ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૭.૦૯.૨૦૨૨
અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો
દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ
(માહિતી બ્યુરો પાલનપુર)
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. આ વર્ષે થયેલા સાર્વત્રિક સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાશે.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને માઇભક્તો પ્રત્યે રાજ્ય સરકારે એ જ અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરતું સરસ આયોજન પદયાત્રિકો માટે કર્યું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ-૫ વિશાળ ડોમ યાત્રાળુઓના વિસામા અને આરામ માટે બનાવવામાં આવ્યા છે જેમાં યાત્રિકો પોતાના ઘેર સૂતા હોય તેમ શાંતિથી ઘસઘસાટ ઉંઘી શકે છે. હડાદ બાજુથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિર અને પોલીસ સ્ટેશન નજીક તથા દાંતા રોડ પર અને પાન્છા ખાતે પલંગ- ગાદલા સહિતની સુવિધાઓ સાથે વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં યાત્રિકો આરામ કરીને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર પીવાનું પાણી, આરોગ્ય, લાઇટની સુવિધા અને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ ખુબ સરસ રીતે ગોઠવવામાં આવેલી છે.
મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી ૨૮ સમિતિઓ સહિત આ વર્ષે પ્રથમ વખત બેઝ સમિતિ બનાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ મેળાની સમગ્ર પરિસ્થિતી પર સીધી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. કલેકટરશ્રીએ મેળાના પ્રારંભ પહેલાં અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા અધિકારીઓને તાકીદ કરતાં સ્વચ્છતા માટે સ્પેશ્યલ ટીમો મુકીને ૭૦૦ જેટલાં સફાઇ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવે છે. પરિણામે અંબાજીના તમામ વિસ્તારો સાફ- સુથરા અને સ્વચ્છ બનતાં ઘણા યાત્રિકોએ અંબાજીની સ્વચ્છતાની સરાહના કરી છે.
____________________________________________
ડો. એ.પી.જે. અબ્દુલ કલામના નામે વાયરલ કરવામાં આવેલી તસવીર એમની નથી
છેલ્લા ઘણાં સમયથી સોશ્યલ મીડિયાના અનેક પ્લેટફોર્મ ઉપર એક નાનો છોકરો સાયકલ ઉપર બેસીને અખબારનું વિતરણ કરી રહ્યો હોય તેવી એક તસવીર વાયરલ કરી આ તસવીર પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામની બાળપણની તસવીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વાસ્તવિકતા એ છે કે, આ તસવીર ડો. એ.પી.જે. અબ્દુલ કલામની નથી. હા, એ વાત સાચી છે કે ડો. કલામ સાહેબ નાના હતા ત્યારે અખબારનું વિતરણ જરૂર કરતા હતા. આ તસવીર બાબતે ઘણી ફેક્ટ ચેક વેબસાઈટ દ્વારા તથ્યની ચકાસણી કરી જાહેર કરવામાં આવ્યું છે કે, આ તસવીર ડો. એ.પી.જે. અબ્દુલ કલામની નથી બલ્કે અન્ય કોઈ બાળકની છે. તેમ છતાં અવારનવાર લોકો પોતાની પાસે આ તસવીર આવે ત્યારે એને ડો. એ.પી.જે. અબ્દુલ કલામની બાળપણની તસવીરના નામે અન્ય લોકોને ફોરવર્ડ કરતા રહે છે. જો કે લોકોએ સોશ્યલ મીડિયા ઉપર કંઈ પણ વાયરલ કરતા પહેલા એની ખરાઈ કરી લેવી જરૂરી છે.
____________________________________________
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા
(માહિતી બ્યુરો પાલનપુર)
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ચૂક્યો છે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇ ભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા માં પદયાત્રીઓ, સંઘો સાથે વૃધ્ધો, વડીલો અને દિવ્યાંગ માઇભક્તો પણ માં અંબાને માથું ટેકવવા અને આશિર્વાદ મેળવવા આવતા હોય છે.
