ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૦૮.૦૯.૨૦૨૨
સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિરસમાં તરબોળ
ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમથી અંબાજીમાં સર્જાયો મિની મહાકુંભ
(માહિતી બ્યુરો, પાલનપુર)
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ, રાત જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.....ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર દર્શન કર્યાનો સંતોષ જોવા મળે છે.
અંબાજી મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમ સીમાથી ભવ્ય માહોલ જોવા મળે છે. દૂર દૂરથી પદયાત્રા કરીને દિવસોથી ચાલી રહેલા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા છે. અંબાજી મંદિર પરિસર અને રસ્તાઓ પર માતાજીના અવિરત જયઘોષથી દિવ્ય માહોલની અનુભૂતિ થાય છે.
અંબાજી ભાદરવી મહોમળો માઇભક્તો માટે યાદગાર સંભારણું બની રહે છે. પદયાત્રા દરમ્યાન જીવનની રોજીંદી ઘટમાળ અને ઘડિયાળના કાંટે ચાલતા ભૌતિક જીવનમાંથી માણસને મુક્તિનો અનુભવ થાય છે. પદયાત્રા દરમ્યાન યાત્રિકો પોતાનું ભૌતિક અસ્તિત્વ ભુલીને સૌની સાથે એક બની બસ જય અંબે...... જય અંબે.......જય ઘોષ સાથે જ ચાલતા રહેવાનું. ના કોઇ ટેન્શન કે ના કોઇ ચિંતા. એકદમ મુક્ત, સ્વતંત્ર અને ભક્તિમાં લીન બની જવાનું. ઇચ્છા થાય ત્યારે ચાલવાનું, મન થાય ત્યારે બેસીને આરામ કરવાનું અને વળી ભક્તિની મોજ આવે તો ગમે ત્યાં ગરબે ઘુમી નાચી પણ લેવાનું. જે લોકો ક્યારેય કોઇ પ્રસંગમાં ડાન્સ કરી શકતા નથી કે પોતાના ગામની માંડવડીમાં નવરાત્રિમાં ગરબે પણ નથી રમી શકતા તેવા ઘણા લોકો અત્યારે મહામેળામાં માતાજીની ભક્તિમાં ઝુમી, ગરબા રમતા જોવા મળ્યા છે.
માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન- ગબ્બર ઉપર માઇભક્તોની ભારે ભીડ
માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર પર્વત ખાતે પણ માઇભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો ગબ્બર પર્વત ઉપર દર્શન કરવા અચૂક જાય છે. દેશ વિદેશામાં જુદા જુદા સ્થળોએ આવેલા માતાજીના શક્તિપીઠોનું એક જગ્યાએ ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થતાં માઇભક્તો હવે અંબાજી આવીને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. ગબ્બર ઉપર જવા માટે રોપ-વે અને પગથીયાની સગવડ હોવાથી માઇક્તોને સારી સુવિધા મળે છે. ગબ્બર પર્વત ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળા પ્રસંગે વહીવટીતંત્ર દ્વારા ગોઠવાયેલ તમામ વ્યવસ્થાઓ વીજળી, આરોગ્ય, સુરક્ષા, સ્વચ્છતા, વિનામૂલ્યે ભોજન, વિસામા, પરિવહન વગેરે સરસ રીતે જળવાઇ રહી છે.
