રી કુ.ખુશનવી (પરી) જીજ્ઞેશભાઈ બારોટે જ્ઞાન મંદિર પ્રાથમિક શાળામાં ધો. ૨માં શિક્ષિકા બની સુંદર રીતે બાળકોને શિક્ષણ આપ્યું હતું. શાળાના આચાર્ય શ્રીમતી સીમાબહેન પંડ્યાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
ટિપ્પણીઓ