આવા વૃધ્ધો, અશક્તો, વડીલો અને દિવ્યાંગ માઇ ભક્તો પ્રત્યે વહીવટીતંત્ર એ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વહીલચેર અને ઇ રિક્ષાની સુવિધા રાખવામાં આવી છે. જે અંતર્ગત મેળાના પ્રથમ દિવસે 104 દિવ્યાંગો, અશકતો અને વૃદ્ધોને ઈ રીક્ષા અને વ્હીલચેર મારફતે માતાજીના દર્શન કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્તોએ વહીવટીતંત્રની સંવેદનાને સરાહી તેમની કામગીરીને બિરદાવી હતી.
____________________________________________
રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમારે અંબાજી ખાતે મેળામાં દર્શનાર્થીઓ માટે કરાયેલ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમારે અંબાજી ખાતે મેળામાં દર્શનાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્ય સચિવશ્રી ઉચ્ચ અધિકારીઓ સાથે યાત્રિકો માટે બનાવવામાં આવેલ આરામના આશ્રય સ્થાનો, મેળાની પાર્કિંગ વ્યવસ્થા તથા આ વર્ષે મેળામાં પ્રથમ વખત ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત કરવામાં આવી છે તેની જાત મુલાકાત લઇ આ વ્યવસ્થાઓ અંગે લોકોને માહિતગાર કરી તેનો વધુમાં વધુ દર્શનાર્થીઓ લાભ લેવા જણાવ્યું હતું.
____________________________________________
અંબાજી ભાદરવી મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજીત લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજુ કરતાં ભવ્ય પ્રદર્શનનું અંબાજી ખાતે આયોજન કરાયું
(માહિતી બ્યુરો,પાલનપુર)
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરોના ઉત્તર ગુજરાત ઝોનના અધિકારી જે.ડી. ચૌધરી અને સૌરાષ્ટ્ર ઝોનનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી તેમજ જિલ્લાના અન્ય અધિકારી-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદશ્રીએ દિપ પ્રાગટ્ય દ્વારા આ લોકસંપર્ક કાર્યક્રમને લોકો સમક્ષ ખુલ્લો મુક્યો હતો.
કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરનાં અધિકારી જે.ડી. ચૌધરીએ કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે અંબાજીના મેળામાં કેન્દ્ર સરકારના આ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે પોષણ અભિયાનમાં જન ભાગીદારી વધારવાનો પણ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે જ લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તે માટે અહીં વિશાળ પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી સચોટ માહિતી સાથે માર્ગદર્શન પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાશે.
કેન્દ્રીય સંચાર બ્યુરોના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે જનજન સુધી જાણકારી એજ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. સાથે સરકારના વિવિધ અભિયાન જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, જલ સંરક્ષણ અભિયાનમાં લોક જાગરુતતા લાવવાનો પણ ઉદ્દેશ્ય રહેશે. જે માટે વિશાળ પ્રદર્શન સાથે સાસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, પત્રિકા વિતરણ તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ્સ એ આ કાર્યક્રમનાં મુખ્ય આકર્ષણ રહેશે.
આ વિશેષ કાર્યક્રમના પ્રથમ દિવસે પોષણ અભિયાન અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં જાગરુકતા સંદેશ આપતા મનોરંજક નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓને સાંસદશ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. મહત્વનું છે કે અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે મેદાનમાં આયોજિત આ પ્રદર્શન તારીખ 06 થી 09 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે.
____________________________________________
હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી સમિતિ દ્વારા અંબાજીમાં હોટલોની ચકાસણી કરાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના સુચારુ આયોજન અને દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી માટે કુલ-૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલી છે.
આ સમિતિઓ અંતર્ગત હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ સમિતિ દ્વારા આજે અંબાજીની હોટલોની ચકાસણી કરવામાં આવી હતી.
આ સમિતિના સભ્ય મામલતદારશ્રી વડગામ અને તેમની ટીમ દ્વારા અંબાજીમાં હોટલો, ગેસ્ટ હાઉસ તપાસણી કરી નિયતભાવો કરતાં વધુ ભાવો યાત્રાળુ પાસેથી ન મેળવે તેની તકેદારી રાખવા હોટલ માલિકોને સુચના આપી હતી. આ ઉપરાંત હોટલોમાં રાંધવામાં આવતા ખોરાકની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