_____________________________________________
પદયાત્રાનો થાક, કષ્ટ અને દુઃખ ભૂલાવી એક નવી ઉર્જાનો અહેસાસ કરાવે છે
અંબા અમર સેવા કેમ્પ દ્વારા મેળાના ઇતિહાસમાં પ્રથમવાર મશીન દ્વારા પગનો મસાજ કરતું મશીન મુકાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
પવિત્ર યાત્રાધામ અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓ અને માઇભક્તોના જય અંબે, બોલ માડી અંબે......ના નાદથી જીવંત થઈ ઉઠ્યા છે, ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ દિવસ રાત જોયા વિના માં ના ચરણમાં શીશ નમાવવા આતુરતાથી ધસી રહ્યો છે. એક તરફ શ્રધ્ધાળુઓનો સાગર ઉમટી રહ્યો છે, તો બીજી તરફ શ્રદ્ધાળુઓની સેવા માટે અંબાજી તરફના માર્ગો પર ઉભા કરાયેલા સેવાકેમ્પો "સેવા એજ પરમો ધર્મ" ના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. જેમાં હજારો સેવાભાવી ભક્તો પદયાત્રીઓની સેવા સુશ્રુષા કરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. આવા સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે ભોજન, ચા નાસ્તો, લીંબુ શરબત, પાણી, છાસ, વિસામો સહિતની સુંદર સુવિધાઓ આપવામાં આવી રહી છે.
દૂર દૂરથી આવતા પદયાત્રિકો- દર્શનાર્થીઓ માટે આવા સેવા કેમ્પોમાં સેવાભાવી માઇભક્તો યાત્રિકોની માલિશ અને મસાજ કરી પુણ્યનું ભાથું મેળવી રહ્યા હોવાની અનુભૂતિ સાથે સેવાનો ધર્મ નિભાવી રહ્યા છે ત્યારે અંબાજીની નજીક કોલેજની સામે અંબા અમર સેવા કેમ્પમાં સૌ પ્રથમવાર યાત્રિકોની થકાન દૂર કરવા પગની મસાજ કરતા મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાના આટલા વર્ષોના ઇતિહાસમાં આ સુવિધા સૌ પ્રથમ વાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ફૂટ મસાજર મશીન થોડીક જ મિનિટોમાં યાત્રાળુઓનો થાક દૂર કરી તેમને રાહત આપે છે. જેના લીધે આ મશીન યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે પણ આ સેવા કેમ્પની મુલાકાત લઈ આયોજકોની સેવાભાવનાની સરાહના કરીને સુવિધાને વખાણી છે.
અમદાવાદના માઇભક્ત અને સેવાભાવી યુવક ભાઈઓ મૌલિકભાઈ પરબ અને જીતુભાઇ પરબ દ્વારા અંબાજી ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની સામે યાત્રિકોની સેવા માટે અંબા અમર સેવા કેમ્પની સુંદર સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેમાં યાત્રિકોને બે ટાઈમ ભોજન પ્રસાદ, ચા નાસ્તો, ફળફળાદી, આઈસ્ક્રીમ, મેડિકલ સુવિધાઓ સાથે યાત્રિકોનો થાક દૂર થાય એ માટે આધુનિક મશીન દ્વારા પગની મસાજ સાથે એક્યુપંચર થાય એવી સરસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નાનકડા મશીન પર બેસતાં જ થાકેલા યાત્રિકો પાંચ મિનિટમાં તો રાહત અને નવા ઉત્સાહની અનુભૂતિ મેળવી પગપાળા યાત્રાનો થાક, કષ્ટ અને દુઃખ ભૂલી એક નવી ઉર્જાનો અહેસાસ અનુભવે છે. એક સાથે 50 જેટલાં યાત્રિકો આ સુવિધાનો લાભ મેળવી શકે એ માટે 50 આધુનિક ફૂટ મસાજર મશીન સેવાકેમ્પમાં યાત્રિકોની સેવાર્થે મુકવામાં આવ્યા છે. આ મશીન પગની આંગળીઓ, અંગુઠાથી માંડી ઢીંચણ સુધી મસાજ અને એક્યુપંચર કરે છે જેનાથી યાત્રિકોને તરત રાહત અનુભવાય છે અને તેમનો થાક દૂર થાય છે. અંબાજી મેળામાં આ પ્રકારની સુવિધા સૌ પ્રથમ વાર શરૂ કરવામાં આવી છે જેનો યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે અને આ મશીન યાત્રિકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે.
_____________________________________________
અંબાજી ભાદરવી મહામેળામાં તંત્ર દ્વારા કરાયેલ સુવિધાઓની પ્રશંસા કરી સરકારનો આભાર વ્યક્ત કરતા પદયાત્રિકો
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમનો મેળો હવે સોળે કળાએ જામી રહ્યો છે. આ મહામેળામાં દૂરદૂરથી લાખો માઇભક્તો પદયાત્રા કરીને અને સમુદ્ર પારથી વિદેશથી પણ શ્રધ્ધાળુઓ મા અંબાના ચરણ પખાવળવા આવી રહ્યા છે. અહીં આવી માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને ધન્ય અનુભવે છે. દેશ- વિદેશમાં વસતા કરોડો ભારતીયો માટે અંબાજી મંદિર શ્રધ્ધા અને આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્રબિંદુ રહ્યું છે. ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા અને માતાજીના સરસ દર્શન થાય તે માટે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવતા પદયાત્રિકો રાજ્ય સરકારઓ આભાર વ્યક્ત કરી સુવિધાઓની પ્રશંસા કરી રહ્યા છે.
મૂળ અમદાવાદના અને સમુદ્રપાર દુબઇથી આવેલા દર્શનાર્થી શ્રી અસ્મિતા જીગ્નેશભાઇ સોની જણાવ્યું કે, મારા સસરા અમદાવાદ રહે છે અમે દુબઇથી દર્શન કરવા આવ્યા છીએ. અંબાજી મંદિરમાં સરકારની વ્યવસ્થાની સરાહના કરતા કહ્યું કે, દુબઇ કરતા પણ અંબાજીમાં યાત્રિકો માટે ખુબ સારી વ્યવસ્થા છે. અમને મંદિરમાં દર્શન કરવામાં, પ્રસાદ લેવામાં કોઇ તકલીફ પડી નથી, સિક્યુરીટી ગાર્ડ પણ સારા છે તેઓ યાત્રિકો સાથે પ્રેમથી વર્તન કરી આવકારે છે. અહીં શ્રધ્ધાળુંઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. ધજાઓ ચડાવે છે અને ભક્તિમય માહોલમાં અમને દર્શન કરવાની સારી સુવિધા મળી છે.
_____________________________________________
આ વર્ષે અંબાજી મેળામાં વિશેષ વ્યવસ્થાઓ અને સ્વચ્છતાના લીધે અંબાજી કંઇક અલગ લાગે છેઃ આદ્યશક્તિ પગયાત્રા સંઘ ભાણવડના પદયાત્રીકો
(માહિતી બ્યુરો, પાલનપુર)
બોલ માડી અંબે.... જય જય અંબે....ના જય ઘોષ સાથે છોટાઉદેપુર જિલ્લાના ભાણવડથી આવતા આદ્યશક્તિ પગયાત્રા સંઘના પદયાત્રીશ્રીએ જણાવ્યું કે, અમે છેલ્લા ૧૩ વર્ષથી મહિલાઓ, બાળકો સાથે પગપાળા સંઘ લઇને આવીએ છીએ. તેમણે કહ્યું કે, આ વર્ષે અંબાજી મેળામાં વિશેષ વ્યવસ્થાઓ અને સ્વચ્છતાના લીધે અંબાજી કંઇક અલગ લાગે છે. આ વર્ષે અંબાજીના રસ્તાઓ ચોખ્ખા ચણાક છે. તેમણે કહ્યું કે, આપણા દેશનું મિશન પણ એ જ છે કે આપણે ચોખ્ખાઇ રાખીશું તો દેશ સાફ- સુથરો, સ્વચ્છ રહેશે અને આગળ આવશે. અમે અમારા પગપાળા યાત્રિકોને પણ સુચના આપી હતી કે કચરો ક્યાંય રસ્તામાં ફેકવો નહીં તો જ સ્વચ્છતા જળવાશે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામના પદયાત્રિક નાઇ ભરતકુમાર ખોડાભાઇએ જણાવ્યું કે, અમે માતાજીના દર્શન કરવા પગપાળા આવ્યા છીએ. અંબાજીમાં પ્રવેશ કર્યા પછી અનુભવ્યું છે અને ખુબ સારા દર્શન થયા છે, મંદિરમાં દર્શન, પીવાના પાણીની વ્યવસ્થા છે. વહીવટી તંત્ર દ્વારા સફાઇ માટેની સરસ વ્યવસ્થા હોવાથી કયાંય કચરો જોવા મળતો નથી. લોકોની સુરક્ષા માટે પોલીસ પુરતી સંખ્યામાં છે. સરકારે કરેલી આટલી બધી વ્યવસ્થાઓ જોઇને આનંદ થાય છે.
_____________________________________________
સ્વચ્છતા માટે તંત્રની ખાસ તકેદારીઃ રસ્તામાં કેળાની છાલ કોઇ ન ફેંકે તે માટે ખાસ વ્યવસ્થા
અંબાજીના રસ્તાઓ સાફ-સુથરા રાખવા કલેક્ટરશ્રીના માર્ગદર્શનથી સેવાભાવી લોકો દ્વારા અપાતી ચીજ વસ્તુઓના કલેક્શન અને વિતરણની વ્યવસ્થાની ઉત્તમ કામગીરી
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે જામી રહ્યો છે. શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે દૂર દૂરથી ચાલતા આવતા માઇભક્તો માટે વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંબાજીના રસ્તાઓ ઉપર ઘણાં સેવાભાવી લોકો કેળા, સફરજન વગેરે જેવા ફળો અને ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરતા હોય છે. આ ફળો અને ખાદ્ય ચીજવસ્તુઓ આરોગ્યા પછી તેની છાલ કોઇ પદયાત્રિક રસ્તા પર ન ફેંકે અને સ્વચ્છતા જળવાય તે માટે બનાસકાંઠા કલેકટર કમ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં પ્રથમ વખત કલેક્શન સેન્ટર ઉભુ કરાયું છે.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ. જે. જિન્દાલ અને તેમની ટીમ દ્વારા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ફળ ફળાદી અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓનું કલેક્શન કરી તેનું સેવાકેમ્પોમાં વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કલેક્શન સેન્ટર મારફતે ૭,૮૯૨ કિ.લો. કેળા અને ૪૪૦ કિ.લો. સફરજનનું વિવિધ સેવા કેમ્પોમાં વિતરણ કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે સ્વચ્છતા જળવાય તે માટે સેવા કેમ્પોની બહાર કચરા પેટી મૂકી વેસ્ટ કચરો પણ એકત્ર કરવામા આવી રહ્યો છે જેનાથી રસ્તાઓ ઉપર ખુબ સારી સ્વચ્છતા નજરે પડે છે.
_____________________________________________
દાહોદના લીમખેડાનો સંઘ 300 કિ.મી.ની પદયાત્રા કરીને અંબાજી પહોંચ્યો
બે વર્ષ બાદ મેળો શરૂ થયાની ખુશીમા સંઘ દ્વારા 511 ગજ ની ધજા માં ને અર્પણ કરાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
અંબાજી ભાદરવી પૂનમનો મિનીકુંભ ભરાયો છે. લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ પગપાળા ચાલી રહ્યાં છે ત્યારે આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના લીમખેડાનો સંઘ છેલ્લા 31 વર્ષ થી 300 કિ.મી.ની પદયાત્રા કરીને અંબાજી આવે છે. વૈશ્વિક મહામારી કોરોનાના લીધે બે વર્ષના વિરામ બાદ મેળો શરૂ થયાની ખુશીમાં આ વર્ષે આ સંઘ દ્વારા પહેલીવાર 511 ગજ ની ધજા માં ને અર્પણ કરી માતાજીને તમામ લોકોની સુખ, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દાહોદના લીમખેડાથી 100 જેટલા માઇભક્તો સંઘમાં ધજા સાથે આવીને માતાજીના મંદિર શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
ટિપ્પણીઓ